ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:શ્રીલંકામાં એમ્બ્યુલન્સ માટે પેટ્રોલ-ડીઝલના પણ ફાંફા

કોલંબો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરું બન્યું

શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. દેખાવકારોએ રાષ્ટ્રપતિભવન, સચિવાલય અને વડાપ્રધાન નિવાસ પર અડિંગો જમાવ્યો છે. દેખાવકારોની માંગ છે કે જ્યાં સુધી વડાપ્રધાન-રાષ્ટ્રપતિ રાજીનામું નહીં આપે ત્યાં સુધી નહીં હટે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સાએ સ્પીકરને જાણ કરી છે કે તે બુધવારે પદ છોડી દેશે. રાજકીય અસ્થિરતાને કારણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સાથેના સોદામાં પણ વિલંબ થવાની આશંકા છે અને વિદેશથી આર્થિક સહકાર વગર શ્રીલંકાની હાલત સતત કફોડી બની રહી છે.

પેટ્રોલ-ડીઝલની અછતથી 83 વિસ્તારોમાં ‘સુવા સેરિયા એમ્બ્યુલન્સ’ સેવા સ્થગિત કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું કે, અમે જનતાને અમને કોલ ના કરવાનો અનુરોધ કરીએ છીએ કારણ કે અમે સેવા આપવામાં અસમર્થ છીએ. હોસ્પિટલોમાં લાઇફ સેવિંગ ડ્રગ્સની પણ અછત છે. પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, 15-17 જુલાઇના રોજ ડીઝલ અને 22-24 જુલાઇ દરમિયાન પેટ્રોલનો સ્ટોક આવવાની આશા છે. એટલે કે તેની પહેલાં સ્થિતિમાં સુધારો થાય તેવા કોઇ સંકેતો નથી. બીજી તરફ, મુખ્ય વિપક્ષે વચગાળાના રાષ્ટ્રપતિ પદ માટે સજિથ પ્રેમદાસાનું નામાંકન કરવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષ એસજેબી પાસે 50 સાંસદ છે અને તેમને 113 સાંસદોનું સમર્થન જોઇએ છે. જો રાષ્ટ્રપતિ ગોટાબાયા 13 જુલાઇના રોજ પદ છોડે છે તો 20 જુલાઇના રોજ નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.

સ્પીકરે કહ્યું રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધો છે, બાદમાં કહ્યું કે - તે દેશમાં જ છેઃ દેખાવકારોને સૈન્ય અને બૌદ્વ નેતાઓનું સમર્થન મળી રહ્યું છે, જે ક્યારેક ગોટાબાયાની નજીકના હતા. દેખાવોમાં ભાગ લઇ રહેલા ફિલ્ડ માર્શલ સરથ ફોન્સેકા કહે છે કે, લોકો અને યુવાઓએ મને સંઘર્ષમાં સામેલ થવાની તક પૂરી પાડી એ ગર્વની બાબત છે. આ વચ્ચે સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધને કહ્યું કે, રાષ્ટ્રપતિ ગોટાબાયાએ દેશ છોડી દીધો છે અને બુધવાર સુધી પરત ફરશે. જોકે, બાદમાં સ્પીકરે પલટી મારતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ અત્યારે દેશમાં જ હાજર છે.

સમુદ્રથી ઘેરાયેલા આ ટાપુ પર લોકો ભૂખમરો અને કુપોષણથી પીડિત
અહીં સ્થિતિ એટલી કથળી છે કે લોકો ભૂખમરો અને કુપોષણથી પીડિત છે. ગરીબ વસતી સામૂહિક રીતે લાકડાના ચૂલા પર ચોખા પકવી રહ્યા છે. લોકોને માત્ર એક ટંકનું ભોજન માંડ મળી રહ્યું છે. દાળની કિંમત પણ ત્રણ ગણી વધી હોવાથી તે લોકોની થાળીમાંથી ગાયબ થઇ ચૂકી છે. વિધિની વક્રતા એ છે કે સમુદ્રથી ઘેરાયેલા આ ટાપુ પર માછલીઓ પકડવા માટે લોકો અસમર્થ છે કારણ કે, ડીઝલની અછતથી હોડી સમુદ્રમાં માછીમારી માટે જઇ નથી શકતી. અનેક લોકો માટે હવે આ સંકટ વધુ ઘેરું બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...