બાંગ્લાદેશને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે ભારત સહિત એ દેશોથી નારાજ નથી જેમણે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરાયેલા રોહિંગ્યા મુસ્લિમો સંબંધિત પ્રસ્તાવ પર તટસ્થ રહ્યા કે વિરોધમાં મત આપ્યો. આ પ્રસ્તાવ તાજેતરમાં જ પૂર્ણ થયેલ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 75મી બેઠકમાં રજૂ કરાયો હતો. ભારત સહિત 31 દેશોએ આ મામલે મતદાનથી અંતર જાળવ્યું હતું.
બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉક્ટર એ.કે.અબ્દુલ મોમિને રવિવારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને અમે એક રાજકીય સફળતા તરીકે જોઈએ છીએ. પ્રસ્તાવ વિરુદ્ધ જે દેશોએ મતદાન કર્યુ તે એક શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શકતા હતા તેમ છતાં અમે તેમનાથી નારાજ નથી. આ વ્યૂહાત્મક નિર્ણય છે. અમે પરિણામથી ખુશ છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ ઓઆઈસી(ઈસ્લામિક સહયોગ સંગઠન) અને ઈયુ(યુરોપિયન યુનિયન)એ રજૂ કર્યો હતો. તેની તરફેણમાં 132 દેશોએ મતદાન કર્યું હતું. ચીન, રશિયા ઉપરાંત બેલારુસ, કમ્બોડિયા, લાઓસ, મ્યાનમાર, ફિલિપાઈન્સ, વિયેતનામ, ઝિમ્બાબ્વે વગેરેએ વિરોધમાં મત આપ્યો હતો.
પ્રસ્તાવમાં શું હતું?
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મંજૂર કરાયેલા પ્રસ્તાવમાં કહેવાયું હતું કે રોહિંગ્યા મુસ્લિમો સાથે મ્યાનમારમાં માનવાધિકારોના ભંગની સ્થિતિ સર્જાઈ છે. જેના લીધે તે બાંગ્લાદેશ પલાયન કરી રહ્યા છે. હાલ 11 લાખ રોહિંગ્યા શરણાર્થી અમાનવીય સ્થિતિમાં બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે. એવામાં વિશ્વ સમુદાયે જલદી જ રોહિંગ્યા સમુદાયની સમસ્યાને ઉકેલવા પ્રયાસ કરવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.