બ્રિટને કોરોના વેક્સિન વચ્ચેના બે ડોઝનું અંતર ઘટાડવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન બોરિસ જોહન્સને કહ્યું હતું કે બ્રિટનમાં 50 વર્ષથી ઉપરના લોકો અને ક્લિનિકલી નબળા લોકોને વેક્સિન શક્ય હોય એટલી ઝડપથી આપવામાં આવવી જોઈએ. જોહન્સને એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે બીજો ડોઝ 12 સપ્તાહની જગ્યાએ આઠ સપ્તાહમાં જ લઈ લેવો જોઈએ. અહીં ખાસ વાત એ છે કે બ્રિટન અને WHOની સલાહથી જ બે દિવસ પહેલાં જ ભારતે બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાની જાહેરાત કરી છે. આ સંજોગોમાં હવે બ્રિટનના નિર્ણય સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
બીબીસીએ પીએમ જોહન્સન તરફથી કહ્યું હતું કે ભારતમાં મળેલા B.1.1.7 વેરિયન્ટને વધારે સંક્રમિત અને ઝડપથી ફેલાતો વેરિયન્ટ ગણાવ્યો છે, તેથી અમારે અમુક પગલાં ઝડપથી લેવાં પડે એવાં છે. 21 જૂને લોકડાઉન સંપૂર્ણ રીતે પૂરું કરવાની યોજનામાં આ વેરિયન્ટ જોખમ ઊભું કરી શકે છે. નોંધનીય છે કે બ્રિટનમાં ઝડપથી વેક્સિનેશનને કારણે સરકારે લોકડાઉનમાં ઢીલ આપી છે. ત્યાર પછી બ્રિટનના લોકો ધીમે ધીમે સામાન્ય જનજીવન તરફ આગળ વધી રહ્યા છે. સરકારની યોજના છે કે 21 જૂન સુધીમાં દેશમાં લોકડાઉન સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવે અને તેથી જ હવે બ્રિટન સરકાર ઈચ્છે છે કે વેક્સિનના બે ડોઝનું અંતર ઓછું હોય તો લોકોને ઝડપથી સંપૂર્ણ વેક્સિનેટેડ કરી શકાય છે.
બ્રિટન- WHOએ 4થી 12 સપ્તાહ અને 8થી 12 સપ્તાહનું અંતર રાખવાની સલાહ આપી હતી
ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 6થી 8 સપ્તાહથી વધારીને 12થી 16 સપ્તાહ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આવું બ્રિટન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહથી કરવામાં આવ્યું છે. બ્રિટન અને WHOએ બે ડોઝની વચ્ચે ક્રમશ: 4થી 12 સપ્તાહ અને 8થી 12 સપ્તાહનું અંતર રાખવાની સલાહ આપી છે. બીજી બાજુ, 30 એપ્રિલે સ્પેને વેક્સિન વિશે તેમના રાષ્ટ્રીય દિશાનિર્દોશોને સંશોધિત કર્યા હતા. સ્પેને કહ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના જે લોકોને પહેલો ડોઝ મળી ગયો છે તેમણે બીજો ડોઝ 12થી 16 સપ્તાહની અંદર લઈ લેવો જોઈએ.
ભારતના નિર્ણયને અમેરિકન ડોક્ટરે સાચો ગણાવ્યો
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના મુખ્ય મેડિકલ એડવાઇઝર ડોક્ટર ફૌચીએ કોવિશીલ્ડ વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહના અંતરને યોગ્ય ગણાવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં ડૉ. ફૌચીએ કહ્યું હતું કે જો વેક્સિન ઓછી હોય અને વધુ ને વધુ લોકોને વેક્સિન આપવી હોય તો આ યોગ્ય પદ્ધતિ છે. ઉપરાંત બે વેક્સિન ડોઝ વચ્ચે અંતર વધારવાથી એની અસરકારકતામાં પણ કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. ભારત દુનિયામાં સૌથી મોટું નહીં, પણ સૌથી સારી ઉત્પાદનક્ષમતા તો ધરાવે જ છે.
12 સપ્તાહ પછી વેક્સિનનો બીજો ડોઝ લેવાથી 81.3% પ્રભાવી
ઓક્સફોર્ડ વેક્સિન ગ્રુપના નિષ્ણાતોએ બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના 17,178 લોકો પર ચાર ટ્રાયલનાં પરિણામોનું વિશ્લેષણ કર્યું છે. ત્યાર પછી આ પરિણામો વિશે લાન્સેટમાં છપાયેલા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન 55.1 ટકા પ્રભાવી હોય છે. જ્યારે એના બે ડોઝ વચ્ચે છ સપ્તાહ કરતાં ઓછું અંતર રાખવામાં આવ્યું હતું. જ્યારે 12 સપ્તાહ કરતાં વધારે સમય પછી વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો તો એની અસરકારકતા 81.3 ટકા જોવા મળી હતી.
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું
યુરોપિયન યુનિયને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 4થી 12 સપ્તાહને મંજૂરી આપી છે. જ્યારે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે NTAGIના કોવિડ વર્કિંગ ગ્રુપ દ્વારા બે ડોઝ વચ્ચે અંતર વધારવાની સલાહને મંજૂરી આપી છે. આ મંજૂરી કોવિશીલ્ડ વેક્સિન વિશે આપવામાં આવી છે. મંત્રાલય તરફથી આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત હોવાના સમાચાર આવી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.