વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફરતાં જ ઓસ્ટ્રેલિયાએ પોત પ્રકાશ્યું છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝ સાથે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું અને બંને દેશોએ એકબીજાના ભરપૂર વખાણ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝે તો મોદીને 'બોસ' કહીને સંબોધન કર્યું હતું. આ ઘટનાના બીજા જ દિવસે ઓસ્ટ્રેલિયાએ પોત પ્રકાશ્યું છે અને ભારતના 5 રાજ્યના સ્ટુડન્ટ પર ત્યાંની યુનિવર્સિટીઓએ પ્રતિબંધ મૂકી દીધો છે. વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ તો ગુજરાતના સ્ટુડન્ટ પર પણ બેન મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતનાં વખાણ ભલે કર્યા, પણ પીઠ પાછળ અસલીરૂપ બતાવી દીધું છે.
ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઓએ ભારતનાં 4 રાજ્ય અને UT જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ન્યૂઝપેપર સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, ઓસ્ટ્રેલિયાની બે મોટી યુનિવર્સિટીએ ગયા અઠવાડિયે તેમના એજ્યુકેશન એજન્ટોને પત્ર લખ્યો હતો, જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા સૂચના આપવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયાનો ગૃહ વિભાગ કાશ્મીર સહિત આ 4 રાજ્યના વિદ્યાર્થીઓની વિઝા અરજીઓને સતત નકારી રહ્યો છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયાની 4 યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થી વિઝાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કહ્યું- લોકો સ્ટુડન્ટ વિઝા લઈને ભણવાને બદલે નોકરી માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે.
ચાર સ્ટુડન્ટ વિઝામાં એક ફ્રોડ, એડમિશન પોલિસી કડક રહેશે
વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે 2022માં ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. યુનિવર્સિટીએ એજન્ટોને જણાવ્યું હતું કે આવું કરનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ પંજાબ, ગુજરાત અને હરિયાણાના હતા. આ રાજ્યોના વિદ્યાર્થીઓ પરનો પ્રતિબંધ જૂન સુધી ચાલુ રહેશે.
આવું વધુ ન થાય એ માટે પ્રવેશ નીતિ વધુ કડક બનાવવામાં આવી રહી છે. હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાંથી આવતી દર 4 સ્ટુડન્ટ વિઝા અરજીમાંથી 1 છેતરપિંડી છે. આ કારણે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટેની અરજીઓનો રિજેક્શન દર પણ વધીને 24.3% થયો છે, જે છેલ્લાં 13 વર્ષમાં સૌથી વધુ છે.
ઓસ્ટ્રેલિયન એજન્ટોને વિદેશી વિદ્યાર્થીઓ માટે તગડું કમિશન મળે છે
સિડની હેરાલ્ડના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ વિદેશમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે સંપૂર્ણપણે એજન્ટો પર નિર્ભર છે. વિદ્યાર્થી અને યુનિવર્સિટી બંને એડમિશન માટે એજન્ટોનો સંપર્ક કરે છે. તેના બદલામાં યુનિવર્સિટી એજન્ટોને તગડું કમિશન આપે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2022માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસને કામ કરતા વિદેશી વિદ્યાર્થીઓની નીતિમાં મહત્ત્વનો ફેરફાર કર્યો હતો. એ બાદ સ્ટુડન્ટ વિઝાની માગમાં વધુ વધારો થયો હતો. ખરેખરમાં નવા ફેરફાર હેઠળ, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની કામ કરવાની મર્યાદા દૂર કરવામાં આવી હતી, એટલે કે હવે વિદ્યાર્થીઓ ગમે તેટલા કલાકો સુધી કામ કરી શકશે. જોકે હવે આ પોલિસીમાં ફરીથી ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. અલ્બેનીઝ સરકાર ફરીથી વિદ્યાર્થીઓના કામના કલાકો પર નિયંત્રણો લાદવા જઈ રહી છે.
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કહ્યું હતું- વિદ્યાર્થીઓ બંને દેશોને નજીક લાવી રહ્યા છે
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવાનો મામલો એવા સમયે ઉગ્ર બન્યો છે જ્યારે વડાપ્રધાન મોદી એક દિવસ પહેલાં બુધવારે ઓસ્ટ્રેલિયાના 2 દિવસના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. સિડનીમાં 20,000 લોકોને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ બંને દેશોને નજીક લાવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકબીજાની શૈક્ષણિક ડીગ્રીઓને માન્યતા આપવા પર વાતચીત આગળ વધી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.