• Gujarati News
  • International
  • The Taliban, Which Has Been Fighting The War In Afghanistan For 20 Years, Has About .. 1.6 Billion In Assets, Including Opium.

તાલિબાનની આવકનું ગણિત:અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી યુદ્ધ લડી રહેલા તાલિબાનો કરે છે અધધ...રૂપિયા11,800 કરોડની વાર્ષિક કમાણી, અફીણ સહિત અનેક ક્ષેત્રો છે આવકના સ્રોતો

અમદાવાદ3 મહિનો પહેલા
  • યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ડ્રગ અહેવાલ, 2020ની માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ઉત્પન્ન થતું અફીણ વિશ્વમાં આશરે 84 ટકા બજાર હિસ્સો ધરાવે છે
  • વર્ષ 2016માં 400 મિલિયન ડોલરની કમાણી સાથે ફોર્બ્સની યાદીમાં તાલિબાન પાંચમા સ્થાન પર હતું

તાલિબાને ખૂબ જ ઓછા સમયમાં લોકશાહી રીતે ચૂંટાયેલી અફઘાન સરકારને ઊથલાવી સમગ્ર દેશ પર પ્રભુત્વ મેળવી લીધું છે. અમેરિકાના વડપણ હેઠળની નાટો સેના આશરે બે દાયકા સુધી સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનના લડાકુઓને ધમરોળતા રહ્યા અને શોધી-શોધીને તેના અસંખ્ય નેતાઓનો ખાતમો બોલાવી દીધેલો. આશરે બે દાયકાની લાંબી લડાઈ બાદ પણ તાલિબાનો આર્થિક તથા શસ્ત્રોની દૃષ્ટિએ આટલા સમૃદ્ધ કેવી રીતે રહ્યા.

તેમની આવકના એવા તે કયા સ્રોત હતા, જે તેમને સતત મજબૂત રાખતા રહ્યા છે, એ કોઈપણ વ્યક્તિના મનમાં વિચાર આવે એ સ્વાભાવિક છે. અમેરિકા અને બ્રિટન જેવા સુપરપાવર દેશોએ છેવટે અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી એના ગણતરીના દિવસોમાં જ તાલિબાને સમગ્ર દેશ પર પોતાનો કબજો જમાવી લીધો. તાલિબાનો માટે એવા તે કયા અબજો રૂપિયાની કમાણીના સ્રોત રહ્યા છે એ અંગે વાત કરીશું.

તાલિબાન પાસે કેટલી સંપત્તિ છે
માર્ચ, 2020માં તાલિબાન પાસે આશરે 11,800 કરોડની એટલે કે 1.6 અબજ ડોલરની વાર્ષિક કમાણી નોંધાવેલી હતી. આટલી મોટી રકમ કોઈ નાના દેશની કુલ આવક કરતાં પણ વધારે છે. આ અંગે તાલિબાનના ધર્મગુરુ મુલ્લા મોહમ્મદ ઉમરના દીકરા મુલ્લા યાકૂબે માહિતી આપી હતી. નાટોના અહેવાલમાં આ બાબતનો ઉલ્લેખ થયેલો, જે રેડિયો ફ્રી યુરોપમાં આવી ચૂકેલો.

આટલી રકમ તાલિબાન પાસે ક્યાંથી આવે છે?
તાલિબાને વર્ષ 1996થી 2001 સુધી અફઘાનિસ્તાન પર શાસન કરેલું. આ સમયગાળા દરમિયાન આવકના અનેક સ્રોત હતા. આ પૈકી આવકનો સૌથી મોટો સ્રોત ડ્રગ્સનો કારોબાર હતો. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ડ્રગ અહેવાલ, 2020માં આપવામાં આવેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ઉત્પન્ન થતું અફીણ વિશ્વ બજારમાં આશરે 84 ટકા બજાર હિસ્સો ધરાવે છે. તાલિબાનના કબજામાં આ અફીણ ઉત્પાદક વિસ્તારો રહ્યા છે. અફઘાનિસ્તાનના ખેડૂતો પણ પોતાનાં ખેતરોમાં જે અફીણ ઉગાડે છે એ પૈકી મોટો હિસ્સો તાલિબાનને આપવો પડે છે, જે વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

અફઘાનિસ્તાનમાં અનેક પ્રકારનાં ખનિજોનો ભંડાર
અફઘાનિસ્તાનમાં ઝિંકનો વિપુલ ભંડાર છે. આ ઉપરાંત કોપર તથા ગોલ્ડનું પણ વ્યાપક પ્રમાણમાં ઉત્ખનન કરવામાં આવે છે. ખનિજોના ઉત્ખનનથી તાલિબાનને 464 મિલિયન ડોલરની જંગી કમાણી થઈ હતી, આ અંગે નાટોએ ઉલ્લેખ કર્યો હતો. ખનિજોનો ભંડાર ધરાવતો વિસ્તાર અન્ય કોઈના આધિપત્ય હેઠળ હોય તો તેમણે તાલિબાનને પણ અમુક ભાગ આપવો પડે છે.

ગેરકાયદે પ્રવૃત્તિઓ છે આવકનો મોટો સ્રોત
સંયુક્ત રાષ્ટ્રના જૂન, 2021ના અહેવાલમાં પ્રકાશિત માહિતી પ્રમાણે તાલિબાન મોટા ભાગે ગેરકાયદે પ્રવૃત્તિઓ મારફત આવક મેળવી રહ્યા છે. ખંડણી તથા અપહરણ જેવી પ્રવૃત્તિઓનો પણ એમાં સમાવેશ થાય છે. UNના ઈન્ટેલિજન્સ અહેવાલ પ્રમાણે તાલિબાન માદક પદાર્થોની હેરાફેરી (Drug Trafficking) મારફત 46 કરોડ ડોલરની જંગી કમાણી કરી રહ્યું છે. આ ઉપરાંત તાલિબાનને ડોનેશનથી પણ નાણાં મળી રહ્યાં છે. તાલિબાનને જે પૈસા આપે છે તેને UN "નોન ગવર્નમેન્ટલ ચેરિટિબલ ફાઉન્ડેશન નેટવર્ક" કહે છે.

રિયલ એસ્ટેટ અને એક્સપોર્ટમાં પણ છે તાલિબાન સક્રિય
નિકાસો મારફત જ્યાં તેને 240 મિલિયન ડોલરની કમાણી થાય છે ત્યારે રિયલ એસ્ટેટ મારફત તે વાર્ષિક આશરે 80 મિલિયન ડોલરની કમાણી કરે છે. તાલિબાન અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનમાં પણ સંપત્તિ ધરાવે છે. મુલ્લા યાકૂબ સહિત પાકિસ્તાનનું મીડિયા પણ આ વાત સ્વીકારી ચૂક્યું છે.

ફોર્બ્સની યાદીમાં પણ સ્થાન બનાવી ચૂક્યા છે તાલિબાનો
વર્ષ 2016માં તાલિબાન ફોર્બ્સના ટોચના 10 આતંકવાદીમાં સ્થાન ધરાવતા હતા. આ યાદીમાં ISISI બે અબજ ડોલર સાથે મોખરાના સ્થાન પર હતું, જ્યારે 400 મિલિયન ડોલરની કમાણી સાથે તાલિબાન આ યાદીમાં પાંચમા સ્થાન પર હતા.