અમેરિકામાં ભાડાના મકાનમાં રહેવું હવે દિન-પ્રતિદિન વધુ મોંઘુ થઇ રહ્યું છે. મકાનમાલિકો ભાડવાતો માટે ભાડામાં સતત વધારો કરી રહ્યા છે, જેને કારણે ભાડવાતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મકાનમાલિકો ભાડવાતોને વધુ ભાડુંં ચૂકવવાની નહીંતર ઘર ખાલી કરી નાખવાની ધમકી આપી રહ્યા છે. આવી સમસ્યાઓનો સામનો કરી રહેલા ભાડવાતોએ પોતાનું જ એક ગ્રૂપ બનાવીને હાઉસિંગ ડેવલપમેન્ટ ફંડ કો-ઓપરેટિવ બનાવીને ભાડવાતોને સસ્તા મકાન ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે.
અમેરિકામાં જે ભાડવાતો મકાનમાલિકની ધમકીનો સામનો કરી રહ્યા છે તેઓને આ ગ્રૂપ મદદ કરી રહ્યું છે. વાસ્તવમાં, ન્યૂયોર્કમાં બ્રોનોકેસ એપાર્ટમેન્ટમાં રહેતા અનેક ભાડવાતો ગત 5 વર્ષથી ભાડે રહેતા હતા, પરંતુ મકાનમાલિકે આ એપાર્ટમેન્ટ અન્ય બિલ્ડરને વેચી દીધું હતું. તેને કારણે, આ ભાડવાતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે નવા મકાનમાલિકો વધુ ભાડું ચૂકવવાનું દબાણ કરતા હતા અથવા ઘર ખાલી કરવાની ધમકી આપતા હતા.
આ સમસ્યાના હલ માટે કેટલાક ભાડવાતોએ સંયુક્તપણે એક યોજના બનાવી. ગ્રૂપે એક ખાનગી એનજીઓને મદદ માટે અપીલ કરી. આ અપીલ પર એનજીઓએ નવા મકાનમાલિકને આ બિલ્ડિંગ માટે અંદાજે 20 કરોડ રૂપિયા ચૂકવીને બિલ્ડિંગ ખરીદી લીધી અને ભાડવાતોના ગ્રૂપને સોંપી દીધું. હવે દરેક ભાડુઆતે માત્ર 2 લાખ રૂપિયા આપીને પોતાના માટે ફ્લેટ ખરીદી લીધો. આ રીતે ભાડવાતોને નજરઅંદાજ કરનારા મકાનમાલિકોને ભાડવાતોએ જ જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ રીતે અમેરિકામાં એક નવો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધી અંદાજે 7100 કો-ઓપરેટિવ બનાવીને આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. આ રીતે 2017થી સાથે રહેતા ભાડવાતો હવે હંમેશા માટે પાડોશી બની ગયા છે અને એકબીજાના સુખ, દુ:ખમાં પણ સાથે છે.
વધુ ભાડાની ચુકવણીનો વિરોધ કર્યો, હવે મકાનમાલિક બન્યા
આ ભાડુઆતના ગ્રૂપનું નેતૃત્વ તેમના જ પાડોશી કરી રહ્યા હતા. 700 ઇસ્ટ 134 સ્ટ્રીટના ભાડુઆત અલગ પ્રોફેશનથી જોડાયેલા હતા. તેમાંથી કેટલાક બેઘર તો કેટલાક બેરોજગાર પણ હતા. જેઓની જોબ હતી તેમાં એક શેફ, એક ફોટોગ્રાફર, એક નર્સ, એક શિક્ષક સામેલ છે. તેઓએ સંયુક્તપણે મકાનમાલિકોનો વિરોધ કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.