રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને જો આ બંને દેશો વચ્ચે જો યુદ્ધ થાય તો સમગ્ર વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે એવી ભીતિ ફેલાઈ છે. અમેરિકન એજન્સીઓનાં ઈનપુટ્સ એવા છે કે 16 ફેબ્રુઆરીએ વહેલી સવારે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. આ તમામ અહેવાલો વચ્ચે યુક્રેનના સંરક્ષણ મંત્રાલય તેમજ અગ્રણી બેંકોની વેબસાઈટ્સ તેમજ કેટલીક હોસ્પિટલ્સ પર સાયબર એટેક થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત કેટલીક ઊર્જા કંપનીઓ તેમજ એન્ટરપ્રાઈઝીસ પર પણ હેકર્સે નિશાન સાધ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે તાજેતરના સીએનએનના રિપોર્ટ્સ અનુસાર, સાયબર એટેક પછી થોડા સમયમાં યુક્રેનની બે અગ્રણી બેંકોની વેબસાઈટ્સ પૂર્વવત્ત રીતે કામ કરતી થઈ છે.
અગાઉ યુક્રેનના સ્પેશિયલ કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન પ્રોટેક્શન વિભાગે માહિતી આપી હતી કે યુક્રેનના અનેક ઈન્ફોર્મેશન રિસોર્સિસ પર શક્તિશાળી DDoS એટેક થયો છે. જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી તણાવગ્રસ્ત સ્થિતિમાં વધારો થયો છે.
શું છે DDoS એટેક?
ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એટલે કે DDoS એટેક વાસ્તવમાં લક્ષિત સર્વરના નોર્મલ ટ્રાફિકમાં અવરોધ સર્જવાનો મેલિશિયસ પ્રયાસ કરે છે. આ પ્રકારનો સાયબર એટેક કોઈ સર્વર, સેવા કે નેટવર્કને લક્ષ્ય બનાવીને કરવામાં આવે છે. જેમાં ઈન્ટરનેટ ટ્રાફિકમાં જબરદસ્ત વધારો કરીને જે તે સર્વર, નેટવર્ક કે સર્વિસને ખોરવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
રશિયા 16મીએ હુમલો કરશે એવી અમેરિકી ચેતવણી બાદ સાયબર એટેકથી ચિંતા વધી
યુક્રેનથી પ્રાપ્ત અહેવાલો અનુસાર, ખાસ કરીને અહીંની અગ્રણી બેંકો પ્રાઈવેટ બેંક અને ઓશદ બેંકની વેબ સેવાઓની કામગીરીમાં સાયબર એટેકના કારણે અવરોધ સર્જાયો હતો. જો કે, થોડા સમય બાદ આ બેંકોની વેબસાઈટ્સ પૂર્વવત્ રીતે કામગીરી કરી રહી હોવાના અહેવાલો પણ મળ્યા છે. વાસ્તવમાં, અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી હતી કે 16મીએ વહેલી સવારે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. અમેરિકાની આ ચેતવણીને બ્રિટન દ્વારા પણ સમર્થન મળ્યું છે. એવામાં યુક્રેનના સંરક્ષણ વિભાગની વેબસાઈટ્સ તથા બે અગ્રણી બેંકોની વેબ સર્વિસિઝ પર સાયબર એટેક થતાં તણાવમાં વધારો થયો છે. જો કે આ સાયબર એટેક ક્યાંથી થયો એ વિશે હજુ કોઈ માહિતી મળી શકી નથી.
સાયબર એટેકનું લક્ષ્ય પૈસા નહોતું, કંઈક ગંભીર બનવાના એંધાણ
યુક્રેનની સરકારી વેબસાઈટ્સ, બેંક્સ અને કેટલીક હોસ્પિટલ્સ પર થયેલા સાયબર એટેક વિશે જણાવતા કિવ સ્થિત સાયબર સિક્યુરિટી ફર્મ ઈન્ફોર્મેશન સિસ્ટમ સિક્યુરિટી પાર્ટનર્સ (ISSP)ના વડા ઓલેહ ડેરેવિયાન્કોએ કહ્યું હતું કે યુક્રેન પર સાયબર એટેક પછી તેમને ફોન કોલ આવ્યો હતો. તેમણે તેમની ટાસ્ક ફોર્સને ત્યારબાદ કામે લગાડી હતી. તેમણે કહ્યું કે રસપ્રદ એ છે કે બેંકોની વેબ સર્વિસિઝ પર સાયબર એટેક થયો તેનો હેતુ પૈસાની ઉઠાંતરીનો નહોતો અને આ જ એક ગંભીર સંકેત છે કે કંઈક મોટી ઘટના બની શકે છે. હાલ કંઈ વધુ કહેવું મુશ્કેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.