યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 9મો દિવસ છે. યુક્રેનની સ્થિતિ દયનીય બની ગઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વિશ્વભરમાં મજબૂત ચહેરા તરીકે ઊભરીને સામે આવ્યા છે. તેમણે ફરી રશિયા અને પુતિનને લઈને ચોટદાર વાત કહી છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે અમારી ધરતીને છોડી દો. જો તમે છોડવા ન માગતા હોવ તો મારી સાથે બેસીને વાત કરો. હું હાજર જ છું. મેક્રોન અથવા સ્કોલ્ઝની જેમ 30 મીટર દૂર બેસવાની જરૂર નથી. હું તમારો પાડોશી છું. તો મારી સાથે 30 મીટરનું અંતર રાખવાની જરૂર નથી. હું સામાન્ય માણસ જ છું. હું કંઈ બટકું નહીં ભરી લઉં. મારી સાથે બેસીને વાત કરો. તમને ડર શેનાથી લાગે છે. અમે કોઈને ધમકી આપતા નથી. અમે આતંકવાદીઓ નથી. અમે કોઈ બેંકને સીઝ કરી નથી કે કોઈ વિદેશી ધરતી પર કબજો કર્યો નથી.
યુદ્ધ કરતાં વાતચીત સારી છે
તમને જણાવી દઈએ કે પુતિન-મેક્રોન મીટિંગની તસવીરમાં પુતિન ખૂબ જ લાંબા ટેબલના એક છેડે અને મેક્રોન બીજા છેડે બેઠેલા જોવા મળે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, 'હું કરડતો નથી. તમને શેનો ડર લાગે છે?' ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોના બીજા રાઉન્ડની વાતચીતમાં પણ સંભાવનાઓ આશાસ્પદ દેખાતી નથી, પરંતુ તેમ છતાં વાતચીત કરવી એ સમજદારીભર્યું પગલું છે. યુદ્ધ કરતાં વાતચીત સારી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વિશ્વ તેમના દેશને ખૂબ જ ધીમી ગતિએ મદદ કરી રહ્યું છે અને પશ્ચિમી નેતાઓને યુક્રેન પર નો-ફ્લાય ઝોન લાગુ કરવા વિનંતી કરી છે, જેથી રશિયન ફાઈટર પ્લેન ત્યાં ઊડી ન શકે. તેમણે કહ્યું હતું કે જો તેઓ આમ કરવા ઈચ્છુક ન હોય તો ઓછામાં ઓછા યુક્રેનને ફાઈટર પ્લેન ઉપલબ્ધ કરાવે.
ઝેલેન્સ્કીએ રશિયાને 'વાઇરસ' ગણાવ્યું
અગાઉ એક અજ્ઞાત સ્થળેથી બે વીડિયો સંદેશામાં ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેન પાસે તેની સ્વતંત્રતા સિવાય કશું ગુમાવવાનું નથી. બે વર્ષ પહેલાં યુક્રેનમાં કોવિડનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે એક અઠવાડિયા પહેલાં વધુ એક વાઇરસે હુમલો કર્યો છે. તેમનો ઈશારો રશિયન આક્રમણ તરફ હતો. તેમણે કહ્યું હતું કે તેમના દેશની સંરક્ષણરેખા રશિયન હુમલાનો સામનો કરી રહ્યો છે.
રશિયાની બદલાતી વ્યૂહરચના અને શહેરોમાં નાગરિક વસતિ પર તોપમારોથી એ સાબિત થાય છે કે જમીન પરના હુમલા દ્વારા ત્વરિત વિજય મેળવવાનો દાવો કરનાર મોસ્કોની પ્રારંભિક યોજનાનો પ્રતિકાર કરવામાં યુક્રેન સફળ રહ્યું છે. યુક્રેન એવો દેશ છે, જેણે એક અઠવાડિયામાં જ દુશ્મનોની યોજનાને તોડી નાખી છે. દરેક અતિક્રમણ કરનારે જાણવું જોઈએ કે તેણે યુક્રેનિયનો તરફથી ઉગ્ર પ્રતિકારનો સામનો કરવો પડશે. તેમણે તેના નાગરિકોને રશિયન સૈન્યનો સામનો કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે. તેમણે કહ્યું હતું કે 16 હજાર વિદેશીઓ પણ સ્વેચ્છાએ યુક્રેન માટે લડાઈ લડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.