અમેરિકાની સ્કૂલમાં ગોળીબાર:મિશિગનની હાઇસ્કૂલમાં 15 વર્ષના વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યું, 3નાં મોત, 8 ઘાયલ; USની સ્કૂલોમાં ચાલુ વર્ષમાં 138મી વખત ગોળીબારની ઘટના બની

9 મહિનો પહેલા
ઘટનાસ્થળેથી ઘાયલોને હોસ્પિટલે લઈ જતી એમ્બ્યુલન્સ.
  • ઘાયલ લોકોમાં એક શિક્ષક પણ છે

અમેરિકાના મિશિગનમાં ઓક્સફોર્ડમાં એક હાઈસ્કૂલમાં મંગળવારે બપોરે ફાઈરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીનાં મોત થયાં છે અને 8 ઘાયલ થયા છે. આ ઘટના પછી 15 વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરાઈ છે. ફાયરિંગ કરનાર વિદ્યાર્થી આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. મરનારમાં એક 16 વર્ષનો વિદ્યાર્થી, જ્યારે એક 14 અને બીજી 17 વર્ષની વિદ્યાર્થિની છે. આઠ ઘાયલમાં એક શિક્ષક પણ છે.

હુમલાખોરની પાસેથી એક પિસ્તોલ જપ્ત કરાઈ છે. અધિકારીઓએ સ્કૂલમાં અનેક ખાલી કારતૂસ પણ જપ્ત કરી છે અને એવું માનવામાં આવે છે કે 15-20 રાઉન્ડ ગોળીબાર થયા છે. શંકાસ્પદે બોડી આર્મર પહેર્યું નહોતું. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં હુમલાખોર એકલો જ હતો. ગોળીબાર કેમ થયો એની તપાસ હજુ ચાલુ છે.

ઓક્સફોર્ડ હાઈસ્કૂલનું દૃશ્ય.
ઓક્સફોર્ડ હાઈસ્કૂલનું દૃશ્ય.
એક બાળકને ભેટતી તેની માતા.
એક બાળકને ભેટતી તેની માતા.

સ્કૂલના તમામ બચાવી લેવાયેલા વિદ્યાર્થીઓને તેમના સંબંધીઓ સાથે પાસેના એક સ્ટોરમાં શિફ્ટ કરી દેવાયા છે. રોચેસ્ટર હિલ્સ ફાયર ડિપાર્ટમેન્ટના જનસંપર્ક અધિકારી જોન લાઈમેનના જણાવ્યા અનુસાર, લગભગ 25 એજન્સી અને લગભગ 60 એમ્બ્યુલન્સે તરત બચાવકાર્ય શરૂ કરી દીધું અને પીડિતોના પરિવારોને જાણ કરી હતી. પોલીસ અધિકારી મેકકેબેએ કહ્યું હતું કે હાલ એ ખ્યાલ નથી કે માર્યા ગયેલા ત્રણેય વિદ્યાર્થીને નિશાન બનાવાયા હતા કે નહીં.

ઓક્સફોર્ડ કમ્યુનિટી સ્કૂલના અધિકારીઓએ એક નિવેદનમાં ગોળીબાર થયાની વાતને સમર્થન આપ્યું અને કહ્યું, “ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ વિભાગે ઘટનાસ્થળને સુરક્ષિત કર્યું છે. ઓક્સફોર્ડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વ્યવસ્થિત રીતે મિઝર ગાર્ડન સેન્ટરમાં લઈ જવાયા છે અને તેમને ત્યાંથી તેમના ઘરે પહોંચાડવામાં આવશે. જેઓ પોતાનાં વાહનોમાં આવે છે તેમને જવાની અનુમતિ આપી દેવાઈ છે. અન્ય તમામ જિલ્લા સ્કૂલો સુરક્ષાની દૃષ્ટિએ બંધ કરી દેવાઈ છે, હવે કોઈ જોખમ નથી.

માતા-પિતા પોતાનાં બાળકોની સાથે મિઝર પાર્કિંગ સ્થળથી જઈ રહ્યાં છે.
માતા-પિતા પોતાનાં બાળકોની સાથે મિઝર પાર્કિંગ સ્થળથી જઈ રહ્યાં છે.

2021માં સૌથી ઘાતક સ્કૂલ શૂટિંગ
એવરીટાઉન ફોર ગન સેફ્ટીના અનુસાર, આ વર્ષની આ અત્યારસુધીની સૌથી ઘાતક સ્કૂલમાં ગોળીબારની ઘટના હતી. આંકડાઓ અનુસાર, મંગળવારની ઘટના અગાઉ 2021માં અમેરિકાની સ્કૂલોમાં 138 વખત ગોળીબારની ઘટનાઓ બની. એ ઘટનાઓમાં 26 મોત થયાં.

અમેરિકન ઈતિહાસમાં સૌથી ઘાતક સ્કૂલમાં ગોળીબારની ઘટના એપ્રિલ 2007માં વર્જિનિયાના બ્લેક્સબર્ગમાં વર્જિનિયા ટેકમાં બની હતી, જેમાં શૂટર સહિત 33 લોકો માર્યા ગયા હતા. એ પછી ડિસેમ્બર 2012માં કનેક્ટિકટના ન્યૂટાઉનમાં સેન્ડી હુક પ્રાથમિક સ્કૂલ પર હુમલો થયો હતો, જેમાં 28 લોકો માર્યા ગયા હતા, જેમાં 20 બાળકો અને શૂટર સામેલ છે. ફેબ્રુઆરી 2018માં AR-15 અસૉલ્ટ રાઈફલની સાથે એક પૂર્વ વિદ્યાર્થીએ ફ્લોરિડાના પાર્કલેન્ડમાં પોતાની પૂર્વ હાઈસ્કૂલમાં આગ લગાવી હતી, જેમાં 17 લોકોનાં મોત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...