તમે જે સ્પોર્ટ્સ શૂઝ પહેરો છો તેમાં 98% હિસ્સાની બનાવટ પ્લાસ્ટિક કમ્પાઉન્ડમાંથી થાય છે અને માત્ર 1% જ રિસાઇકલ થઇ શકે છે. વાર્ષિક સ્તરે વિશ્વભરમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ફેશન ઇન્ડસ્ટ્રીની હિસ્સેદારી 10% છે. ભારતીય સ્ટાર્ટ-અપે તે માટેનો નિકાલ શોધ્યો છે. ફૂટવેર ડિઝાઇનર રવિ શેખરની જૂતાંની ડિઝાઇન પ્લાન્ટ બેઝ્ડ છે. એટલે કે તેની બનાવટ છોડમાંથી કરાઇ છે અને તે સંપૂર્ણપણે બાયો-ડિગ્રેડેબલ છે.
રવિ શેખર જણાવે છે કે, આ ફૂટવેરને તૈયાર કરવા માટે રિસર્ચ પાછળ સૌથી વધુ સમય લાગ્યો હતો જેમાં આઇઆઇટી ચેન્નાઇએ મદદ કરી હતી. તેઓએ ડિઝાઇન કરેલા જૂતાંનો ઉપરી ભાગ અનાનસના પાનમાંથી બને છે. સ્પેનમાં તેનું ઉત્પાદન થાય છે. પ્રાકૃતિક રંગો તેમજ ઝીરો ટૉક્સિકથી તેને અનેકવિધ રંગો આપવામાં આવે છે. જૂતાંની રિબન વાંસમાંથી બને છે અને યૂકેલિપ્ટસની લિયનનથી જૂતાંની સુંદરતાને વધારવામાં આવે છે. જૂતાંના સોલનો અંદરનો ભાગ કેસ્ટર બીન ઑયલથી બને છે અને સોલનો બહારી ભાગ પ્રાકૃતિક રબર અને કૉકથી બને છે. ખાંડના ઉત્પાદન બાદ ફેંકી દેવામાં આવતા શેરડીના ભાગમાંથી ફોમ બનાવાય છે. 10 અલગ અલગ દેશોમાં આ સમગ્ર ઉત્પાદન થાય છે.
બિહારના મધુબનીમાં રહેતા રવિએ મોટા ભાઇના સૂચન પર નોઇડાની ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરી પરંતુ તેનું ચિત્ત માત્ર ફેશનની દુનિયામાં જ હતું. રવિએ ઇટાલીના મિલાનમાં એસડીએ બોકોની સ્કૂલ ઑફ મેનેજમેન્ટથી ફેશન ડિઝાઇન અને લક્ઝરી મેનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરી. આ બાદ દુબઇમાં ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિની કંપની જેવેનની સાથે કેટલાક દિવસ કામ કર્યું. અહીંયા ફૂટવેર નિર્માણમાં વપરાશ કરાતી સામગ્રીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું. અહીંયાથી જ તેને સમગ્ર રીતે પ્રાકૃતિક સામગ્રીથી જૂતાંની બનાવટ કરવાનો વિચાર આવ્યો.
2019માં નોકરી છોડી અને રિસર્ચમાં જોડાયા. પોતાના સંપર્કોની મદદથી તેઓએ બ્રાઝીલ, ઓસ્ટ્રિયા, ચીન સહિત અનેક દેશોથી પ્રાકૃતિક સામગ્રીથી જૂતાંના અલગ અલગ હિસ્સા બનાવ્યા. રિસર્ચ પૂર્ણ થયા બાદ માર્ચ 2021માં મિત્ર કનૈયા ઝા સાથે સંયુક્તપણે કંપની ટેરા-એક્સની શરૂઆત કરી.
વેસ્ટ મટીરિયલમાંથી જૂતાં બનાવવા પર રિસર્ચ
ટેરા-એક્સના જૂતાં આંતરરાષ્ટ્રીય લેબ ઇન્ટરટેક દ્વારા ટેસ્ટેડ છે. કંપનીએ ઉત્પાદન માટે તાતા ગ્રુપ સાથે કરાર કર્યા છે. કંપની અન્ય વેસ્ટ મટીરિયલથી જૂતાંની બનાવટ માટે સતત રિસર્ચ કરી રહી છે. અમેરિકા અને યુરોપમાં જૂતાંની કિંમત 3500 થી 5000 રૂપિયા છે. કંપની ભારતના માર્કેટમાં 1500 રૂપિયામાં જૂતાં લૉન્ચ કરવાનું વિચારી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.