અમેરિકાના ટેનેસી રાજ્યનાં મેમ્ફિસ શહેરમાં પાંચ પોલીસકર્મીઓ પર એક 29 વર્ષનાં અશ્વેત યુવકની હત્યા કરવાના આરોપ લાગ્યા છે. યુવકનું નામ ટાયર નિકોલસ છે. રિપોર્ટ્સ મુજબ પોલીસે તે યુવકને માત્ર રેશ ડ્રાઈવિંગ (બેદરકારીભર્યું ડ્રાઈવિંગ) કરવા બાબતે સેકન્ડ ડિગ્રી ટોર્ચર કર્યો હતો. પોલીસે યુવકને લાતો મારી, ટેઝર ગનથી કરંટ આપ્યો અને નિર્દયતાથી માર માર્યો હતો.
ઘટનાના ત્રણ દિવસ બાદ ટાયર નિકોલસ હોસ્પિટલમાં મોતને ભેટ્યો હતો. તેના મોત બાદથી મેમ્ફિસ શહેરમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં મેમ્ફિસ પોલીસ વિભાગ એક વીડિયો જાહેર કરશે. તેમાં બતાવવામાં આવશે કે નિકોલસને કેવી રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો.
બાઈડને લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી
આજે સાંજે એક વીડિયો ફૂટેજ જાહેર કરાશે. તેના પહેલા સમગ્ર મેમ્ફિસ શહેરમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આક્રોશમાં લોકો હિંસા ન કરે તે માટે પોલીસની ગાડીઓ અનેક સ્થળોએ પેટ્રોલિંગ કરી રહી છે.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદન જાહેર કરીને લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું- મેં નિકોલસનાં પરિવાર સાથે વાતચીત કરીને તેમને શાંતિપુર્ણ રીતે પ્રદર્શન કરવા જણાવ્યું છે. બાઈડેને વધુમાં જણાવ્યું હતુ કે હું સમજું છું કે ઘટના સહન કરી શકાય તેવી નથી, પરંતુ આ મામલે કોઈપણ પ્રકારની હિંસાને પણ સ્વીકારવામાં આવશે નહીં.
સમગ્ર ઘટના કેવી રીતે બની?
પરિવારજનોના જણાવ્યા મુજબ ટાયર નિકોલસ પોતાના ઘરેથી લોકલ પાર્ક ખાતે સનસેટના ફોટા પાડવા માટે ગયો હતો. જ્યારે તે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પાંચ અશ્વેત પોલીસકર્મીઓએ તેની કારને અટકાવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ તેને રેશ ડ્રાઈવિંગ કરવાના આરોપમાં તેના ઘરથી થોડે જ દુર પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંચેય પોલીસકર્મીઓએ તેની આંખો પર પેપર સ્પ્રે કર્યો હતો, બાદમાં તેની સાથે મારપીટ કરીને પોતાની સાથે લઈ ગયા હતા. આ પોલીસકર્મીઓ પર નિકોલસને સેકન્ડ ડિગ્રી ટોર્ચર કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.
આ તરફ પોલીસ વિભાગે એક નિવેદન જોહાર કરીને જણાવ્યું છે કે જ્યારે પોલીસે નિકોલસની કારને રોકવાના પ્રયાસ કર્યા હતા, ત્યારે તે ભાગી રહ્યો હતો. આ દરમિયાન પાંચેય પોલીસકર્મીઓની નિકોલસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હોવાનું તેણે જણાવ્યું હતુ. બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
પાંચેય પોલીસકર્મીઓ કોણ હતા?
ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ટાયર નિકોલસને મારનારા 5 પોલીસકર્મીઓના નામ આ મુજબ છે.
1) ટડારિયન બીન 2) ડેમેટ્રિયસ હેલી 3) ઈમિટ માર્ટિન 4) ડેસમોંડ મિલ્સ 5) જસ્ટિન સ્મિથ
પાંચેય આરોપીઓ 6 વર્ષ પહેલા 2017માં મેમ્ફિસ પોલીસ વિભાગમાં જોડાયા હતા. મેમ્ફિસનાં ડિસ્ટ્રિક્ટ એટર્ની સ્ટીવનના જણાવ્યા મુજબ આ પાંચેય લોકોના કારણે ટાયર નિકોલસની હત્યા થઈ છે. આજે એટલે કે શુક્રવાર સાંજ સુધીમાં જે વીડિયો જાહેર કરવામાં આવશે, તેમાં તમામ લોકોને બતાવવામાં આવશે કે નિકોલસની સાથે શું કરવામાં આવ્યું હતુ. આ તરફ પરિવારજનોનું કહ્યું હતુ કે નિકોલસના બદલે કોઈ શ્વેત યુવક રેશ ડ્રાઈવિંગ કરી રહ્યો હોત તો પાંચેય પોલીસકર્મીઓ આ રીતે તેને ટોર્ચર કર્યો ન હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.