અમેરિકાના રાષ્ટ્રપતિની ટેક્સચોરી:ટ્રમ્પે 2017માં અમેરિકામાં માત્ર 55 હજાર રૂપિયા ટેક્સ ચૂકવ્યો, આ વર્ષે તેમની ફર્મે ભારતમાં 1.07 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો

ન્યૂયોર્કએક વર્ષ પહેલા
ફોટો 2013નો છે, જ્યારે વેન્કુવર હોટલ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી (ડાબે) ડોનાલ્ડ ટ્રમ્પ, પુત્ર અરિક, ઈવાન્કા અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર. - Divya Bhaskar
ફોટો 2013નો છે, જ્યારે વેન્કુવર હોટલ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી (ડાબે) ડોનાલ્ડ ટ્રમ્પ, પુત્ર અરિક, ઈવાન્કા અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર.
  • ટ્રમ્પે છેલ્લાં 15 વર્ષમાંથી 10 વર્ષનો ટેક્સ જમા કર્યો નથી, સ્પષ્ટતા કરતાં કહ્યું- કમાણીથી ઘણું વધુ નુકસાન થયું છે
  • 1970ના દાયકા પછી ટ્રમ્પ પ્રથમ એવા અમેરિકન રાષ્ટ્રપતિ, જેમણે પોતાનું ટેક્સ રિટર્ન જાહેર કર્યું નથી

ધ ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેક્સચોરીનો ઘટસ્ફોટ કર્યો છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, ટ્રમ્પ 2016માં જ્યારે વ્હાઈટ હાઉસ પહોંચ્યા તો એ વર્ષમાં(નાણાકીય વર્ષ 2016-17) તેમણે 750 ડોલર(લગભગ 55,000 રૂપિયા) ટેક્સ ચૂકવ્યો. આ દરમિયાન તેમની ફર્મે ભારતમાં 1,45,400 ડોલર(લગભગ 1.07 કરોડ રૂપિયા) ટેક્સ ચૂકવ્યો. જ્યારે ટ્રમ્પ બીજી વખત ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે તો ટેક્સની ચુકવણીનો મુદ્દો ઊઠ્યો છે.

રિપોર્ટ મુજબ, છેલ્લાં 15 વર્ષમાંથી 10 વર્ષ તેમણે કોઈપણ ટેક્સ જમા કરાવ્યો નથી. આ અંગે ટ્રમ્પે જણાવ્યું છે કે જેટલી તેમણે કમાણી કરી છે એનાથી ઘણું વધારે નુકસાન થયું છે.

ટ્રમ્પે રિપોર્ટને નકલી ગણાવ્યો
ન્યૂયોર્ક ટાઈમ્સના આ રિપોર્ટને ટ્રમ્પે ફગાવી દીધો છે. દરેક વખતની જેમ ટ્રમ્પે પણ આ વખતે આ ન્યૂઝને ફેક ન્યૂઝ ગણાવ્યા. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે પોતાની ખાનગી માહિતી જાહેર કરવી જરૂરી નથી. જોકે રિચર્ડ નિક્સન(1969-74)થી લઈને બરાક ઓબામા(2008-16) સુધીના રાષ્ટ્રપતિઓએ તેમના ખાનગી નાણાકીય વ્યવહારો જાહેર કર્યા છે. જોકે ટ્રમ્પે ઈન્કમ ટેક્સ રિટર્ન બહાર ન પાડીને આ પરંપરાને તોડી છે. 2016ની ચૂંટણીમાં ટેક્સ રિટર્ન અગત્યનો મુદ્દો હતો, તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન પણ આ મુદ્દો છવાયેલો રહ્યો.

ડિબેટથી થોડા સમય પહેલાં આવ્યો રિપોર્ટ
NYTનો આ રિપોર્ટ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે થનારી પરંપરાગત પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલાં આવ્યો છે. પ્રથમ ડિબેટ 29 સપ્ટેમ્બરે ઓહિયોમાં થવાની છે. બીજી ડિબેટ 15 ઓક્ટોબર અને ત્રીજી 22 ઓક્ટોબરે થશે. આ દરમિયાન ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને કેમ્પેનમાં આ રિપોર્ટને લઈને ટ્રમ્પ પર હુમલો કર્યો છે.

ડેમોક્રેટ્સે સોશિયલ મીડિયા દ્વારા ટ્રમ્પની આ વર્તનની ટીકા કરી છે અને કહ્યું, 1970ના દાયકા પછી ટ્રમ્પ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ છે, જેમણે પોતાનું ટેક્સ રિટર્ન જાહેર કર્યું નથી. જોકે કાયદાકીય રીતે આમ કરવું જરૂરી નથી, પરંતુ ટ્રમ્પે અમેરિકાની પરંપરાને તોડી છે.

અન્ય સમાચારો પણ છે...