કઝાકિસ્તાનમાં ઓઈલના કારણે સરકાર પડી:ફ્યૂલની કિંમતોમાં વધારો પછી હિંસક થયા વિરોધ પ્રદર્શન; ઈમરજન્સી લાગુ, PMએ આપ્યું રાજીનામું

નૂરસુલ્તાન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કઝાકિસ્તાનના લોકો કોરોના મહામારીને કારણે પહેલાં જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે - Divya Bhaskar
કઝાકિસ્તાનના લોકો કોરોના મહામારીને કારણે પહેલાં જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે

કઝાકિસ્તાનમાં ઓઈલની કિંમતમાં વધારાને કારણે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે જેને પગલે સરકારને રાજીનામું આપવાની ફરજ પડી છે. કઝાકિસ્તાનના વડાપ્રધાન અસ્કર મમિને બુધવારે રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવને રાજીનામું મોકલ્યું હતું જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ અલીખાન સમાઇલોવને કાર્યકારી વડાપ્રધાન બનાવ્યા છે.

આ સાથે જ દેશમાં 5 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી ઈમરજન્સી લગાવી દીધી છે. પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જની સાથે ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે.

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવે વડાપ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે.
કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવે વડાપ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે.

મીડિયા રિપોટ્સ મુજબ રાષ્ટ્રપતિએ કહ્યું- કઝાકિસ્તાન રિપબ્લિકના અનુચ્છેદ 70 અંતર્ગત સરકારનું રાજીનામું સ્વીકારું છું. નવી સરકાર ન બને ત્યાં સુધી હાલ સરકારના સભ્ય પોતાના કર્તવ્યોનું પાલન કરતા રહેશે. આ ઉપરાંત ગરીબ પરિવારોને સબસિડી આપવા પર પણ વિચાર કરવાનો આદેશ આપ્યો છે.

લોકોને ઘરમાં રહેવાની અપીલ
કઝાકિસ્તાનમાં ઈમરજન્સી દરમિયાન હથિયાર, ગોળા-બારુદ અને શરાબના વેચાણ પર રોક લગાવી દેવાઈ છે. આ સાથે જ સામાન્ય લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. ગાડીઓની અવરજવર પર પણ રોક લગાવી દેવાઈ છે. રાષ્ટ્રપતિએ દેશના ફાયનાન્સિયલ કેપિટલ અલ્માટી અને મંગિરુટાઉમાં પણ રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે. સરકારને દેશમાં ઓઈલની કિંમતોને રેગ્યુલાઈઝ કરવાના પણ આદેશ આપ્યા છે.

મંગિરુટાઉમાંથી શરૂ થયું હતું આંદોલન

કઝાકિસ્તાનમાં ઓઈલની કિંમતમાં વધારા પછી હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયા.
કઝાકિસ્તાનમાં ઓઈલની કિંમતમાં વધારા પછી હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયા.

મંગળવારે સરકારે LPGની કિંમતોમાં લાગેલી મર્યાદાઓ હટાવીને તેને કંપનીને સોંપી દીધી હતી. જે બાદ ઓઈલની કિંમતોમાં ઝડપથી વધારો થયો. જેના કારણે દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા. આંદોલનની શરૂઆત મંગિરુતાઉ પ્રાંતમાંથી થઈ, જે બાદ આખા દેશમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા.

હિંસક વિરોધ પ્રદર્શનોને લઈને રાષ્ટ્રપતિ તોકાયેવે કહ્યું કે સરકારી ઓફિસોમાં હુમલો કરવો તે સંપૂર્ણપણે ખોટી વાત છે. અમે એકબીજા વચ્ચે વિશ્વાસ અને વાતચીત ઈચ્છીએ છીએ, વિવાદ નહીં.

સોવિયત યૂનિયનનો ભાગ હતું કઝાકિસ્તાન
સોવિયત યૂનિયનનો ભાગ રહેલું કઝાકિસ્તાને 1991માં પોતાને એક અલગ દેશ જાહેર કર્યો હતો. કઝાકિસ્તાનના લોકો કોરોના મહામારીને કારણે પહેલાં જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. જ્યારે મંગળવારે ફ્યૂલ પ્રાઈઝમાં વધારો થયો તો લોકોનો ગુસ્સો વધી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...