અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યા અપશબ્દો:મોંઘવારીના સવાલ પર કઈ રીતે ભડક્યા બાઇડન, પત્રકારને કહ્યું- સ્ટુપિડ સન ઓફ બીચ

વોશિંગ્ટન4 મહિનો પહેલા
  • ગત સપ્તાહે બાઇડને ફોક્સ ન્યૂઝની મહિલા રિપોર્ટરના સવાલને મૂર્ખતાભર્યો કહ્યો હતો

અમેરિકામાં વધી રહેલી મોંઘવારી પર પૂછવામાં આવેલા સવાલ પર રાષ્ટ્રપતિ જો બાઇડન એટલા નારાજ થયા કે તેમણે પ્રેસ-કોન્ફરન્સમાં સવાલ પૂછનાર પત્રકારને ગાળો આપી હતી. બાઈડનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એમ પણ પૂછી રહ્યા છે કે જ્યારે બાઈડને ગાળો આપી તો શું તેમને એ વાતનો ખ્યાલ હતો કે તેમનું માઈક ચાલુ છે.

ફોક્સ ન્યૂઝના રિપોર્ટર પીટર ડુસીએ બાઈડનને પૂછ્યું હતું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી મિડ ટર્મ ઈલેક્શનમાં તમારી પાર્ટીને કેટલું નુકસાન થશે. એની પર બાઈડને જવાબ આપતાં કહ્યું હતું કે એનાથી નુકસાન નહિ, પરંતુ ફાયદો થશે અને એ પછી પત્રકારને 'સ્ટુપિડ સન ઓફ બીચ' કહ્યો.

બાઈડન પહેલાં પણ ઘણી વખત પત્રકારોને આ રીતે ખખડાવી ચૂક્યા છે. ગત સપ્તાહે ફોક્સ ન્યૂઝની એક મહિલા રિપોર્ટરે યુક્રેનના મામલામાં તેમને સવાલ પૂછ્યો હતો કે તમે રશિયાના રાષ્ટ્રપતિ પગલાં લે એની શા માટે રાહ જોઈ રહ્યા છો? બાઈડને આ અંગે ગુસ્સામાં કહ્યું હતું કે કેવો મૂર્ખતાભર્યો સવાલ છે.

બાઇડન ઘણી મુશ્કેલીઓથી ઘેરાયા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સત્તામાં આવ્યા ને એક વર્ષ પૂર્ણ થયું છે. તેમના ઘણા નિર્ણયો પર સવાલો છે. જોકે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવી લેવાના તેમના નિર્ણય પર હજુ પણ સવાલો થઈ રહ્યા છે. ગુરુવારે આવા જ એક સવલાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ સરકાર સફળ ન થઈ શકે.

બાઈડન ટ્રમ્પ કરતાં ઓછા લોકપ્રિય
ગત મહિને બ્રિટનની માર્કેટ રિસર્ચ કંપની YouGovએ 2021ના મોસ્ટ એડમાયર્ડ મેનનું લિસ્ટ બહાર પાડ્યું હતું. આ લિસ્ટમાં બાઈડનને ટ્રમ્પથી પણ નીચે સ્થાન આપવામાં આવ્યું છે. લિસ્ટમાં ટ્રમ્પ 13મા નંબરે છે, જ્યારે બાઈડન 20મા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...