કોરોના કેસમાં ઘટાડો:રસી અને જાગૃતિ: અમેરિકામાં 35% અને દુનિયામાં 30% કેસ ઓછા થયા

વોશિંગ્ટન22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજ્ઞાનીઓએ કહ્યું- બે મહિનામાં કોઈ પણ દેશમાં સંક્રમણ વધ્યું નથી

કોરોના ગયો નથી, પરંતુ તેના કેસમાં ઘટાડો જરૂર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસ અને હોસ્પિટલમાં દર્દીઓની ભરતી થવાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં પહેલી સપ્ટેમ્બરે આવતા કોરોનાના કેસમાં 35% ઘટાડો થયો છે, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટની તુલનામાં દુનિયાભરમાં કોરોનાના કેસ 30% ઘટ્યા છે.

સ્ક્રિપ રિસર્ચના ડૉ. એરિક ટોપલનું કહેવું છે કે અમેરિકામાં કોરોના કેસનો ઘટાડો બે મહિનાની પેટર્નના રૂપમાં પણ જોઈ શકાય. ડેલ્ટા વેરિયેન્ટના કારણે અમેરિકામાં કોરોનાના કેસ ગયા વર્ષ કરતાં ઘણાં વધ્યા હતા. મહામારી નિષ્ણાતોએ કેસમાં ઘટાડા વિશે કોઈ ચોક્કસ તર્ક આપ્યો નથી, પરંતુ મિનેસોટા યુનિ.ના પ્રો. માઈકલ ઓસ્ટરહોમનું કહેવું છે કે, દુનિયાભરમાં રસીકરણ અને લોકોમાં કોરોના પ્રત્યે આવેલી જાગૃતિના કારણે પણ કોરોનાના કેસ ઘટ્યા છે.

મોટી લહેરનો સમય પસાર થઈ ગયો?
વિજ્ઞાનીઓ હવે એ શોધી રહ્યા છે કે શું કોરોનાની મોટી લહેરનો સમય પસાર થઈ ગયો છે? કોરોનાની મોટી લહેર છેલ્લા બે મહિનામાં દુનિયાના કોઈ પણ દેશમાં નજરે નથી પડી. બ્રિટનમાં છેલ્લા બે મહિનામાં કોરોના કેસમાં ઉતાર-ચઢાવનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. અમેરિકામાં શિયાળાની શરૂઆત અને લોકો ઘરમાં પૂરાયેલા રહેવાના કારણે પણ કેસ ઘટ્યા છે.

હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ 25% ઘટ્યો
અમેરિકામાં 1 સપ્ટે., 2021 પછી કોરોના દર્દીઓનો હોસ્પિટલમાં ભરતી થવાનો દર પણ 25% ઘટ્યો છે. સપ્ટેમ્બરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે. અહીં મૃત્યુઆંક 10% ઘટ્યો છે. ડેલ્ટા વેરિયેન્ટની અસર પણ ઘટવાથી ભારત, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ફ્રાન્સ અને સ્પેનમાં પણ કોરોનાના કેસ અને મૃત્યુમાં ઘટાડો નોંધાયો છે.

ન્યૂઝીલેન્ડે ઝીરો કોવિડ મોડલ બંધ કર્યું
ન્યૂઝીલેન્ડે ઝીરો કોવિડ મોડલ બંધ કરી દીધું છે. ન્યૂઝીલેન્ડનું માનવું છે કે, એક પણ કેસ નહીં હોવાના લક્ષ્યને અમે હાલ હાંસલ કરી શકીએ એમ નથી. આ સ્થિતિમાં લોકોને સાવધાની સાથે જ વર્તવું પડશે. ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધી કોઈ પણ સ્થળે કોરોનાના કેસ મળે, તો ઓછામાં ઓછું એક સપ્તાહનું કડક લૉકડાઉન લગાવાતું હતું.
અન્ય સમાચારો પણ છે...