• Gujarati News
  • International
  • Two Missiles Were Fired At Al Zawahiri, Who Was Still On The Balcony Of A Home American Agencies Had Been Tracking For 6 Months.

અલ-કાયદાનો આકા અલ-જવાહિરી ઠાર:બાલ્કનીમાં હતો ને બે મિસાઇલ છોડાઈ, અમેરિકન એજન્સીઓ 6 મહિનાથી ટ્રેક કરી રહી હતી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાહિરી તેના પરિવાર સાથે સુરક્ષિત ઘરમાં રહેતો હતો

અમેરિકાના ડ્રોન હુમલામાં અલ-કાયદાનો આકા અયમાન અલ-જવાહિરી માર્યો ગયો છે. એક અમેરિકન અધિકારીએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું જેવો જવાહિરી તેના ઘરની બાલ્કનીમાં ફરી રહ્યો હતો ત્યારે તેના પર રીપર ડ્રોનથી બે હેલફાયર મિસાઈલ છોડવામાં આવી હતી.

આ હુમલો અફઘાનિસ્તાનના સમય અનુસાર, રવિવારે સવારે 6.18 કલાકે કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકામાં શનિવારના રાતના 9.48 વાગ્યા હતા. અમેરિકન ઓફિસરે જણાવ્યું હતું કે અમેરિકન એજન્સીઓ એનો છેલ્લા 6 મહિનાથી સતત પીછો કરી રહી હતી. આ કાર્યવાહી પર અમેરિકાને કહ્યું હતું કે તેણે 9/11ના હુમલાનો બદલો લીધો છે. રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું- ન્યાય થયો છે.

આ તસવીર સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ ઘર છે, જ્યાં અલ-જવાહિરી પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ તસવીર સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ ઘર છે, જ્યાં અલ-જવાહિરી પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકન એજન્સી પત્ની-પુત્રીને ટ્રેક કરી રહી હતી, જવાહિરી મળી ગયો
આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે અલ-જવાહિરીની પત્ની- પુત્રી અને પૌત્ર કાબુલમાં એક ઘરમાં શિફ્ટ થયાં છે. અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, અમે તેની પર નજર રાખી હતી. આમ તો જવાહિરીનો પરિવાર સાવચેતી રાખી રહ્યો હતો, જેથી કોઈ તેમનો પીછો ન કરી શકે, પરંતુ અમને માહિતી મળી ગઈ હતી.

હવે વિશ્વાસ સાથે એવું માનતા હતા કે અલ-જવાહિરી પણ ઘરે હોઈ શકે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ઓસામા બિન લાદેનની જેમ જ જવાહિરીની લાઈફસ્ટાઈલને સમજવા માટે વિવિધ સ્રોતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી તે ઘરમાં હાજર હોવાની પુષ્ટિ થઈ. આના પરથી બીજી એક વાત જાણવા મળી કે જવાહિરી ઘરની બાલ્કનીમાં સમય પસાર કરતો હતો. હુમલા માટે આ સમય પસંદ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા 12 મહિનાથી અમેરિકી એજન્સીઓ જવાહિરીનો પીછો કરી રહી હતી.

જવાહિરીનું આ ઠેકાણું શેરપુરમાં હતું
આ ઠેકાણું મધ્ય કાબુલના શેરપુર વિસ્તારમાં છે. આ સમગ્ર વિસ્તાર અફઘાન સંરક્ષણ મંત્રાલયનો છે. અહીં હાલના દિવસોમાં અફઘાનિસ્તાનના ઉચ્ચ અધિકારીઓનાં ઘરો બનાવવામાં આવ્યાં છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, તાલિબાની ગૃહમંત્રી અને એક કુખ્યાત આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીએ તેને પોતાના એક અત્યંત સુરક્ષિત ઘરમાં આશ્રય આપ્યો હતો.

ઘરમાં પોતાના પરિવારની સાથે રહેતો હતો
અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, જવાહિરી તેના પરિવાર સાથે સુરક્ષિત ઘરમાં રહેતો હતો. યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું આ હુમલામાં પરિવારને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ હુમલા અંગે તાલિબાનને કોઈ માહિતી આપી નથી.

અમેરિકાના હુમલા બાદ તાલિબાન સરકાર ગુસ્સે ભરાઈ છે અને તેણે અમેરિકાને ચેતવણી આપી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહે કહ્યું હતું કે 31 જુલાઈએ કાબુલ શહેરના શેરપુર વિસ્તારમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાબતની વિગતો જાણી શકાઈ ન હતી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ આ મામલે તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અમેરિકી ડ્રોન દ્વારા કરવામાં આવ્યું હતું.

જવાહિરીનો આ ફોટો ઈજિપ્તની જેલનો છે. 1982માં તેના પર રાષ્ટ્રપતિ અનવર સાદાતની હત્યાનો કેસ ચલાવવામાં આવ્યો હતો.
જવાહિરીનો આ ફોટો ઈજિપ્તની જેલનો છે. 1982માં તેના પર રાષ્ટ્રપતિ અનવર સાદાતની હત્યાનો કેસ ચલાવવામાં આવ્યો હતો.

અલ-જવાહિરી 9/11 હુમલાનો આરોપી હતો
11 સપ્ટેમ્બર, 2001ના રોજ, 19 આતંકવાદીએ 4 કોમર્શિયલ પ્લેન હાઇજેક કર્યા અને અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. અમેરિકામાં થયેલા આ હુમલાને 9/11 હુમલા તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં 93 દેશના 2,977 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓસામા બિન લાદેન, અલ જવાહિરી સહિત અલ-કાયદાના તમામ આતંકવાદીઓ પર અમેરિકી તપાસ એજન્સીએ આરોપી બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...