• Gujarati News
  • International
  • The Taliban Kept Saying Recognize, Although The Muslim Countries Did Not Come Forward; 30 Foreign Minister, Deputy Minister Arrived

OIC સમિટ:તાલિબાનો કહેતા રહ્યા કે માન્યતા આપો, જોકે મુસ્લિમ દેશો પણ આગળ ન આવ્યા; 30 વિદેશમંત્રી, ઉપમંત્રી પહોંચ્યા

ઇસ્લામાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
OIC સમિટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
OIC સમિટ - ફાઇલ તસવીર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં રવિવારે ઇસ્લામિક દેશોનું સહયોગ સંગઠન (ઓઆઇસી) સંમેલન યોજાયું. તેનો મુખ્ય એજન્ડા અફઘાનિસ્તાન હતો. તેમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો કરનારા તાલિબાન નેતાઓને પણ બોલાવ્યા. બે વાત ખાસ રહી. પહેલી- અફઘાનિસ્તાન ઓઆઇસીનો હિસ્સો નથી. બીજી- તાલિબાન શાસનને વિશ્વના એકેય દેશે માન્યતા નથી આપી.

સંમેલનમાં વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાનું નામ લીધા વિના તેને અફઘાનિસ્તાન સમસ્યા માટે જવાબદાર ગણાવતાં કહ્યું કે અફઘાનિસ્તાનની સમસ્યા માનવસર્જિત છે. તેને સમયસર ઉકેલવામાં નહીં આવે તો તબાહી સર્જાશે. તેમણે અમેરિકાને આગ્રહ કર્યો કે તે 4 કરોડ અફઘાન નાગરિકોને તાલિબાનથી અલગ કરીને જોવે અને માનવીય સહાય મોકલવા તત્કાળ કાર્યવાહી કરે.

તાલિબાન તરફથી વચગાળાના વિદેશમંત્રી આમિર મુત્તાકીએ કહ્યું કે વિશ્વએ હવે અમારા શાસનને માન્યતા આપતા ખચકાવું ન જોઇએ. આ અમારો હક છે, જે અમને મળવો જોઇએ. તેનાથી બેહાલ અફઘાન જનતાને પરેશાનીઓથી મુક્ત થવામાં મદદ મળશે. જોકે, તેમની આ અપીલ અંગે સંમેલનમાં હાજર ઓઆઇસીના નેતાઓએ મૌન ધારણ કરી લીધું.

તુર્કીના વિદેશમંત્રી મેવ્લુત કવુસોગ્લુએ કહ્યું કે અફઘાનીઓને મદદ કરવી આપણું ધાર્મિક કર્તવ્ય છે. સંમેલનમાં 57 ઇસ્લામિક દેશના 20 વિદેશમંત્રી અને 10 ઉપમંત્રી સહિત 70 દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા. અત્યાર સુધીમાં આવા 16 સંમેલન થઇ ચૂક્યા છે પણ તેમાં કોઇ પરિણામ નથી આવી શક્યું. પાકિસ્તાને 1980માં પણ આવી જ બેઠક યોજી હતી.

ફરી રાગ આલાપ્યો: અફઘાનિસ્તાન અંગે વાત કરતા ઇમરાને ફરી પાક.ને નુકસાનનો રાગ આલાપ્યો. તેઓ લગભગ દરેક આં.રા. મંચ પર આવી વાતો કરતા આવ્યા છે. તેમણે કહ્યું કે વિશ્વએ ભૂલવું ન જોઇએ કે અફઘાન જંગમાં પાક.ના પણ 80 હજાર નાગરિક માર્યા ગયા. અમારા અર્થતંત્રને ભારે નુકસાન થયું.

અફઘાનિસ્તાનને સાઉદી અરેબિયા 2 હજાર કરોડ રૂ.ની માનવીય સહાય કરશે
સંમેલનમાં સાઉદીના વિદેશમંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અબ સઉદે જાહેરાત કરી કે સાઉદી માનવતાના ધોરણે અફઘાનિસ્તાનને 1 અબજ રિયાલ (અંદાજે 2025 કરોડ રૂ.)ની મદદ કરશે. તેમણે કહ્યું કે અફઘાનીઓની હાલત બદતર છે. તેઓ મદદ માટે આપણી પાસેથી આશા રાખી રહ્યા છે. આ રકમ અફઘાનિસ્તાનના વિકાસ માટે ખર્ચાશે. અમે અફઘાનિસ્તાનમાં શાંતિ અને વિકાસ ઇચ્છીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...