7200 કિ.મી લાંબા માર્ગ પ્રોજેક્ટની ગતિ તેજ:સેન્ટ પીટર્સબર્ગથી મુંબઇની મુસાફરીમાં 10 દિવસનો સમય બચશે

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવો રૂટ : 2101 કિ.મીનો ભાગ રશિયામાં,અઝરબૈજાનમાં 800,ઇરાનમાં 3046 અને અરબ સાગરમાં 2000 કિ.મી

રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસી વચ્ચે આ સપ્તાહે રાસ્તથી અસ્તારાના 162 કિ.મી લાંબા રેલમાર્ગ પર કરાર થયો. આ રેલમાર્ગ 7200 કિમીના ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર ( INSTC)નો હિસ્સો છે. જે રેલ અને સમુદ્રી માર્ગથી રશિયાના સેંટ પીટર્સબર્ગને મુંબઇ સાથે જોડશે.

આ નવો માર્ગ બનવાથી મુસાફરીમાં 10 દિવસનો સમય બચશે અને ખર્ચ પણ 30 ટકા ઘટશે. કારણકે સુએઝ નહેરવાળો પરંપરાગત રૂટ (અરબ સાગર, લાલ સાગર, ભૂમધ્ય સાગર, બાલ્ટિક સાગરથી સેંટ પીટર્સબર્ગ ) 16 હજાર કિ.મી.નો સમુદ્રી માર્ગ હતો. જેમાં 40 દિવસનો સમય લાગે છે. INSTCની કામગીરી પૂર્ણ થતાં આ પ્રવાસ ઘટીને 30 દિવસનો થઇ જશે. નવા કરારને લઈને ભારતીયોની સાથે ઈરાન અને રશિયામાં પણ ચર્ચા છે.

ઈન્ટરનેશનલ કોરિડોર 4 દેશોના 10 મોટા શહેરોને જોડશે 1. સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) ઃ ઉત્તર રશિયાના સેન્ટ પીટર્સબર્ગથી આ રૂટ શરૂ થશે. 2. મોસ્કો (રશિયા) સેન્ટ પીટર્સબર્ગથી મોસ્કો વચ્ચે 701 કિમી એમ-1 હાઈવે, રેલમાર્ગ છે. 3. અસ્ત્રાખાન (રશિયા) ઈ-119 હાઇવે મોસ્કો-અસ્ત્રાખાનને જોડે છે. 1398 કિમીમાં રેલવે પણ છે. 4.બાકુ (અઝરબૈજાન) સુધી 899 કિમી લંબાઈ-119 હાઈવે, રેલ લાઈન છે. 5. અસ્તાસ બાકુ શહેરથી ઈરાનના અસ્તારા શહેર સુધી 289 કિમીમાં ઈ-119 હાઈવે અને રેલ લાઈન છે. 6. રાસ્ત (ઈરાન): અસ્તારાથી રાસ્ત શહેર સુધી 165 કિમીમાં રોડ છે. અહીં રેલવે ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું છે. 7. તેહરાન (ઈરાન): માર્ગનું સૌથી મોટું જંકશન, રાસ્તથી અહીંયા સુધી 320 કિમીમાં રોડ અને રેલ બંને છે. 8. બાક્ફ (ઈરાન) : તેહરાનથી બાક્ફ સુધી 745 કિમીમાં રોડ-સિંગલ રેલ લાઇનની સુવિધા છે. 9. બંદર અબ્બાસ (ઈરાન) બાક્ફથી બંદર અબ્બાસ સુધી 618 કિમી રોડ સાથે ડબલ રેલ લાઇન પણ છે. 10. મુંબઈઃ ઈરાનના બંદર અબ્બાસથી મુંબઈના નજીક 2000 કિમીનું અંતર અરબ સાગરમાંથી નક્કી કરાશે.

હાલમાં રેલ માર્ગના સ્થાને કાસ્પિયન સાગરનો સહારો

  • રેલ માર્ગની કામગીરી પૂર્ણ ના થવાને કારણે હાલમાં કાસ્પિયન સાગરમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં અાવી છે.
  • રશિયા અસ્તાખાનના સોલિયંકા પોર્ટથી સામાનને જહાજો દ્વારા કૈસ્પિયન સાગર પાર સ્થિત ઇરાનના પોર્ટ અંજાલી સુધી પહોંચાડવામાં આવે છે.આ અંતર 1200 કિ.મી.છે.
  • પોર્ટ અંજાલીથી કાર્ગોને રેલ અથવા સડક માર્ગે અબ્બાસ બંદર સુધી લઇ જવામાં આવે છે.ત્યાંથી સામાનને જહાજ થકી મુંબઇ મોકલી શકાય છે.

ચાબહાર વધુ નજીક,રેલ માર્ગ નહીં
ભારત ઇરાનના ચાબહાર પોર્ટને વિકસિત કરી રહ્યું છે. જેથી આ રૂટમાં અંતર હજુ ઓછું થઇ શકે છે કારણકે ચાબહાર પોર્ટ સુધી પહોંચવા માટે કોઇ રેલ લાઇન નથી. તેહરાનથી જાહેદાન સિટી સુધી રેલ લાઇન પહેલેથી જ છે, પરંતુ ચાબહારથી જાહેદાન સિટી સુધી 1380 કિ.મી. રેલ લાઇનની કામગીરી ઘણા વર્ષોથી ખોરંભે પડી છે.