ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડૉઝ કોરોનાને અટકાવવામાં 85થી 90% અસરદાર છે. બ્રિટનના લોકસ્વાસ્થ્ય વિભાગ(પીએચઈ)એ દેશમાં વેક્સિનેશનના આંકડાના વિશ્લેષણ પરથી આ માહિતી શેર કરી હતી. એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડના નામે ભારતમાં લોકોને મોટાપાયે આ વેક્સિન અપાઈ રહી છે.
પીએચઈએ ગુરુવારે સાપ્તાહિક વેક્સિન નિરીક્ષણ રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું કે ઈંગ્લેન્ડમાં વેક્સિનેશનથી 9 મે 2021 સુધી 60 વર્ષ કે તેનાથી વધુના લોકોના 13,000 મોતને અટકાવાયા છે. તેમાંથી 80 વર્ષ અને તેનાથી વધુ વયના લોકોમાં 11,100, 70થી 79 વર્ષના લોકોમાં 1600 અને 60થી 69 વર્ષના લોકોમાં 300 મૃત્યુને અટકાવાયા. કેટલાક અન્ય અહેવાલો અનુસાર ફાઈજર-બાયોએનટેકની વેક્સિન આ મહામારી સામે 90% સુરક્ષા આપે છે.
ફૌસીએ કહ્યું - વેક્સિનના બીજા ડૉઝના એક વર્ષ પછી બૂસ્ટર ડૉઝ લેવો પડી શકે છે
કોરોનાના સંક્રમણથી બચાવ માટે ભવિષ્યમાં લોકોએ વેક્સિનના બે ડૉઝ લીધા પછી પણ એક બૂસ્ટર ડૉઝ લેવાની જરૂર પડશે. અમેરિકી રાષ્ટ્રપતિના મુખ્ય મેડિકલ સલાહકાર એન્ટની ફૌસી અને ફાઈજરના સીઈઓ આલ્બર્ટ બોર્લાએ આ વાત કહી હતી. બંનેએ કહ્યું કે ભવિષ્યમાં લોકોએ વેક્સિનના બે ડૉઝ લીધાના આઠથી 12 મહિનાની અંદર ત્રીજો ડૉઝ લેવો પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.