કેનેડા અને ભારતે બંને દેશ વચ્ચે અમર્યાદિત ફ્લાઈટ્સને મંજૂરી આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ઉત્તર અમેરિકાનો દેશ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એના આર્થિક અને વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા માગે છે.
બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણનો મુખ્ય હેતુ
G-20 સમિટ પહેલાં બિઝનેસ-20 ઈવેન્ટમાં ટ્રુડોએ કહ્યું હતું કે બંને દેશ વચ્ચે સરળ અવરજવર અને વેપાર સુનિશ્ચિત કરવો એ અમારી પ્રાથમિકતા છે. એનાથી રોકાણને પ્રોત્સાહન મળશે. આજે અમે કેનેડા અને ભારત વચ્ચેના કરારની જાહેરાત કરી રહ્યા છીએ, જે અમારા બંને દેશ વચ્ચે અમર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સને મંજૂરી આપશે. ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા ઈન્ડો-પેસિફિકમાં મોટું રોકાણ કરી રહ્યું છે, જે લાંબા ગાળે એની જોડાણને મજબૂત બનાવશે. જેમ કે અમે દક્ષિણપૂર્વ એશિયામાં નવા કેનેડિયન બિઝનેસ ગેટવેમાં રોકાણ કરી રહ્યા છીએ, જે કેનેડિયન વ્યવસાયોને આ ગતિશીલ પ્રદેશમાં બિઝનેસ નેટવર્ક્સ સાથે જોડતાં નવાં બજારોમાં વિસ્તરણ કરવામાં મદદ કરશે. કેનેડા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ મજબૂત સંબંધો બનશે. અને અમે આ સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીશું.
કેનેડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓમર અલખબ્રાએ કહ્યું હતું કે કેનેડા અને ભારત વચ્ચે ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટને લીધે બંને દેશના હવાઈ પરિવહન સંબંધો માટે સકારાત્મક વિકાસ થશે તેમજ માલસામાન અને લોકોની અવરજવરને ઝડપી તથા સરળ બનાવીને કેનેડા-ભારત વચ્ચે વેપાર-રોકાણ વધુ સરળ તેમજ ગતિશીલ બનશે. આ વ્યવસાય વધવાના કારણે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સુદઢ બનશે.
બંને દેશ વચ્ચે સીધી ફ્લાઇટ ઊડશે
આ કરારથી કેનેડાની એરલાઇન્સ બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈના કોઈપણ એરપોર્ટ પર ઉતરાણ કરી શકશે અને એના બદલામાં ભારતીય એર કેરિયર્સને ટોરોન્ટો, મોન્ટ્રિયલ, એડમોન્ટન, વેન્કુવરની સરળતાથી ઉતરાણ કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એર ઈન્ડિયા અને એર કેનેડા બંને દેશ વચ્ચે સીધી ફ્લાઈટ ઉડશે.
ભારત કેનેડાનું ચોથું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન બજાર
કેનેડાનો ભારત સાથેનો પ્રથમ હવાઈ પરિવહન કરાર 1982માં પૂર્ણ થયો હતો અને છેલ્લે 2011માં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. અત્યારે ભારત કેનેડાનું ચોથું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન બજાર છે. આ નવો કરાર કેનેડાની બ્લૂ સ્કાય નીતિ હેઠળ થયો હતો, જે લાંબા ગાળાની ટકાઉ સ્પર્ધા અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓના વિકાસને પ્રોત્સાહિત કરે છે. ઓલ-કાર્ગો સેવાઓ માટેના અધિકારો પહેલેથી જ અપ્રતિબંધિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.