ચીનમાં વિમાન દુર્ઘટના:તિબેટ એરલાઇન્સનું વિમાન ટેકઓફ દરમિયાન રનવે પરથી નીચે ઊતરી ગયું, વિમાનમાં આગ લાગતાં અનેક મુસાફરો ઘાયલ

11 દિવસ પહેલા
  • વિમાનમાં 113 મુસાફર અને નવ ક્રૂ-મેમ્બર સવાર હતા

ચીનના ચોંગકિંગમાં ગુરુવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન તિબેટ એરલાઈન્સનું એક વિમાન રનવે પરથી નીચે ઊતરી ગયું હતું. સ્થાનિક મીડિયા મુજબ, આ ફ્લાઈટ ચોંગકિંગથી તિબેટના લ્હાસા જવાની હતી. જોકે રનવે પરથી નીચે ઊતરી જતાં વિમાનમાં આગ લાગી ગઈ હતી. ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર ગુરુવારે સવારે તિબેટ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 25 મુસાફર ઘાયલ થયા છે.

વિમાનમાં 113 મુસાફર અને નવ ક્રૂ-મેમ્બર સવાર હતા
ચીનના સત્તાવાર અખબાર પીપલ્સ ડેઈલી અનુસાર, વિમાનમાં 113 મુસાફર અને નવ ક્રૂ-મેમ્બર સવાર હતા. રાહત અને બચાવકર્મીઓએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જે લોકો ઘાયલ થયા હતા, તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન આગમાં સળગતું જોઈ શકાય છે, જોકે આ ઘટનાની અન્ય કેટલીક તસવીરોમાં પણ ફાયર ફાઈટર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા દેખાઈ રહ્યા છે.

અકસ્માતનું કારણ શું હતું?
પ્રાથમિક માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં જ ફ્લાઈટના ક્રૂને વિમાનમાં કોઈ ટેક્નિકલ ખામી હોવાની આશંકા હતી. આ પછી અફરાતફરીમાં ટેકઓફ અટકાવવામાં આવ્યું હતું. વિમાન રનવે પરથી નીચે ઊતરી ગયું હતું અને એમાં આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...