• Gujarati News
  • International
  • US Chief Health Adviser Dr. Fauci Recommended A Lockdown In India, Expressing Concern About The Slow Pace Of Vaccinations

USએ પણ કહ્યું, ભારતમાં લોકડાઉન જરૂરી:મોદી સરકાર માટે લોકડાઉન ‘અંતિમ વિકલ્પ’ પણ અમેરિકાએ કહ્યું કે હવે એ સમય આવી ચૂક્યો છે

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
ડો. એન્થની એસ. ફૌચી (ફાઈલ ફોટો)
  • USના મુખ્ય આરોગ્ય સલાહકાર ડો. ફૌચીની ભારતમાં લોકડાઉનની ભલામણ, રસીકરણની મંદ ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી
  • ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉન જરૂરી ન હોવાનું કહી ચૂક્યા છે પણ દેશભરમાં મોટાભાગના લોકો લોકડાઉનની તરફેણમાં

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની છે અને દેશભરમાં અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ચાર લાખથી વધુ નવા કેસો આવ્યા છે. ભારતમાં કોરોના કેસોનો આ આંકડો એટલો ચિંતાજનક છે કે ખુદ અમેરિકા પણ હચમચી ગયું છે. અમેરિકાના મુખ્ય આરોગ્ય સલાહકાર ડો. ફૌચીએ ભારતને સલાહ પણ આપી છે કે ભારતમાં જે રીતે કોરોના નિરંકુશ બન્યો છે એ જોતા દેશમાં થોડા સપ્તાહોનું લોકડાઉન લગાવવું જરૂરી છે. તેમના મતે ભારતમાં રસીકરણની મંદી ગતિ પણ ચિંતા પ્રેરે છે.

પીએમ મોદી લોકડાઉન અંતિમ વિકલ્પ હોવાનું કહી ચૂક્યા છે
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશની જનતાને કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાની અપીલ કરી પણ લોકડાઉન અંતિમ વિકલ્પ હોવાની વાત પણ સાથે કરી હતી. જો કે, કોરોના મહામારીની બીજી લહેર એવી ઘાતક સાબિત થઈ છે કે લોકો ખુદ લોકડાઉન લાગે તો સારૂં એવો મત વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકડાઉન લગાવી પણ દેવાયું છે. ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થયું છે પરંતુ હવે સ્વદેશી રસ કોવેક્સિન અને કોવિશીલ્ડના ડોઝ ખૂટી પડ્યા છે. આખરે સરકારે વિદેશી રસીને ઈમર્જન્સી ઉપયોગ માટે ભારતમાં લાવવા મંજૂરી આપવી પડી છે.

લોકોને લાગે છે કે ઓક્સિજન નથી, હોસ્પિટલોમાં બેડ નથી ત્યારે લોકડાઉનનો ‘અંતિમ વિકલ્પ’ ઉપયોગમાં લેવો જોઈએ. ખુદ વિવિધ રાજ્યોની હાઈકોર્ટ્સ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ સરકારને આકરા સવાલો કરીને એમ પણ પૂછી લીધું છે કે કેન્દ્ર સરકાર લોકડાઉન વિશે કંઈ વિચારણા કરી રહી છે કે કેમ? એવામાં અમેરિકાના બાઈડેશન શાસનના મુખ્ય આરોગ્ય સલાહકાર ડો. ફૌચીનું ભારતમાં લોકડાઉન અંગેનું સૂચન ઘણું સૂચક છે.

ડો. ફૌચીએ શું કહ્યું?
એક અંગ્રેજી અખબારને શુક્રવારે આપેલા ઈન્ટરવ્યૂમાં ડો. એન્થની એસ. ફૌચીએ કહ્યું હતું કે ભારતમાં જે પ્રકારે કોરોના સંક્રમણનો ફેલાવો નિરંકુશ રીતે જારી છે, લોકો હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ માટે પરેશાન થઈ રહ્યા છે, દવાઓની કાળાબજારી થઈ રહી છે ત્યારે દેશ થોડા દિવસ માટે બંધ કરવો યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ભારતના લોકો એકદમ નિરાશ અને લાચાર નજરે પડે છે અને લોકોને અત્યારે સમજાતું નથી કે શું કરવું. ભારત કોરોનાના લીધે જે રીતે કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે એ જોતા ભારતમાં થોડા સપ્તાહો માટે લોકડાઉન લગાવવાની તાતી જરૂર છે.

