ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાકિસ્તાનના ગ્વાદરમાં હોબાળો, લોકો ચીનના પ્રોજેક્ટ વિરુદ્ધ ‘કરો યા મરો’ની સ્થિતિમાં

ઈસ્લામાબાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બલૂચ સંગઠનોએ સીપેકને આજથી બંધ કરવા અલ્ટીમેટમ આપી દીધું
  • ત્રણ અઠવાડિયાથી ચાલતા દેખાવોમાં પહેલીવાર બાળકો-મહિલાઓ જોડાયા
  • ​​​​​​​ગ્વાદરમાં પંજાબ અને અન્ય ક્ષેત્રથી વધારાનો પોલીસ ફોર્સ મગાવાયો ​​​​​​​

પાકિસ્તાનના ડ્રીમ પ્રોજેક્ટ સીપેક(ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર) વિરુદ્ધ ગ્વાદરમાં હોબાળો મચી ગયો છે. સ્થાનિક બલૂચ લોકોના હિતો પર ચીનની દાદાગીરીના વિરોધમાં 3 અઠવાડિયાથી લોકો માર્ગો પર ઊતરી આવ્યા છે. તેમાં પહેલીવાર મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જમાત-એ-ઈસ્લામીના સુપ્રીમો રહેમાન બલૂચે અલ્ટીમેટમ આપ્યું છે કે રવિવારથી બલૂચિસ્તાનમાં સીપેક પ્રોજેક્ટ બંધ કરી ગ્વાદર એક્સપ્રેસ હાઈવે પર ચક્કાજામ કરી દેવાશે.

જમાત-એ-ઈસ્લામીએ કરો યા મરોનું સૂત્ર આપ્યું છે. એક વર્ષમાં બીજી વખત છે કે આ આંદોલનથી શાહબાઝ સરકાર ઘેરાયેલી છે. ગ્વાદરમાં આંદોલનને કારણે વધારાનું પોલીસ ફોર્સ તહેનાત કરાયું છે. પંજાબ અને અન્ય રાજ્યોથી ફોર્સ મગાવાયું છે. બીજી બાજુ ગ્વાદરના સેનેટર કૌદા બાબર કહે છે કે સીપેક પ્રોજેક્ટથી ગ્વાદરની સ્થિતિ સુધરશે.

ચીને ગ્વાદર પર કબજો કરી લીધો, લોકો ઘરોમાં કેદ
જમાતના સુપ્રીમો રહેમાન બલૂચે કહ્યું કે ચીને સમગ્ર ગ્વાદર પર કબજો જમાવી લીધો છે. ઠેર ઠેર ચેકનાકા બનાવાયા છે. બલૂચ લોકોને બહાર જવા આ ચેક પોઈન્ટ પર ઓળખ બતાવવી પડે છે. અમે અમારા જ ઘરોમાં કોઈ કેદી સમાન થઈ ગયા છીએ. તેને સાંખી નહીં લેવાય.

ગ્વાદરનું ભવિષ્ય જોખમમાં, એટલે બાળકો જોડાયા
માછીમારોના સંગઠનના નેતા કેડી કાજૂ કહે છે કે ગ્વાદરની 90% પ્રજાની આજીવિકા માછલી પકડવા પર આધારિત છે. ચીનના ટ્રોલરોએ સમુદ્ર પર કબજો કરી લીધો છે. આંદોલનમાં બાળકો પણ એટલા માટે જોડાયા છે કેમ કે તેમનું ભાવિ જોખમમાં છે. બાળકો માટે રોજગારી નહીં બચે તો શું ખાશે.

વડાપ્રધાન શાહબાઝના જિનપિંગને મનાવવા પ્રયાસ
બલૂચિસ્તાનમાં લોકોના આંદોલનની અવગણના કરી પાક. પીએમ શાહબાઝ શરીફ ચીનને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં ચીન પહોંચેલા શરીફે બલૂચિસ્તાનમાં સીપેક પ્રોજેક્ટમાં કામ કરનારા ચીનના નાગરિકોને બુલેટપ્રૂફ ગાડીઓની સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. સાથે જ જિનપિંગની માગ પર શાહબાઝે તેમને સીપેક પ્રોજેક્ટમાં અફઘાનને પણ સામેલ કરવાનો વાયદો કર્યો છે. ખરેખર પાક.ની મજબૂરી એ છે કે તે ચીનને સીપેકનામુદ્દે નારાજ કરી શકે તેમ નથી. ચીનથી સરળ શરતોએ મળતી લોન અને સૈન્ય માટે હથિયારોની ચીન પર નિર્ભરતાને કારણે પાક. જિનપિંગને નારાજ ન કરી શકે. શાહબાઝે બંને દેશો વચ્ચે વેપારમાં લેવડ-દેવડ ચીની ચલણ યુઆનમાં કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...