વાયુ પ્રદૂષણની સ્થિતિ વણસી:દેશમાં બદતર પ્રદૂષિત શહેર 102થી વધીને 132 થયાં

વોશિંગ્ટન9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત ઝેરી હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યું છે. આ સમસ્યા ઉકેલવા રાષ્ટ્રીય કાર્યક્રમના લૉન્ચિંગ બાદ સ્મોગથી અસરગ્રસ્ત શહેરોની સંખ્યા ઘટવાના બદલે વધી છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઇએ)ના રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ 2019માં લૉન્ચ કરાયો ત્યારે 102 શહેરમાં પ્રદૂષણનું સ્તર રાષ્ટ્રીય માપદંડથી નીચે હતું.

હવે તેવાં શહેરોની સંખ્યા 132 થઇ ગઇ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મર્યાદિત નાણાકીય સહાય, મેટલ સ્મેલ્ટર્સથી માંડીને ઓઇલ રિફાઇનરી સહિતના ઉદ્યોગો માટે કડક માપદંડોનો અભાવ અને વધુ મોનિટરિંગ સ્ટેશનોની સ્થાપનાના કામની ધીમી ગતિ સહિતની બાબતો હવાની ગુણવત્તા સુધારવામાં અવરોધરૂપ બની રહી છે.

રિપોર્ટ તૈયાર કરનારા શિવાંશ ઘિલ્ડિયાલ અને સુનીલ દાહિયાનું કહેવું છે કે પ્રદૂષણ પર નિયંત્રણનાં લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે યુદ્ધના ધોરણે કામ કરવું જોઇએ. બધાં જ સેક્ટર્સમાં કડક પગલાં ભરવા જોઇએ. ભારતની રાષ્ટ્રીય રણનીતિનું લક્ષ્ય પાર્ટિક્યુલેટ મેટર (પીએમ) એમિશન 2024 સુધીમાં 2017ના સ્તરથી 30% સુધી ઘટાડવાનું છે. અત્યાર સુધીમાં અમુક શહેરોએ જ યોજના ઘડી છે. કેન્દ્રએ કોલસા આધારિત વીજમથકોમાં પ્રદૂષણના માપદંડો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવી છે અને કોલસાની ખપત ઘટાડવાની કોઇ તારીખ પણ નક્કી નથી કરી. દેશની 70% વીજળી કોલસા દ્વારા ઉત્પન્ન થાય છે.

90% વસતી એવાં ક્ષેત્રોમાં કે જ્યાં હવા સાવ ખરાબ
દેશની 90%થી વધુ વસતી એવા વિસ્તારોમાં છે કે જ્યાંની હવાની ગુણવત્તા WHOના માપદંડોથી નીચે છે. કોલસા આધારિત વીજમથકો, કારખાનાં, વાહનો પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત છે. શિયાળામાં પરાળી બળાતાં સમસ્યા વધુ ગંભીર બને છે. 2020માં વિશ્વનાં સૌથી પ્રદૂષિત 10 શહેરમાંથી 9 ભારતનાં હતાં.

પ્રદૂષણથી 16 લાખ લોકોનાં અકાળે મોત
અનુમાન છે કે વાયુ પ્રદૂષણથી 2019માં 16.70 લાખ લોકોનાં અકાળે મોત થયાં. સ્વાસ્થ્ય પાછળ વધુ ખર્ચ, ઉત્પાદકતામાં નુકસાનથી અર્થતંત્ર પર બોજ પડ્યો.

અન્ય સમાચારો પણ છે...