રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી:અમેરિકી રેપર કાન્યે વેસ્ટે ટ્વિટ કર્યું- આ વખતે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડીશ, ટેસ્લાના સીઇઓ મસ્કે કહ્યું- મારું તમને સમર્થન છે

મોસ્કો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મશહૂર હિપહોપ રેપર, ફેશન ડિઝાઇનર અને હૉલિવૂડ અભિનેત્રી કિમ કર્દાશિયાનના પતિ કાન્યે વેસ્ટે કહ્યું કે તે આ વર્ષે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડશે. તેણે શનિવારે ટ્વિટ કર્યું કે, ‘આપણે હવે ભગવાન પર ભરોસો કરીને અમેરિકાના વચનો પાળવા જોઇએ. આપણા વિઝનને એક સાથે લાવીને ભવિષ્ય માટે કામ કરવું જોઇએ. હું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડવા જઇ રહ્યો છું.’ તેનું આ ટ્વિટ 1 કલાકમાં જ 1 લાખ વખત રી-ટ્વિટ થયું. 

ત્યાર બાદ ટેસ્લા કંપનીના સીઇઓ ઇલોન મસ્કે ટ્વિટ કર્યું કે, ‘તમને મારું પૂરું સમર્થન છે.’ મસ્ક અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપ્રમુખપદના પૂર્વ ઉમેદવાર એન્ડ્રયૂ યાંગનું પણ સમર્થન કરી ચૂક્યા છે. કાન્યે અગાઉ એક વખત પણ ચૂંટણી લડવાનો સંકેત આપી ચૂક્યો છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ટ્વિટ કર્યું હતું, “2024’. કાન્યે અને કિમ કેદીઓની મુક્તિના મામલા સહિત ઘણી વખત સરકારના અભિયાનોનો હિસ્સો રહી ચૂક્યા છે.

કાન્યેએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું અને ઓક્ટોબર, 2018માં ઓવલ ઓફિસમાં પણ નજરે પડ્યા હતા. નોંધનીય છે કે વેસ્ટે ગયા મહિને જ્યોર્જ ફ્લોઇડની પુત્રી ગિઆના માટે કોલેજ ફંડ સ્થાપિત કર્યું હતું અને ફ્લોઇડના પરિવાર માટે ફંડ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...