તાલિબાનનું શાસન LIVE:કાબુલ એરપોર્ટના 3 મુખ્ય દરવાજા પરથી અમેરિકાના સૈનિકો હટી ગયા, તાલિબાનોએ મોરચો સંભાળી લીધો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કાબુલ એરપોર્ટ પર તમામ જોખમો વચ્ચે અમેરિકાના સૈનિકો લોકોને બહાર કાઢવાના મિશનમાં રોકાયેલા છે.

અમેરિકાના સૈનિકોએ કાબુલ એરપોર્ટના ત્રણ ગેટ અને અન્ય કેટલાક ભાગો પર પોતાનું નિયંત્રણ છોડી દીધું છે. આ સાથે આ વિસ્તારને તાલિબાનના લડાકૂઓએ પોતાના અંકૂશ હેઠળ લઈ લીધા છે. ટોલો ન્યૂઝે આ માહિતીની પુષ્ટી કરી છે. બીજી બાજુ અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે તેમના ડ્રોન હુમલામાં આતંકવાદી સંગઠન ISIS-Kના બે આતંકવાદી માર્યા ગયા છે. જ્યારે એક આતંકવાદી ઈજાગ્રસ્ત થયો છે.

4 હજારથી પણ ઓછા US સૈનિકો અફઘાનિસ્તાનમાં
અફઘાનિસ્તાનમાં હવે 4 હજારથી ઓછા અમેરિકી સૈનિકો છે. અન્ય સૈનિકો તેમના દેશ પરત ફર્યાં છે. બે દિવસ અગાઉ અહીં 5800 સૈનિકો હતા. આતંકવાદી હુમલા બાદ અનેક સૈનિકો અમેરિકા પરત ફર્યાં છે. દરમિયાન અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં 1 લાખ 11 હજાર 900 લોકોનું એરલિફ્ટ કર્યાંનો દાવો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં 6800 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

આ અગાઉ કાબુલ એરપોર્ટના એન્ટ્રી ગેટ પાસે એકવાર ફરી ફાયરિંગના સમાચાર સામે હતા. ફાયરિંગ પછી ત્યાં ભયની સ્થિતિ ઊભી થઈ હતી અને લોકોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટીયરગેસ પણ છોડવામાં આવ્યા હતા. આ અગાઉ ગુરુવારના રોજ થયેલા આત્મઘાતી હુમલામાં 170 લોકોના મોત થયા હતા, જેમા 13 US સૈનિકનો સમાવેશ થતો હતો.

અમેરિકાએ હુમલાઓનું એલર્ટ આપ્યું હતું
અમેરિકાએ એલર્ટ આપ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકવાદી હૂલમો થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે. અમેરિકાએ પોતાના નાગરિકોને જણાવ્યુ હતું કે તેઓ તાત્કાલિક એરપોર્ટ પરથી દૂર જતાં રહે, કારણ કે ISIS ફરીથી હુમલો કરી શકે છે. અમેરિકી દૂતાવાસે જારી કરેલી ચેતવણીમાં કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ અને નોર્થ ગેટનો વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાબુલ એરપોર્ટ પર ફરી હુમલાનું જોખમ
કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે ચેતવણી આપી છે કે અમેરિકાના સૈનિકો કાબુલ છોડતાં પહેલાં આતંકવાદીઓ ફરી હુમલો કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી જેન સાકીએ કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર તમામ સંભવિત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ જોખમો વચ્ચે અમારા સૈનિકો લોકોને બહાર કાઢવાના મિશનમાં લાગેલા છે, પરંતુ આ મિશનના આગામી થોડા દિવસો વધુ જોખમી રહેશે.

અમેરિકાએ ISISના અડ્ડાઓ પર હુમલો કર્યો
અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ હુમલો પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ISISના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે. યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં જોખમ છે.

જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા બાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે તેનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓને પકડી પકડીને મારવામાં આવશે. ISISના ખુરાસાન જૂથે કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી યુએસ પ્રમુખ જો બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો વિશે જાણે છે અને તેમને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ યોગ્ય જવાબ આપવામાં આવશે. આના 24 કલાકની અંદર અમેરિકાએ ISISના અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે.

કાબુલ એરપોર્ટ પર તહેનાત અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનના લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે, પરંતુ અમેરિકાએ 31 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ પરનો કબજો છોડવાનો છે.
કાબુલ એરપોર્ટ પર તહેનાત અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનના લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે, પરંતુ અમેરિકાએ 31 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ પરનો કબજો છોડવાનો છે.

કાબુલ એરપોર્ટ પર હુમલામાં 13 અમેરિકન સૈનિક સહિત 170 લોકો માર્યા ગયા હતા
કાબુલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં 170 લોકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં 13 અમેરિકન સૈનિક પણ શહીદ થયા હતા તેમજ બ્રિટનના 2 નાગરિકનાં પણ મોત થયાં હતાં, જ્યારે 1276થી વધુ લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરતાં વધુ લોકોમાં તાલિબાનનો ભય છે. ગુરુવારે સાંજે 6 વાગે થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ નજીક આવેલા નાળામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. ઘાયલ લોકો સારવાર માટે નાળાના પાણીમાં તડપી રહ્યા હતા, પરંતુ શુક્રવારે એ જ નાળાની તસવીર કંઈક અલગ જ હતી. અહીં ફરીથી લોકોનાં ટોળાં ઊમટી પડ્યા છે. લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે કોઇપણ રીતે હાલમાં તો દેશ છોડવા માગે છે.

વડાપ્રધાન મોદીએ ઈટાલીના PM સાથે અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી. કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા બંને નેતાઓએ આતંકી હુમલાની નિંદા કરી હતી અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોની સલામત વાપસી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...