પાકિસ્તાનમાં આજકાલ એક સવાલે અહીંના મંત્રીઓની ઊંઘ હરામ કરી રાખી છે. સવાલ એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાનને ક્યારે ફોન કરશે? આ સવાલ અંગે પાક.ની બેચેની દેશના વિદેશમંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના જવાબથી સમજી શકાય છે.
આ સવાલના જવાબમાં વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ જિયો ટીવીના કાર્યક્રમમાં કહ્યું- અમેરિકાએ પાક.ને એ મહત્ત્વ આપવું જોઇએ કે જેનું તે હકદાર છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકી પ્રમુખ પાક.ની નેતાગીરીને આમ જ નજરઅંદાજ કરતા રહ્યા તો અમારી પાસે ઘણા વિકલ્પો છે. અમને તેમની તરફથી દર વખતે કહેવાયું કે વાત થશે, આ ટેક્નિકલ કારણ હોય કે જે કંઇ પણ હોય પરંતુ લોકો આના પર વિશ્વાસ નથી કરતા.
આ બે નિવેદનને પાક.ની નબળી નેતાગીરી સાથે જોડીને જોવાઇ રહ્યું છે. ત્યાં સુધી કે લોકો સોશિયલ મીડિયા પર પણ મજા લઇ રહ્યા છે. કાયદે આઝમ યુનિ.ની ઇન્ટરનેશનલ રિલેશન્સની સ્ટુડન્ટ નરગિસ શાહીન કહે છે કે અમેરિકાએ અમને ટિશ્યૂ પેપરની જેમ ઉપયોગ કરીને ફેંકી દીધા પણ અમારી સરકાર અમેરિકા સાથે વાત કરવા મરી રહી છે. અમે રાષ્ટ્રીય સલાહકારનું નિવેદન સાંભળીએ છીએ ત્યારે અમારું માથું શરમથી ઝૂકી જાય છે.
પાક.ના મહત્ત્વના રાજકીય પક્ષ પીપીપીના સાંસદ આગા રફીઉલ્લાહ ભાસ્કરને કહે છે કે શું અમારા વડાપ્રધાન બાઇડેનના કૉલના ગુલામ છે? શું કોઇ દેશના વડાપ્રધાનનું આ સ્ટેટસ હોય છે? આ સરકાર ઘર અને બહાર બંને મોરચે નિષ્ફળ રહી છે. જમાત-એ-ઇસ્લામી પાર્ટીના નેતા મિયાં મોહમ્મદ અસલમ કહે છે કે, ‘અમારા શાસકો અમેરિકાના પીઠ્ઠુ છે. આ સરકાર જનતાને ગુલામીના કળણમાં ધકેલવા માગે છે.’
ઇમરાન કાશ્મીર મુદ્દે વાત કરશે, તેથી બાઇડેન ફોન નથી કરતા
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો પક્ષ મુસ્લિમ લીગ-એન પણ આ મુદ્દે કડક છે. તે કહે છે કે દેશની વિદેશનીતિ આ રીતે ચાલી રહી છે. વિદેશમંત્રી કુરેશી પાક.-અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાની વાત કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જાહેરમાં આ પ્રકારની બિનજવાબદાર વાતો કરે છે. આ બધા વચ્ચે પાક. સરકાર ટીવી ડીબેટમાં જે ખુલાસા કરી રહી છે તેના પર પણ લોકો હસી રહ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાનના વિશેષ સહાયક ઉસ્માન ડાર એક ટીવી ડીબેટમાં કહે છે કે બાઇડેન એટલે ફોન નથી કરતા કે તેમને ખબર છે કે ઇમરાન તેમની સાથે કાશ્મીર મુદ્દે વાત કરશે, જેનો તેમની પાસે કોઇ જવાબ નહીં હોય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.