ઓસ્ટ્રેલિયામાં ભારતવિરોધી ખાલિસ્તાની આંદોલન કાબૂ બહાર થઇ ગયું છે. મેલબોર્નમાં સોમવારે વધુ એક મંદિરને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. અહીંના એલ્બર્ટ પાર્કના મંદિરની દીવાલોને ખાલિસ્તાની સમર્થક અને ભારતવિરોધી નારાથી ભરી દેવામાં આવી હતી. 15 દિવસમાં મંદિરો પર હુમલાની આ ત્રીજી ઘટના બની છે. કોઇ પણ ઘટનામાં હજુ સુધી પોલીસની કાર્યવાહીમાં કોઇની ધરપકડ કરાઇ નથી. આનાથી ખાલિસ્તાન સમર્થકોમાં ભય નથી. ખાલિસ્તાન સમર્થકો દ્વારા મંદિરો પર જોરદાર હુમલા કરવામાં આવી રહ્યા છે.
મંદિરો પરના હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઇ રહ્યા છે. ઇસ્કોન મંદિરના પ્રવક્તા ભક્તદાસે કહ્યું છે કે અમે ભયભીત થયેલા છીએ. હિન્દુ સમુદાયના લોકો હતાશ છે. ક્યાં ફરિયાદ કરવામાં આવે તે બાબત સમજાતી નથી.
ઓસ્ટ્રેલિયન પોલીસ કાર્યવાહીના નામ પર મૌન પાળી રહી છે. હિન્દુ કાઉન્સિલના નાયબ અધ્યક્ષ સુરેન્દ્ર જૈન અને ઓસ્ટ્રેલિયા શીખ એસોસિયેશનના સચિવ ડો. અલબેલ સિંહ કંગે ઘટનાની નિંદા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ભારતીય કોન્સ્યુલેટ જનરલને આ મુદ્દાને ઉઠાવવા માટે સૂચના આપી છે.
ભિંડરાવાલે સમર્થિત ખાલિસ્તાની પોસ્ટરોનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ| મંદિરો પર હુમલાનું કારણ 29મી જાન્યુઆરીનાં દિવસે મેલબોર્નમાં થનાર ખાલિસ્તાન જનમત સંગ્રહને ગણવામાં આવે છે. એક સમુદાયનાં નેતાએ કહ્યું છે કે, જાન્યુઆરીની શરૂઆતમાં ભિંડરાવાલેનાં સમર્થનવાળા ખાલિસ્તાની પોસ્ટરો લગાવાયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક વહીવટીતંત્રને પત્ર લખીને રજૂઆત પણ કરાઇ હતી. જો કે તંત્રે પોસ્ટરોને દુર કર્યા ન હતા. કેટલાક સ્થળો પર ખાલિસ્તાની પોસ્ટરો પર પેન્ટ કરવાની કાર્યવાહી કરાઇ હતી. ત્યારબાદથી જ મંદિરો પર ભારત વિરોધી નારા લખવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.