ગયું આખું વર્ષ મહામારી અને તણાવના કારણે વિશ્વમાં લાખો લોકોની ઊંઘ પર નકારાત્મક અસર પડી. જે લોકો આ મુશ્કેલીમાંથી પસાર થયા છે, તેમની ખરાબ ઊંઘની અસર મૂડ, યાદશક્તિ અને એકાગ્રતા પર પડી શકે છે. જોકે, કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે, અપૂરતી અને સારી ઊંઘના અભાવે શરીરમાં શુગર લેવલ અને ચરબી પણ વધી શકે છે.
મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે તણાવ અને અનિદ્રાથી શરીરમાં હોર્મોન સંતુલન ખોરવાઈ જાય છે. તેનાથી બ્લડ શુગર અને કમરની આસપાસ ચરબી પણ વધી જાય છે. આ તણાવની સ્થિતિમાં ચોકલેટ, બિસ્કિટ જેવી ગળી ચીજવસ્તુ ખાવાની ઈચ્છા થાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડૉ. માઈકલ મોસ્લેના મતે, બ્રિટન અને અમેરિકા જ નહીં, દુનિયાભરના દેશોમાં લૉકડાઉનના કારણે અનેકનું વજન ઘણું વધ્યું હતું. બ્રિટનમાં તો 1.4 કરોડ લોકો પ્રિ-ડાયાબિટીસ એટલે કે શુગર લેવલ વધવાની સ્થિતિમાં છે. લોકોની કમર પણ ઝડપથી વધી રહી છે. અમેરિકા-યુરોપિયન દેશોમાં વીસેક વર્ષના લોકોનું વજન તેમની ઉંમર કરતાં ઘણું વધારે છે. લીડ્સ યુનિવર્સિટીમાં મેડિસિનના પ્રો. ઈલેનોર સ્કોટના મતે, જે લોકો સાત કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમનામાં સ્થૂળતા અને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
ઓછી ઊંઘ ભૂખ સાથે સંકળાયેલા હોર્મોન બદલી નાંખે છે, જેનાથી પેટ સતત ખાલી લાગે છે. એ સ્થિતમાં ગળ્યું ખાવાની ઈચ્છા થયા કરે છે. કિંગ્સ કોલેજ લંડનના તાજા સંશોધનમાં પણ દાવો કરાયો છે કે, અનિદ્રાથી પરેશાન લોકો રોજ સરેરાશ 385 કેલરી વધુ ખાય છે. થાકના કારણે ભૂખ સાથે સંકળાયેલા હોર્મોન અને તેની સાથે સંકળાયેલા મસ્તિષ્કનો અમુક હિસ્સો પણ સક્રિય થઈ જાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જે લોકો ચિપ્સ, ચોકલેટ જેવી બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુ ખાવા પ્રેરાય છે, તેમનામાં વધારાની ચરબી પેટની આસપાસ જમા થાય છે. તેનાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધે છે. પરિણામે તે વ્યક્તિ હૃદયને લગતી બીમારીઓનો ભોગ બને છે.
ઓછી ઊંઘ-તણાવથી વજન અને કમર વધવાનું જોખમ પણ વધે છે
નિષ્ણાતોના મતે, ઓછી ઊંઘ અને તણાવથી વજન અને કમર વધવાનું જોખમ વધે છે. તે નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવે છે. તેનું કારણ ફક્ત મનોવૈજ્ઞાનિક દબાણ નથી, પરંતુ કૉર્ટિરોલ (તણાવ સાથે સંકળાયેલા હોર્મોન) પણ શુગર લેવલ વધારે છે. વધેલું કાર્ટિસોલ માંસપેશીઓ અને ટિસ્યૂને ઈન્સ્યુલિન વિરોધી (ઈન્સ્યુલિનને કામ ન કરવા દેવું) બનાવી દે છે. આ સાથે તે લિવરને પણ લોહીમાં વધુ શુગર છોડવા પ્રેરે છે. આ બધું જ રોકવાનો સૌથી કારગર ઉપાય સારી ઊંઘ લઈને તણાવમુક્ત રહેવું, એ જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.