દુનિયા નવા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે શું આ વર્ષના અંત સુધીમાં મોટાભાગની વસતીનું કોરોના વેક્સિનેશન થઈ જશે? હાલ દુનિયા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની લપેટમાં છે. ઓછી આવકવાળા દેશો હાલ વેક્સિનેશનના લક્ષ્યથી ઘણા પાછળ છે. સૌથી ઓછી આવકવાળા તમામ 25 દેશ હજુ પણ 40% વેક્સિનેશનના લક્ષ્યથી ઘણા દૂર છે.
ફક્ત 20 દેશોમાં જ 40%થી વધુ વેક્સિનેશન થયું છે. ઉચ્ચ-મધ્યમ આવકવાળા 50માંથી ફક્ત 26 દેશો જ 40% વેક્સિનેશનનું લક્ષ્ય પૂરું કરી શક્યા છે. જ્યારે ઉચ્ચ આવકવાળા 61માંથી 60 દેશોમાં વેક્સિનેશન 40%થી વધુ છે. તેમાં 30 દેશોમાં 70%થી વધુ વસતીને વેક્સિન આપી દેવાઈ છે. યુએઇમાં સર્વાધિક 91% વસતીને વેક્સિન આપી દેવાઇ છે.
લક્ષ્ય : 2022માં 100% વેક્સિનેશન સંભવ નથી
ડ્યૂક યુનિવર્સિટી ગ્લોબલ હેલ્થ સેન્ટરના કૃષ્ણ ઉદયકુમાર કહે છે કે 2022માં 70% વસતીનું લક્ષ્ય છે. યુએન અને ડબ્લ્યૂએચઓ અનુસાર તે એ જ સ્થિતિમાં સંભવ હતું જ્યારે 2021 સુધી 40% વસતીનું વેક્સિનેશનનું લક્ષ્ય પૂરું થયું હોત. 90 દેશ આ લક્ષ્યને ચૂકી ગયા છે. આ ખૂબ જ ચિંતાજનક છે. તેનાથી આપણે બિનજરૂરી રીતે જીવ ગુમાવી રહ્યા છીએ અને આર્થિક નુકસાન સહન કરી રહ્યા છીએ.
ચૂક : કોવેક્સે ફંડ એકઠું કયું હોત તો સ્થિતિ જુદી હોત
જો કોવેક્સે શરૂઆતથી ફંડ એકઠું કર્યું હોય તો ગરીબ દેશોમાં વેક્સિનનો સારો સપ્લાય થયો હોત. 2020 સુધી 2.4 બિલિયન ફંડ એકઠું કરવામાં ઘણો સમય લાગ્યો. તેમાં રોકડ 400 મિલિયન ડૉલર હતી. ફંડથી કોવેક્સ વેક્સિન બનાવવાની ક્ષમતાવાળા પ્લાન્ટની ઓળખ કરી વેક્સિન સપ્લાયરોના બ્રિજનો ઝડપથી વિસ્તાર કરી શકતો હતો. તેનાથી ગરીબ દેશોમાં વેક્સિન નિર્માણ ઝડપી થયું હોત.
સમસ્યા : વેક્સિન પર અમુક દેશોના કબજાથી વાત બગડી
જો ગરીબ દેશો સુધી વેક્સિન પહોંચાડવા કોવેક્સ ન હોત તો સ્થિતિ વધુ બદતર હોત. 140થી વધુ દેશોને 80 કરોડ ડૉઝ મળ્યા છે. પણ વેક્સિન પર ધનિક દેશોના કબજાએ આ પ્રોગ્રામને નિષ્ફળ બનાવ્યું. શરૂઆતમાં વેક્સિન ફક્ત ધનિક દેશો માટે જ હતી. હાલ વેક્સિન ધીમી ઝડપે બીજા દેશોમાં પહોંચી રહી છે. મર્યાદિત સંસાધન અને અમુક કંપનીઓ પર નિર્ભરતાએ કોવેક્સિનો માર્ગ મુશ્કેલ કર્યો છે.
સમાધાન : ગરીબ દેશોમાં વેક્સિન બનાવવાનો ઉપાય શોધો
વેક્સિન સહયોગી સંસ્થા ગવીના પ્રમુખ સેત બર્કેલે કહે છે કે હાલ વેક્સિન નિર્માણ ઉચ્ચ આવકવાળા દેશોની સાથે ભારત અને ચીનમાં થઇ રહ્યું છે. આ એ ક્ષેત્ર છે જેમણે વેક્સિનનો ઝડપી સપ્લાય થયો છે. દાન કરાયેલા ડૉઝ એક અલ્પકાલિક સમાધાન છે. હવે ગરીબ દેશોમાં વેક્સિન નિર્માણની જરૂર છે. સાથે જ ધનિક દેશ પહેલાથી ખરીદેલા વધારાના ડૉઝનું દાન કરવામાં ઝડપ દાખવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.