અમેરિકાના રાષ્ટ્રપતિનો નવો દાવો:USમાં કોરોનાના સૌથી વધારે દર્દી, ટ્રમ્પે કહ્યું-PM મોદીએ મને કહ્યું હતું કે તમે ટેસ્ટિંગની બાબતમાં ખૂબ સારું કામ કર્યું

એક વર્ષ પહેલા
  • ટ્રમ્પે કહ્યું- કોરોના કાળમાં જો બાઇડેન ઈન્ચાર્જ હોત તો લાખો અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યો હોત
  • વિશ્વમાં કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં, અત્યારસુધીમાં અહીં 66 લાખથી વધારે કોરોના સંક્રમિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં કોરોનાની તપાસને લઈ તેમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે મોદીએ મને ફોન કરી કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું છે. વિશ્વમાં કોરોનાના સૌથી વધારે દર્દી અમેરિકામાં છે. નવાદામાં શનિવારે રાત્રે એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. આ અગાઉ ટ્રમ્પ અનેક વખત કાશ્મીરમુદ્દે મધ્યસ્થતાનો દાવો કરતા રહ્યા છે.

વિશાળ દેશોની તુલનામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ અમેરિકામાં
ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે અમે મોટા મોટા દેશોની તુલનામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કર્યા છે. અમે અમારા દેશમાં ભારતની તુલનામાં વધારે ટેસ્ટ કર્યા છે, જ્યારે ભારતની વસતિ આશરે દોઢ અબજ છે. અમેરિકામાં અત્યારસુધીમાં 44 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ટેસ્ટિંગને લઈ તમે ખૂબ જ સારું કામ કર્યું છે. આ અંગે મેં તેમને કહ્યું કે આ વાત તમે અહીંના બેઈમાન લોકોને સમજાવો. ટ્રમ્પે પોતાના ડેમોક્રેટિક હરીફ જો બાઈડેન પર નિશાન સાધતાં કહ્યું કે જ્યારે ચાઇનીઝ વાઈરસ આવ્યો ત્યારે જો બાઈડેન દેશના ઇન્ચાર્જ હોત તો લાખો અમેરિકી નાગરિકોનાં મૃત્યુ થયાં હોત.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નવાદા મહત્ત્વનું
રાજકીય અહેવાલ પ્રમાણે નવાદા એક એવી જગ્યા પૈકીની એક છે, જેની પર ટ્રમ્પ તેમના ચૂંટણી કેમ્પેન સમયે વધારે ધ્યાન આપી રહ્યા છે. અમેરિકાના અર્થતંત્રનું સંચાલન કરવાની તેમની નીતિઓ પ્રત્યે લોકોમાં ઉત્સાહને ફરીથી વધારવા તથા હિસ્પૈનિક વોટર્સ સાથે તેના સપોર્ટને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે.

કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં
WHOના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં એક દિવસમાં વિક્રમજનક 3 લાખ 7 હજાર 930 કેસ આવ્યા છે. સૌથી વધારે કેસ ભારતમાંથી આવ્યા છે. બીજા નંબર પર અમેરિકા અને ત્રીજા નંબર પર બ્રાઝિલ છે. અમેરિકામાં અત્યારસુધીમાં કુલ 66 લાખ 98 હજાર 525 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ, અત્યારસુધીમાં 1 લાખ 98 હજાર 308 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...