ડો. ફૌચીએ રસીકરણ અભિયાનમાં ગતિ લાવવાની આવશ્યકતા જણાવી

ડો. ફૌચીએ કહ્યું હતું કે વેક્સિનેશન ડ્રાઈવને ઝડપી બનાવાઈ હોત તો ઘણા ખરા અંશે કોરોના વાયરસ પર અંકુશ મેળવી શકાયો હોત.
ડો. ફૌચીએ કહ્યું હતું કે વેક્સિનેશન ડ્રાઈવને ઝડપી બનાવાઈ હોત તો ઘણા ખરા અંશે કોરોના વાયરસ પર અંકુશ મેળવી શકાયો હોત.

ડો. ફૌચીએ ભારતમાં રસીકરણ અભિયાનમાં ગતિ લાવવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે થોડા સપ્તાહો અગાઉ વેક્સિનેશન ડ્રાઈવને ઝડપી બનાવાઈ હોત તો ઘણા ખરા અંશે કોરોના વાયરસ પર અંકુશ મેળવી શકાયો હોત. કેમકે, આ સમયે ભારતમાં અફરાતફરીનો માહોલ મચી ગયો છે, લોકો માર્ગો પર ઓક્સિજન સિલિન્ડર માટે ભટકી રહ્યા છે અને હોસ્પિટલોમાં દાખલ થવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે.

ડો. ફૌચી સાત અમેરિકન રાષ્ટ્રપતિઓ સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં મેડિકલ ઓક્સિજન માટે લોકો પરેશાન છે. તેના માટે એક કમિશનની રચના કરવાની જરૂર છે. જેનાથી ઓક્સિજન અને દવાઓની સપ્લાઈમાં સરળતા લાવી શકાશે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોનો આંકડો 4 લાખથી ઉપર
કોરોના વાયરસે ભારતમાં ખતરનાક તબાહી મચાવી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં જ 4 લાખ 02 હજાર 110 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 211836 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ વકર્યો કોરોના વાયરસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેરથી જે કહેર વરસ્યો તેના કારણે રાજ્યમાં લોકડાઉન લાદવાની ફરજ પડી છે. એવી જ હાલત દિલ્હીની પણ થઈ છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોના વકર્યો છે અને છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોના કેસનો વિક્રમી આંકડો સામે આવી રહ્યો છે. શુક્રવારે ગુજરાતમાં 14605 કેસ નોંધાયા હતા જ્યારે 173 લોકોનાં મોત થયા હતા.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં લોકડાઉનની માગ
ગુજરાત મેડિકલ એસોસિયેશન (Medical Association) દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, 14 દિવસનું લોકડાઉન જરૂરી છે અને ગુજરાત સરકાર આ બાબતે વિચારે. મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. એવી જ રીતે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો. દ્વારા સ્વૈચ્છાએ જ લોકડાઉનની ઘોષણા કરી હતી. ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉન માટે વિચારવા ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે લોકો ઓક્સિજન અને દવાઓ માટે જે રીતે લાચાર બન્યા છે અને જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે એ જોતા સરકારે લોકડાઉન વિશે વિચારવું જોઈએ.

એઈમ્સના ડો. રણદીપ ગુલેરિયા શું કહે છે?

લોકડાઉન અંગે એઈમ્સના વરિષ્ઠ ડોક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે એ જોતા પ્રાદેશિક લોકડાઉનની શક્યતા નકારી શકાય નહીં. તેમણએ કહ્યું હતું કે દિલ્હી સહિત જ્યાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે ત્યાં પ્રાદેશિક સ્તરે લોકડાઉન લાદવામાં આવે એ આવશ્યક બની શકે છે. તેમણે જો કે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.