બ્રાઝિલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકો પોલીસ બેરિકેડ્સ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા હતા. આ લોકોએ તોડફોડ કરી હતી. પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે
સરકારી ઈમારતોમાં ઘૂસેલાં તત્ત્વોને પોલીસે બહાર કાઢી મૂક્યા છે. સરકારે કહ્યું હતું કે આ અચાનક હુમલા જેવું હતું. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ બનેલા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ હુમલાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.
બ્રાઝિલની મુખ્ય સરકારી ઈમારતોમાં જે રીતે હિંસા થઈ હતી, એવી જ હિંસા 2 વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ થઈ હતી. ત્યાર બાદ ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ, એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા. ત્યાં પણ તોડફોડ થઈ હતી. આ ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ હિંસા માટે ટ્રમ્પને જ જવાબદાર ઠેરવ્યા હતા. બ્રાઝિલના ન્યાયમંત્રી ફ્લાવિયો ડીનોએ કહ્યું, "ઇન્ટરનેટ પર હજુ પણ એવા લોકો છે, જેઓ કહી રહ્યા છે કે આવી આતંકવાદી ઘટનાઓ બંધ નહીં થાય, પરંતુ અમે તેમને એવું કરવા દઈશું નહીં. તેઓ બ્રાઝિલના લોકતંત્રને નષ્ટ કરી શકશે નહીં. અમે રાજકીય સંઘર્ષને અપરાધના રસ્તે નહીં જવા દઈએ. ગુનેગારો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવશે.
નવા રાષ્ટ્રપતિના શપથ લીધાના એક સપ્તાહ બાદ હિંસા
ઓક્ટોબરમાં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં બોલ્સોનારોનો પરાજય થયો અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા જીતી ગયા. ગયા અઠવાડિયે 1 જાન્યુઆરીએ સિલ્વાએ શપથ લીધા હતા. આ પછી જ બોલ્સોનારોના સમર્થકોએ સરકારી ઇમારતો પર હુમલો કર્યો. બોલ્સોનારોના સમર્થકોએ સિલ્વાને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. વિરોધ કરનારાઓએ રાજધાની બ્રાસિલિયામાં મોટી સંખ્યામાં ધામા નાખ્યા છે, જેને કારણે સંસદમાં અત્યારસુધી એકપણ સત્ર ચાલ્યું નથી.
સિલ્વા, બોલ્સોનારોએ હિંસાની નિંદા કરી
સિલ્વાએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને બ્રાસિલિયામાં થયેલી હિંસાને અસંસ્કારી ગણાવી હતી. તેમણે કહ્યું- સુરક્ષામાં ખામી હતી, ત્યારે જ બોલ્સોનારોના સમર્થકો સંસદમાં ઘૂસી ગયા. આ લોકો જ રાજકારણને નિમ્ન બનાવે છે. હિંસામાં સામેલ તમામને સજા થશે.
બોલ્સોનારોએ ટ્વિટર પર તેમના સમર્થકોની પણ નિંદા કરી. તેમણે લખ્યું- લોકશાહીમાં વિરોધ હંમેશાં શાંતિપૂર્ણ રીતે અને કાયદાના ડરથી થવો જોઈએ. આજે સરકારી ઇમારતો પરના હુમલાઓ અને 2013 અને 2017માં થયેલા હુમલા ગેરકાયદે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.