પાકિસ્તાનમાં મંદિર નિર્માણમાં અવરોધ:એમનેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું- ઈમરાન સરકાર ધાર્મિક કટ્ટરતા છોડે, મંદિર નિર્માણને મંજૂરી આપે

ઈસ્લામાબાદ2 વર્ષ પહેલા
તસવીર 23 જૂનની છે. આ દિવસે ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. ગત સપ્તાહે તેને રોકી દેવાયું હતું.
  • પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં મંદિર નિર્માણનું કામ શરૂ થયાના બે દિવસમાં રોકવામાં આવ્યું
  • નિર્માણ માટે ફંડ અને મંજૂરી ઈમરાન સરકારે આપી હતી, કટ્ટરપંથીઓએ તેમાં અવરોધ ઊભો કર્યો, ફતવા બહાર પાડ્યા

મંદિર નિર્માણનું વચન આપવું અને ફરી નિર્માણને રોકવું પાકિસ્તાન સરકાર માટે મુશ્કેલી સર્જી રહ્યું છે. ઈમરાન ખાન સરકારે નિર્માણની મંજૂરી આપી હતી. ફંડ પણ આપ્યું. પરંતુ કટ્ટરપંથીઓના દબાણના કારણે મંદિર નિર્માણના કામને રોકવું પડ્યું. હવે એમનેસ્ટી ઈન્ટરનેશનલે ઈમરાન સરકારે ધાર્મિક કટ્ટરતા છોડીને મંદિરનું નિર્માણ શરૂ કરવાનું કહ્યું છે.

ગત સપ્તાહે મંદિર નિર્માણનું કામ શરુ થયું હતું. બાઉન્ડ્રી વોલ બનાવાઈ રહી હતી. ઈસ્લામાબાદ લોકલ એડમિનિસ્ટ્રેશને તેને રોકી દીધું હતું. અમુક લોકોએ બાઉન્ડ્રી વોલ તોડી નાંખી. હવે સરકાર કહે છે કે તમામ પક્ષો સાથે વાતચીત કરાશે. 

એમનેસ્ટી ઈન્ટરનેશનલે શું કહ્યું?
મંગળવારે એમનેસ્ટ ઈન્ટરનેશનલે ઈસ્લામાબાદમાં મંદિર નિર્માણને રોકી દેવાતા નારાજગી વ્યક્ત કરી છે. સંગઠને ટ્વીટ કરીને કહ્યું છે કે તમામને ધાર્મિક સ્વતંત્રતા છે. પાકિસ્તાનના સંવિધાનમાં તેની પરવાનગી અપાઈ છે. તે આંતરરાષ્ટ્રીય જવાબદારી પણ છે. મંદિરનું નિર્માણ રોકવું એ ખોટું પગલું અને કટ્ટરતા છે. પાકિસ્તાને તાત્કાલિક પોતાનો નિર્ણય બદલવો જોઈએ.

અત્યાર સુધી શું થયું?
વિશ્વમાં પોતાની લિબરલ ઈમેજ બનાવવા માટે ઈમરાન ખાને ગત મહિને ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિર નિર્માણ કરવાની મંજૂરી આપી હતી. તે માટે 10 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું હતું. બાઉન્ડ્રી વોલ અને ફાઉન્ડેશનનું કામ શરૂ થયું તો સ્થાનિક તંત્રએ તેને અટકાવી દીધું હતું.  કહ્યું હતું કે મંદિરનો નકશો અને પ્લાન હોવો જરૂરી છે. બીજા દિવસે રાતે અમુક લોકોએ બાઉન્ડ્રી વોલ તોડી નાંખી હતી. હવે ધાર્મિક બાબતોના મંત્રાલયે કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે વાત કરશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં નિર્માણ રોકવાની અરજીની સુનાવણી ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...