• Home
  • International
  • Third mission today in 11 days; Preparing to fly a ‘helicopter’ on Mars for the first time

11 દિવસમાં ત્રીજું મંગળ મિશન / પરસેવર્ન્સ રોવર લોન્ચ, તાજેતરમાં જ UAEએ હોપ અને ચીને તિયાનવેન-1 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા

પરસેવર્ન્સમાં 7 ફુટનો રોબોટિક હાથ, 19 કેમેરા અને એક ડ્રિલ મશીન પણ છે, જે મંગળની સપાટીના ફોટો, વીડિયો અને નમૂના લેશે
X

  • પરસેવર્ન્સમાં બે ઉપકરણ છે - 1000 કિલોનું રોવર અને 2 કિલોનું ડ્રોન જેવું નાનું હેલિકોપ્ટર
  • આ પહેલા 19 જુલાઈના રોજ UAEએ અને 23 જુલાઈના રોજ ચીને પોત-પોતાના મિશન મંગળ ગ્રહ માટે રવાના કર્યા હતા

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 03:10 PM IST

વોશિંગ્ટન. અમેરિકાનું ‘પરસેવર્ન્સ’ યાન મંગળ માટે ગુરૂવારે રવાના થઈ ગયું છે. આ દુનિયામાં છેલ્લા 11 દિવસમાં ત્રીજું ‘મંગળ મિશન’ છે. આ અગાઉ 19 જુલાઈના રોજ UAEએ અને 23 જુલાઈના રોજ ચીને પોત-પોતાના મિશન મંગળ ગ્રહ રવાના કર્યા છે. મંગળ પર પહોંચવાની સ્પર્ધામાં વર્તમાન ત્રણેય મિશન નવા અને રસપ્રદ ઉદ્દેશ્યો સાથે જઈ રહ્યા છે. જેમાં પાણીની શોધ, ઓક્સિજન બનાવવાથી માંડીને ઈતિહાસમાં પ્રથમ વખત મંગળ પર હેલીકોપ્ટર ઉડાડવાનો પ્રયાસ છે.

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ તેમના મંગળ મિશનને ફ્લોરિડાના કેપ કેનેવરલ એરફોર્સ સ્ટેશનથી લોન્ચ કર્યું હતું. અમેરિકાના સમય પ્રમાણે સવારે 7.50 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સાંજે 5.20 વાગ્યે) મિશન લોન્ચ કરવામા આવ્યું હતું. 18 ફેબ્રુઆરી 2021ના રોજ તે મંગળના જેજેરો ક્રેટર પર લેન્ડ થશે. આ મિશન મંગળના સમય પ્રમાણે એક વર્ષ (પૃથ્વીના 687 દિવસ) સુધી ચાલશે. આ મિશન અંતર્ગત પહેલી વખત મંગળમાં એક નાનું હેલિકોપ્ટર ઉડાડવામાં આવશે.

પરસેવર્ન્સ, અમેરિકા : ઓક્સિજન બનાવશે, નમૂના લેશે અને પાણી પણ શોધશે
વિશેષતા :
પરસેવર્ન્સમાં બે ઉપકરણ છે - 1000 કિલોનું રોવર અને 2 કિલોનું ડ્રોન જેવું નાનું હેલિકોપ્ટર, જે રોવરના સંપર્કમાં રહેશે. સોલર પેનલ, કાર્બન બ્લેડ જે ગતિ આપશે અને એન્ટેના. રોવર પ્લૂટોનિયમ પાવરનો ઉપયોગ કરશે, જે લગભગ 10 વર્ષ ચાલશે. તમાં 7 ફુટનો રોબોટિક હાથ, 19 કેમેરા અને એક ડ્રિલ મશીન પણ છે, જે મંગળની સપાટીના ફોટો, વીડિયો અને નમૂના લેશે.

શું કરશે : કાર્બન ડાયોક્સાઈડમાંથી ઓક્સિજનનું નિર્માણ, હવામાનનો અભ્યાસ, જેનો મંગળ યાત્રી સામનો કરશે. પાણીની શોધ. માર્સ એનવાયર્નમેન્ટલ ડાયનેમિક્સ એનાલાઈઝરની માહિતી આપશે કે, મંગળની સ્થિતિ મનુષ્યને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. તાપમાન, વાયુનું દબાણ, રેડિએશન, ધૂળનો અભ્યાસ કરશે.

તિયાનવેન-1, ચીન : પ્રથમ મિશન જે પરિક્રમા કરશે, લેન્ડ કરશે, રોવરનું પણ કામ કરશે
વિશેષતા :
તિયાનવેનનો અર્થ છે સ્વર્ગને સવાલ. વજન 5000 કિલો. ઓર્બોટર, લેન્ડર અને રોવર મુખ્ય છે. પેરાશૂટ જે રોવરને સરળતાથી ઉતરવામાં મદદ કરશે. કેમેરા, 4 સોલર પેનલ. સોફ્ટ લેન્ડિંગ માટે પેરાશૂટ, પથરાળ- ઊંચી-નીચી સપાટી પર રોકાવા અને સ્પીડ કરવા માટે કેપ્સૂલ અને રેટ્રો-રોકેટ. ક્રૂઝ શિપ જેમાં 7 રિમોટ સેન્સિંગ ઉપકરણ છે.

શું કરશે : 2-3 મહિના ચક્કર કાપશે. તેનાથી લેન્ડિંગની સ્થિતિ ખબર પડશે અને નિષ્ફળતા રોકી શકાશે. ક્રૂઝ શિપ રિમોટ સેન્સિંગ ઉપકરણો દ્વારા મંગળનો અભ્યાસ, પથ્થરોનું વિશ્લેષણ, પાણી કે બરફની શોધ કરશે. પ્રથમ મિશન જે મંગળનું ચક્કર કાપશે, લેન્ડ કરશે અને રોવરનું પણ કામ કરશે.

હોપ ઓર્બિટર, યુએઈ : મંગળ પર પાણી કેવી રીતે અને ક્યાં ગયું તે શોધશે
વિશેષતા :
યુએઈનું પ્રથમ મંગળ મિશન. જાપાનના તનેગાશિમા અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ. ઊંચાઈ 6 ફૂટ અને વજન લગભગ 1360 કિલો. ગરમીથી બચાવતા કવચ, સોલર પેનલ જે લોન્ચ પછી જાતે જ ફેલાઈ જશે અને સૂર્યના પ્રકાશથી ચાર્જ થતી રહેશે. એન્ટેના જે ધરતી પર સંપર્ક કરશે. આ ઉપરાંત, હાઈ રિઝોલ્યુશન કેમેરો, ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર અને ત્રીજું ઉપકરણ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોમીટર.

શું કરશે : તે ઓર્બિટમાં ફરતું રહેશે. ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર ધૂળ, બરફ, વાદળ, ભેજનો અભ્યાસ કરશે. આ ધૂળના લીધે મંગળનું તાપમાન પ્રભાવિત થાય છે. હાઈડ્રોજન, કાર્બન મોનોક્સાઈડ અને ઓક્સીજનની શોધ કરશે. મનાય છે કે, મંગળ પર પહેલા પાણી હતું. હોપ શોધશે કે એ પાણીનું શું થયું?

(સ્રોત : નાસા, ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, મોહમ્મદ બિન રાશિદ સ્પેસ સેન્ટર, યુએઈ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી