કોરોનાના નવા શબ્દ:‘વેક્સ’ ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર , વેક્સિન શબ્દનો ઉપયોગ બમણો થયો, પરંતુ વેક્સનો 72 ગણો વધારે

વોશિંગ્ટન25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેબ, શોટ અને ફૌસી ઔસી સ્પર્ધામાં પાછળ પડ્યા

આખી દુનિયાને બે વર્ષ સુધી કોરોના મહામારીએ અસ્તવ્યસ્ત કરી દીધી. પરિણામ એ આવ્યું કે, તેની સાથે જોડાયેલા શબ્દો ચલણમાં આવીને આખી દુનિયામાં છવાઈ ગયા. ઓક્સફોર્ડમાં પણ આ વર્ષે ‘વર્ડ ઓફ ધ યર’ તરીકે મુકાબલો કોરોના મહામારીને લગતા શબ્દો વચ્ચે જ હતો. તેમાં કેટલાક વિચિત્ર શબ્દો પણ હતા.

છેવટે તેમાં જેબ, શોટ અને ફૌસી-ઔસી (અમેરિકાની કોવિડ એજન્સીના વડાનું નામ ફૌસી છે)ને પછાડીને વેક્સિનના નાના સ્વરૂપ ‘વેક્સ’ શબ્દને ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કરાયો. ઓક્સફોર્ડ લેન્ગ્વેજના સિનિયર એડિટર ફિયોના મેફર્સને કહ્યું કે, વેક્સિન માટે ઉપયોગમાં લેવાતા તમામ શબ્દોનો ઉપયોગ વધ્યો, પરંતુ વેક્સ જેવો નહીં.

આ નાનકડો અને ધ્યાન ખેંચનારો શબ્દ છે. તેમાં પંચ પણ છે. નવા શબ્દો બનાવવામાં તમામ પ્રકારનાં રૂપોનો ઉપયોગ કરાયો. ગયા વર્ષે વિવિધ દેશોમાં કોરોના રસીકરણ શરૂ થયા પછી ગયા વર્ષની તુલનામાં વેક્સ શબ્દનો ઉપયોગ સપ્ટેમ્બર 2021માં 72 ગણો વધારે હતો. બીજી તરફ, બોલચાલમાં ‘વેક્સિન’ શબ્દનો ઉપયોગ ફક્ત બમણો હતો.

સતત અપડેટ થતાં 14.5 અબજ શબ્દોની ઓક્સફોર્ડ ડિક્શનરી માટે ‘વર્ડ ઓફ ધ યર’ પસંદ કરવા ચોક્કસ માપદંડો નક્કી છે. અંગ્રેજીભાષી દેશોમાં સમાચાર સ્રોતોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શબ્દોનો પણ તેમાં આધાર લેવાય છે.

વેક્સિનની આડઅસરથી માર્ગ અકસ્માત થાય તો ‘વેક્સિડન્ટ’
ઓક્સફોર્ડના મતે, વેક્સ પરથી વેક્સિ, વેક્સિનિસ્ટા, વેક્સિનેશન જેવા શબ્દો અસ્તિત્વમાં આવ્યા, પરંતુ તેનું ચલણ ઓછું હોવાથી ડિક્શનરીમાં સામેલ ના થઈ શક્યા. એવી જ રીતે, વેક્સિનની આડઅસરો પછી માર્ગ અકસ્માત માટે ‘વેક્સિડેન્ટ’ શબ્દ બન્યો. જોકે, તેનો ઉપયોગ પણ મર્યાદિત છે.

આ દરમિયાન બીજી ભાષાઓમાં પણ વેક્સિન શબ્દનો વ્યાપક ઉપયોગ થયો. ફ્રેન્ચ, રશિયન અને હિન્દી, ગુજરાતી જેવી ભાષામાં પણ વેક્સિન શબ્દ ચલણી બની ગયો. સ્પેનિશમાં તે ‘વેક્યુના’ બની ગયો. ઉર્દુ, બંગાળી ભાષામાં વેક્સિન માટે ‘ટીકા’ શબ્દ છે, પરંતુ મહામારી વખતે વેક્સિન શબ્દનો જ વધુ ઉપયોગ થયો.

‘વેક્સ’ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ 1980માં થયો હતો
વેક્સિન અંગ્રેજીનો સામાન્ય અને જાણીતો શબ્દ છે. જોકે, 1980માં પહેલીવાર તેના માટે ‘વેક્સ’ શબ્દ પ્રયોજાયો. બ્રિટિશ વિજ્ઞાની એડવર્ડ જેનરે શીતળાવિરોધી રસીનો ઉપયોગ કર્યો, તો 1799માં પહેલીવાર અંગ્રેજી ભાષામાં ‘વેક્સિન’ શબ્દ આવ્યો. શરૂઆતમાં બીમારી માટે લેટિન શબ્દ ‘વેક્સિન’નો ઉપયોગ થતો હતો. જોકે, ત્યાર પછીના દસકાઓ પછી વેક્સિન શબ્દનો ઉપયોગ અન્ય બીમારીવિરોધી રસી માટે પણ થવા લાગ્યો.

અન્ય સમાચારો પણ છે...