સંબંધો મજબૂત કરવાની કવાયત:અમેરિકા ભારતને 3,877 કરોડની સૈન્ય સહાયતા આપશે, સિક્યોરિટી પાર્ટનર બનાવવાની રેસ

વોશિંગ્ટનએક મહિનો પહેલા

અમેરિકા ભારત સાથેના પોતાના સંબંધોને વધારવાની કોશિશમાં લાગી ગયું છે. એના માટે તે એક સૈન્ય સહાયતા પેકેજ તૈયાર કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ભારતીય ડિફેન્સ સેક્ટરની રશિયા પરની નિર્ભરતા ઓછી કરવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડને ભારતને 500 મિલિયન ડોલર(3,877 કરોડ)ની સૈન્ય સહાયતા આપવાનું છે.

એક અધિકારીએ કહ્યું હતું કે એ વાત હજી સ્પષ્ટ નથી કે આ ડીલની જાહેરાત ક્યારે કરવામાં આવશે અથવા તો પછી એમાં કયાં હથિયારોને સામેલ કરવામાં આવશે. આ રાષ્ટ્રપતિ જો બાઈડનનો ભારતને સિક્યોરિટી પાર્ટનર બનાવવાના પ્રયત્નનો એક ભાગ છે.

અમેરિકા ભારતનો વિશ્વાસ જીતવા માગે છે
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા એવું ઈચ્છે કે ભારત તેને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જુએ. અમેરિકાનું પ્રશાસન ફાન્સ સહિતના દેશોની સાથે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પાસે પૂરતાં હથિયારો હોય. તેમણે એમ કહ્યું હતું કે ભારત પહેલેથી જ રશિયાને હટાવીને પોતાના મિલિટરી પ્લેટફોર્મમાં વિવિધતા લાવી રહ્યું છે. જોકે અમેરિકા એમાં ઝડપ લાવવામાં મદદ કરવા માગે છે.

પડકારો શું છે?
તેમણે વધુમાં કહ્યું- મોટો પડકાર એ છે કે ભારતને ફાઇટર જેટ્સ, સબમરીન અને યુદ્ધ ટેન્ક કઈ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે, કારણ કે જે સૈન્ય પેકેજની વાત થઈ રહી છે એમાં આ પ્રકારનાં ઉપકરણો સામેલ નથી. જેટ્સ, સબમરીન અને ટેન્ક આપવા માટે અબજો ડોલરની આવશ્યકત હશે. હાલ આ પેકેજ સૈન્ય મદદ આપવા માટેનું પ્રથમ પગલું છે. ભારતે તેને લઈને કોઈ જ ટિપ્પણી કરી નથી.

ભારત રશિયાનાં હથિયારોને સૌથી વધુ ખરીદનારો દેશ
હાલ ભારતીય મિલિટરીનાં 49 ટકા હથિયારો રશિયાથી આવે છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, છેલ્લાં 10 વર્ષમાં ભારતે લગભગ 4 અબજ ડોલર હથિયારો અમેરિકા પાસેથી ખરીદ્યાં અને 25 અબજ ડોલરનાો હથિયારને રશિયા પાસેથી ખરીદ્યાં છે. આ જ કારણે UNSCમાં ભારત રશિયા-યુક્રેન જંગ પર ન્યુટ્રલ રહ્યું છે.

અમેરિકા પહેલાં ભારતના વલણથી નારાજ હતું
અમેરિકાએ રશિયા-યુક્રેન જંગ પછી રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. જોકે ભારતે આ અંગે કોઈ ખાસ કાર્યવાહી કરી નથી. ભારતે રશિયા પર પ્રતિબંધ લગાવવાની જગ્યાએ તેની પાસેથી ક્રૂડની આયાત ચાલુ રાખી. એને જોતાં અમેરિકા ભારતથી નારાજ હતું. અમેરિકાએ ભારત સાથેના તેના સંબંધોને પણ સીમિત કરી દેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...