યુક્રેનમાં રશિયાની સેના વિરુદ્ધ લડતા પકડાયેલા બ્રિટનના બે અને મોરક્કોના એક નાગરિકને મૃત્યુદંડની સજા ફટકારાઈ છે. આ ચુકાદો રશિયના સમર્થનવાળા યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં રશિયન કોર્ટે સંભળાવ્યો હતો. જે કોર્ટે આ ચુકાદો આપ્યો છે તેને આંતરરાષ્ટ્રીય માન્યતા નથી.
રિપોર્ટ મુજબ બ્રિટનના એડન આસલિન તથા શોન પિનર અને મૉરક્કોના બ્રાહિમ સોદૂન પર પ્રોફેશનલ કિલર હોવાનો આરોપ લગાવાયો હતો. એક સરકારી અધિકારીના હવાલાથી જણાવાયું કે ત્રણેય પર પ્રોફેશનલ કિલિંગ, સત્તા પ્રાપ્ત કરવા માટે હિંસા અને આતંકી ઘટનાઓને અંજામ આપવા ટ્રેનિંગ લેવા જેવા આરોપો હતા. બ્રિટને આ ચુકાદાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બંને બ્રિટિશ નાગરિકોના પરિવારોનો દાવો છે કે આ લોકો યુક્રેનની સેનાના જ સભ્ય છે અને લાંબા સમયથી સેવારત છે. 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ વિદેશીઓને પોતાને ત્યાં આવીને લડવા અપીલ કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીના નજીકના માયખાઈલો પોડોલ્યાકીએ કહ્યું કે યુદ્ધમાં દરરોજ 100થી 200 યુક્રેની સૈનિકો મૃત્યુ પામી રહ્યા છે. જ્યારે યુક્રેનના સૈન્યના ગુપ્તચર વિભાગના ઉપપ્રમુખ વાદિમ સ્કિબિત્સકીએ કહ્યું કે યુક્રેન, રશિયા વિરુદ્ધ આર્થિક મોરચે હારી રહ્યું છે. તેનો મુકાબલો કરવા અમને પશ્ચિમથી વધુ હથિયારોની જરૂર છે. પશ્ચિમી દેશોના આશ્વાસનથી અમને ફક્ત 10 ટકા જ હથિયાર મળ્યાં છે.
રશિયાએ કહ્યું - પશ્ચિમી દેશોથી મળેલી તોપો નષ્ટ થઈ
રશિયાની સેનાના એક અધિકારીએ દાવો કર્યો કે યુક્રેનને પશ્ચિમી દેશો પાસેથી મળેલી તોપો અમે નષ્ટ કરી દીધી છે. હુમલા દરમિયાન નોર્વેથી મળેલી હોવિત્ઝર તોપો અને અમેરિકાથી મળેલી આર્ટિલરી સિસ્ટમને પણ નુકસાન થયું છે. તેમણે દાવો કર્યો કે ડોનબાસના 97 ટકા વિસ્તાર પર રશિયાએ કબજો જમાવી લીધો છે.
જેલેન્સ્કી નાટોની બેઠકમાં સામેલ થશે
યુક્રેનના રાષ્ટ્રપતિ 28-29 જૂને સ્પેનના મેડ્રિડમાં યોજાનાર નાટોની બેઠકમાં ભાગ લેશે. નાટોના ઉપમહાસચિવ મિરસિયા જોએને કહ્યું કે સંમેલનમાં જેલેન્સ્કીને આમંત્રણ મોકલાયું છે. તેના પહેલાં 15-16 જૂને નાટોના સંરક્ષણમંત્રીઓની બેઠક થશે. આ બેઠક બ્રુસેલ્સમાં થશે. તેમાં જ્યોર્જિયા, ફિનલેન્ડ, સ્વીડન અને યુક્રેન પણ ભાગ લેશે.
પહેલીવાર પેસિફિક ક્ષેત્રના સહયોગી પણ આવશે
મિરસિયા જોએને કહ્યું કે શિખર સંમેલનમાં પહેલીવાર પેસિફિક રિજિયનના નાટો સહયોગી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન અને દ.કોરિયા પણ સામેલ થશે. બેઠકમાં ઓપન ડોર પોલિસી અને નાટોના વિસ્તાર અંગે ચર્ચા થશે. આશા છે કે જલદી જ ફિનલેન્ડ અને સ્વીડન પણ નાટો સભ્ય બનશે.
સભ્યપદની અરજી ઓપન-ડોર પોલિસીથી
ઓપન ડોર પોલિસીના માધ્યમથી કોઈ પણ યુરોપિયન દેશ નાટો સભ્યપદ માટે અરજી કરી શકે છે. તેના પછી નાટો કલેક્ટિવ ડિફેન્સના તેના પાયાના સિદ્ધાંતો મુજબ મુશ્કેલી આવતા સભ્ય દેશની મદદ કરશે. કલેક્ટિવ ડિફેન્સનો મતલબ એ છે કે એક કે એકથી વધુ સભ્યો પર થયેલો હુમલો તમામ સભ્ય દેશો પર થયેલો હુમલો ગણાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.