અમેરિકી મધ્યસત્ર ચૂંટણી:ટ્રમ્પ પરિણામોથી અકળાયા, નેતાઓને 2024ની દાવેદારી ન કરવા ધમકાવ્યાં

વોશિંગ્ટન23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રમ્પે ભલામણ કરેલા અનેક નેતા હાર્યા, પકડ ઢીલી થવાનું જોખમ

અમેરિકી મધ્યસત્રની ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીના અત્યંત સામાન્ય દેખાવથી પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અકળાયા છે. ટ્રમ્પની ભલામણવાળા અનેક મોટા નેતા પેનસિલ્વેનિયા, ઓહિયો અને જ્યોર્જિયા જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં સેનેટની ચૂંટણી હારી ગયા હતા.

ટ્રમ્પને આશા હતી કે રિપબ્લિકન પાર્ટીના સારા પ્રદર્શન પછી તે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાની દાવેદારી મજબૂત રીતે રજૂ કરી શકશે.હાલ મોટાભાગના મોડરેટ રિપબ્લિકન જીતી રહ્યા છે. પોતાની દાવેદારી પર ખતરો જોઈને ટ્રમ્પ પાર્ટીના મજબૂત હરીફોને જાહેરમાં ધમકાવી રહ્યા છે. ફ્લોરિડાથી ગવર્નરની ચૂંટણી જીતેલા રૉન ડીસેન્ટિસને ટ્રમ્પે કહ્યું કે તે રાષ્ટ્રપતિ પદની દાવેદારી વિશે વિચારે પણ નહીં. હું તેમના વિશે એવી વાતો જાણો છું, જે જાહેર થશે તો રોનની મુશ્કેલી વધી જશે.

પરિણામથી બંને પાર્ટીમાં નવા દાવેદારો સામે આવ્યા ફ્લોરિડાથી રિપબ્લિકન ગવર્નર રોન ડીસેન્ટિસ બીજી વખત ચૂંટણી જીત્યા છે. ટ્રમ્પે ડીસેન્ટિસના નામની ઉમેદવાર તરીકે ભલામણ નહોતી કરી. યુવા અને કોલેજ શિક્ષણ મેળવેલા 63% રિપબ્લિકન મતદારો ડીસેન્ટિસને ટ્રમ્પનો વિકલ્પ માને છે.

કેલિફોર્નિયાથી ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નર ગેવિન ન્યુસોમ પર ફરી ચૂંટણી જીતી ગયા છે. ન્યુસોમ ડેમોક્રેટિક પાર્ટી વતી 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઈડેનનો વિકલ્પ મનાય છે. તેમને 61 ટકા ડેમોક્રેટિક મતદારોનું સમર્થન છે.

ગર્ભપાત અંગે બાઈડેનને સમર્થન, મોંઘવારી મુદ્દે નિષ્ક્રિય
એવું મનાતું હતું કે વધતી મોંઘવારી મુદ્દે રાષ્ટ્રપતિ બાઈડેન પ્રત્યે સામાન્ય નાગરિકોમાં રોષ છે પણ અત્યાર સુધીના પરિણામોથી લાગે છે કે તેની મતદારો પર અસર થઇ નથી. સુપ્રીમકોર્ટ દ્વારા ગર્ભપાતના અધિકારો પાછા ખેંચવાના નિર્ણય વિરુદ્ધ બાઈડેનના સ્ટેન્ડને પણ સામાન્ય મતદારોએ સમર્થન આપ્યું છે.

ચૂંટણી પરિણામ ન સ્વીકારનારા 210 ઉમેદવારોનો વિજય થયો
મધ્યસત્રની ચૂંટણીમાં જીતનારા રિપબ્લિકન પાર્ટીના 210 ઉમેદવાર એવા છે જેમણે પરિણામો ન સ્વીકારવાની જાહેરાત કરી હતી. તેમાંથી 30 એવા છે જે અત્યાર સુધી બાઈડેનને રાષ્ટ્રપતિ તરીકે જીત્યાંને સ્વીકારી રહ્યા નથી. હવે રિપબ્લિકન પાર્ટી અને તેમના નેતા ટ્રમ્પ માટે ગળાફાંસ જેવી સ્થિતિ સર્જાઈ છે.

વોટરોએ બંને નેતાઓને નકાર્યા
2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સેમીફાઈનલ મનાતી મધ્યસત્રની ચૂંટણીના પરિણામોએ બાઈડેન અને ટ્રમ્પ માટે મતદારો વચ્ચે તેમની છબિ પ્રત્યે સવાલ ઊભો કરી દીધો છે. બાઈડેનની લોકપ્રિયતા અમેરિકી પ્રજા વચ્ચે માઈનસ 68 ટકા છે. રિપબ્લિકન પાર્ટીના 52 ટકા મતદારો ટ્રમ્પને નેતા તરીકે જોતા નથી. સરવેમાં જાણ થઈ કે બંને નેતાઓને અમેરિકાના યુવા મતદારો સમર્થન આપતા નથી. 18થી 38 વર્ષના 56 ટકા મતદારો ટ્રમ્પ અને બાઈડેનને આગામી રાષ્ટ્રપતિ તરીકે જોવા નથી માગતા. યુવા મતદારો હવે વિકલ્પ શોધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...