ચીનની કંપનીઓ સામે આકરા પગલા:રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારથી ટિકટોક- વીચેટ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો, ચીનની કંપનીઓ USમાં સેંકડો યુઝર્સનું માર્કેટ ગુમાવી શકે છે

ન્યૂયોર્કએક વર્ષ પહેલા
  • સેંકડો અમેરિકી નાગરિકોના પર્સનલ ડેટાને લઈ ચીનની કંપની તરફથી જોખમ હોવાનો દાવો કરાયો
  • ટ્રમ્પ પ્રશાસને કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારથી ટિકટોક(TikTok) તથા વીચેટ (WeChat) પર કડક પગલાં ભરવાનો આદેશ કર્યો છે. રવિવારથી આ પગલા ભરવામાં આવશે તો તેવા સંજોગોમાં અમેરિકામાં બન્ને એપ્સ ડાઉનલોડ કરી શકાશે નહીં, તેમ ન્યૂઝ એજન્સી પાસેથી મળેલી માહિતીમાં જણાવાયું છે. ઓરેકલ ટિકટોક માટે અમેરિકાની ટેકનોલોજી પાર્ટનર થવાની એક સમજૂતી થયા બાદ આ પ્રકારના નિયંત્રણોની સંભાવના પ્રબળ બની છે.

અગાઉ પ્રેસિડેન્ટ ટ્રમ્પે માઈક્રોસોફ્ટ કોર્પ અથવા અન્ય કંપની દ્વારા હસ્તગત કરવામાં ન આવે ત્યાં સુધી ટિકટોકને અમેરિકામાં કામગીરી બંધ કરવા 15 સપ્ટેમ્બરની સમયસીમા આપવામાં આવી હતી. આ સંજોગોમાં ટ્રમ્પે આજે આ દિશામાં મહત્વના આદેશ આપ્યા છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલબર રોઝના જણાવ્યા પ્રમાણે ચીન અમેરિકાના નાગરિકોનો પર્સનલ ડેટા બદઈરાદા સાથે એકત્રિત કરી રહ્યું છે, આ સ્થિતિને અટકાવવા માટે આ આદેશને અમલી બનાવવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયોઃ US ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ
સુરક્ષા બાબતોના કેટલાક નિષ્ણાતોએ ચિંતા દર્શાવી હતી કે ટિકટોકની માલિકી ચાઈનિઝ કંપની બાઈટડાન્સ લિમિટેડનું અમેરિકામાં આશરે 100 મિલિયન ટિકટોક યુઝર્સને લગતી માહિતીમાં એક્સેસ સુરક્ષા જોખમનું સર્જન કરે છે. ખૂબ જ લોકપ્રિય વીડિયો એપ ટિકટોક તથા મેસેજીંગ એપ વીચેટ પર અમેરિકામાં રવિવારથી પ્રતિબંધ મુકવામાં આવશે, તેમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે જણાવ્યું હતું. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલું ભરવું ખૂબ જરૂરી હતું.

ઓરેકલના પ્રતિનિધિઓ સાથે ટ્રમ્પની વાતચીત
આ કાર્યવાહી અગાઉ એવી માહિતી પણ મળી હતી જેમા ટ્રેમ્પે કહ્યું હતું કે તેમણે ટિકટોક અંગે નિર્ણય કરવા વોલમાર્ટ તથા ઓરેકલના પ્રતિનિધિ સાથે વાતચીત કરી છે. ગયા મહિને ટ્રમ્પે ટિકટોક તથા વીચેટ પર પ્રતિબંધ મુકવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત બન્ને ચીની કંપનીઓ પોતાની માલિકી કોઈ અમેરિકી કંપનીને આપી પ્રતિબંધથી બચી શકે છે. વર્તમાન સમયમાં ટિકટોકની માલિકી બેઇજીંગ સ્થિત બાઈટડાંસ પાસે છે. શરૂઆતમાં ટિકટોક સાથે વાતચીતમાં માઈક્રોસોફ્ટ સામેલ હતું. જોકે બાદમાં ઓરેકલ અને વોલમાર્ટની વાતચીતમાં એન્ટ્રી થઈ હતી.

ભારતે અગાઉ સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે 118 ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો

ભારતે પણ આ મહિનાની શરૂઆતમાં લોકપ્રિય પબજી મોબાઈલ સહિતની 118 ચાઈના બેઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ભારતના માહિતી અને ટેકનોલોજી (IT) મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ફોર્મેશન ટેકનોલોજી રુલ્સ, 2009ની વિવિધ જોગવાઈ પ્રમાણે ઈન્ફોર્મેશન ટેકનોલોજીની કલમ 69A અંતર્ગત આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એટલે કે ભારત તેના સાર્વભૌમત્વ અને અખંડિતતા સામેના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...