તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકટ સમયે સાથ:કોરોના મહામારીમાં ભારતને મદદ કરવા દુનિયા આગળ આવી, જાણો કયો દેશ શું મોકલાવી રહ્યો છે?

2 મહિનો પહેલા

કોરોનારૂપી સુનામીએ ભારતમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં હૉસ્પિટલો ફુલ થઈ ગઈ છે અને ઓક્સિજનની અછતથી દર્દીઓનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. સંકટની આ ઘડીમાં દુનિયાના અનેક દેશો મદદ માટે આગળ આવ્યા છે. આ ઉપરાંત દેશ-દુનિયાના બિન સરકારી સંગઠનો પણ મદદનો ધોધ વહાવી રહ્યા છે.

મિત્ર દેશ અમેરિકા ભારતને વેક્સિન બનાવવા માટેનું રો-મટિરિયલ પૂરું પાડશે. આ ઉપરાંત મેડિકલ ઈક્વીપમેન્ટ્સ અને કોરોના સામે લડતાં સ્વાસ્થ્યકર્મીઓને પણ શક્ય તમામ મદદ કરશે.

આ તરફ બ્રિટને 495 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 140 વેન્ટિલેટર મોકલાવ્યા છે. જ્યારે ફ્રાન્સ ભારતને 8 ઓક્સિજન જનરેટર મોકલાવશે. આ એક જનરેટર 250 બેડની હૉસ્પિટલને સતત 15 વર્ષ સુધી ઓક્સિજન પૂરો પાડી શકે છે. આ ઉપરાંત પ્રથમ જથ્થામાં ઓક્સિજનના 5 કન્ટેઈનર, 28 વેન્ટિલેટર અને ઇલેક્ટ્રિક સિરિન્જના 200 પમ્પ મોકલાવશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા 500 વેન્ટિલેટર, 10 લાખ સર્જિકલ માસ્ક, 5 લાખ P2 અને N95 માસ્ક, 1 લાખ ગોગલ્સ, 1 લાખ જોડી હેન્ડ ગ્લવ્ઝ અને 20 હજાર ફેસ શિલ્ડ મોકલાવશે.

આ કપરા સમયમાં ઈઝરાયેલે પણ ભારતને મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, ઓક્સિજન અને દવાઓ મોકલવાની વાત કરી છે. તો સાઉદી અરેબિયાથી પણ 80 મેટ્રિક ટન ઓક્સિજન ભારત આવી રહ્યો છે. અદાણી જૂથ અને લિંડે કંપનીના સહયોગથી આ કામ થઈ રહ્યું છે. જર્મનીએ પણ ભારત માટે તત્કાલ સહાયતા મિશનની શરૂઆત કરી છે. ચાન્સલર એન્જેલા મર્કેલ કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં તેઓ ભારતની સાથે છે.

27 દેશોના શક્તિશાળી સમૂહ એવા યૂરોપીય સંઘે પણ ઓક્સિજન અને દવા પૂરી પાડવાની ખાતરી આપી છે. જે અંતર્ગત આયર્લેન્ડ 700 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 1 ઓક્સિજન જનરેટર અને 365 વેન્ટિલેટર મોકલાવશે. જ્યારે બેલ્જિયમ- રેમડેસિવિરના 9000 ડોઝ મોકલાવી રહ્યો છે. તો રોમાનિયા પણ 80 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 75 ઓક્સિજન સિલિન્ડર મોકલાવશે. જ્યારે લક્ઝેમ્બર્ગે 58 વેન્ટિલેટર આપવાની વાત કરી છે. સંકટની આ ઘડીએ પોર્ટુગલ રેમડેસિવિરના 5503 વાયલ અને દર અઠવાડિયે 20 હજાર લીટર ઓક્સિજન મોકલાવશે. ખોબા જેવડાં સ્વીડને પણ 120 વેન્ટિલેટર મોકલાવવાની જાહેરાત કરી છે.

આ તરફ સિંગાપુરે ભારતને ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર મોકલાવ્યા છે. જેમાં ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાશે. ભારતના પાડોશી દેશ ભુતાને પણ નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી ભારતને ઓક્સિજન આપવાની ખાતરી આપી છે. આ તરફ ભારતના દુશ્મન દેશ પાકિસ્તાને પણ ભારતને વેન્ટિલેટર અને રાહત સામગ્રી આપવાની વાત કરી છે. જ્યારે ચીને પણ સહાનુભુતિ વ્યક્ત કરી શક્ય તમામ મદદ કરવાની વાત કરી છે. બ્રસેલ્સ જેવો દેશ પણ દવા અને ઓક્સિજન આપવાની વાત કરી ભારતની પડખે ઉભો રહ્યો છે.

આ ઉપરાંત દુનિયાના કેટલાયે સંગઠનો પણ ભારતને મદદ કરી રહ્યા છે. સેવા ઈન્ટરનેશનલ USAએ ભારત માટે 50 લાખ ડોલર ફંડ એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ સંગઠને ભારતને 400 ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ આપશે. સાથેસાથે ભારતીય હૉસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે 'હેલ્પ ઈન્ડિયા ડિફિટ કોરોના' પણ અભિયાન શરૂ કર્યું છે. આ સંગઠન દેશના 10 હજાર પરિવાર અને 1 હજાર અનાથોને ભોજન અને દવા આપે છે. તો અમેરિકન વેપાર સમૂહ, યૂએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમે ભારત માટે 1 લાખ ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઓર્ડર આપ્યો છે.

આ ઉપરાંત સિંગાપુર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એટલે કે, સિક્કી અને લિટ્ટલ ઈન્ડિયા શોપકિપર એસોસિયેશ, લિશા પણ ભારત માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે. એટલું જ નહીં પાકિસ્તાનના ઈદહી ફાઉન્ડેશને પણ ભારતને 50 એમ્બ્યુલન્સ આપવાની વાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...