કેનેડાથી બોટ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા બદલ યુએસ બોર્ડર ઓથોરિટીએ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં બે ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ બુધવારે એક નિવેદનમાં જણાવાયું હતું કે, ડેટ્રોઇટ સેક્ટરના યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ યુએસના રાજ્ય મિશિગનમાં અલ્ગોનાક નજીક સ્મગલિંગનો પ્રયાસ કરતા પાંચ વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે 20 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે રિમોટ વીડિયો સર્વેલન્સ સિસ્ટમ પર દેખરેખ રાખતા બોર્ડર પેટ્રોલ ડિસ્પેચર્સે સેન્ટ ક્લેર નદી પરની એક બોટને જાણીતા સ્મગલિંગ માર્ગની નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોઇ અને તરત જ આ વિસ્તારના એજન્ટોનો સંપર્ક કર્યો.
પાંચેય લોકોએ કરી કબૂલાત
જે કિનારા તરફ બોટ જતી જોવા મળી હતી, ત્યાં એજન્ટોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને પાંચ લોકોનો ઘેરાવ કર્યો. પાંચેય લોકોએ કબૂલ્યું હતું કે તેઓ કેનેડાથી બોટ દ્વારા સરહદ પાર કરી ગયા હતા.
એજન્ટોએ બે પ્રવાસીને ઠંડા તાપમાનને કારણે સંપૂર્ણપણે ભીંજાયેલા અને ધ્રૂજતા જોયા હતા. વ્યક્તિઓએ એજન્ટોને જણાવ્યું કે તેઓ બોટમાંથી ઉતરતી વખતે નદીમાં પડી ગયા હતા.
ત્યારબાદ તમામ પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને કાર્યવાહી માટે સ્થાનિક સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા.
ઇમિગ્રેશન ઉલ્લંઘન માટે થશે કાર્યવાહી
CBPએ જણાવ્યું કે, "તપાસના પ્રક્રિયાના તબક્કા દરમિયાન સામે આવ્યું કે પકડાયેલા લોકોમાંથી બે લોકો ભારતના અને બાકીના નાઇજીરીયા, મેક્સિકો અને ડોમિનિકન રિપબ્લિકના હતા,"
આ વ્યક્તિઓ પર યુએસ ઇમિગ્રેશન ઉલ્લંઘન માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચીફ પેટ્રોલ એજન્ટ રોબર્ટ ડેનલીએ કહ્યું કે, 'સ્મગલર્સ પોતાની ક્રિમિનલ એક્ટિવિટી ઢાંકવા રાતના અંધારાં અને થીજી જવાય એટલા તાપમાનનો ફાયદો ઉઠાવે છે. આવા લોકો ધરપકડથી બચવા લાંબા અંતર સુધી જાય છે અને પોતાના અને બીજાના જીવનને જોખમમાં મૂકે છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.