વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોનાનો નવા વેરિયન્ટ ઓફ કંસર્ન (VOC) વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (VOI)નું નામ ગ્રીક આલ્ફાબેટ્સના ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. આ આધારે સૌથી પહેલા જે કોરોના વેરિયન્ટ ભારતમાં મળ્યો, તેને ડેલ્ટા કહેવાશે, જ્યારે, આ પહેલા મળેલા વર્ઝનને કપ્પા કહેવાશે.
WHOનાં કોવિડ-19 ટેકનિકલ હેડ ડો.મારિયા વેન કરખોવે જણાવ્યું હતું કે આ લેવલથી હાલના વૈજ્ઞાનિક નામો પર કોઈ અસર થશે નહીં. તેમની પાસેથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત થાય છે અને રિસર્ચ માટે તેનો ઉપયોગ ચાલુ રહેશે. કોઈ પણ દેશને કોરોનાના વેરિયન્ટ શોધવા અથવા માહિતી આપવા બદલ સજા થવી જોઈએ નહીં.
વાયરસને ઇન્ડિયન વેરિયન્ટ કહેવા બાબતે સરકારે વાંધો ઉઠાવ્યો હતો
કોરોનાના નવા સ્ટ્રેનને ભારતીય કહેવામાં આવતા સરકારે વાંધો ઉઠાવ્યો હતો. સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે B.1.617 વેરિયન્ટને વિશ્વ માટે ચિંતાજનક જનાવનાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના નિવેદનને અનેક મીડિયા અહેવાલોમાં આવરી લેવામાં આવ્યું છે. તેમાના કેટલાક અહેવાલોમાં આ વેરિયન્ટને ભારતીય કહેવામાં આવ્યો, પરંતુ આ અહેવાલો પાયાવિહોણા છે. સરકારનો દાવો છે કે WHOએ પોતાના 52 પેજના ડૉક્યુમેન્ટમાં B.1.617 વેરિયન્ટની સાથે ક્યાંય પણ ઇન્ડિયન જોડવામાં આવ્યું નથી.
સરકારના દાવાની WHOએ પણ કરી હતી પુષ્ટિ
WHOની દક્ષિણ-પૂર્વ એશિયા ઓફિસ તરફથી જણાવાયુ છે કે તે વાયરસ અથવા વેરિયન્ટને દેશના નામ સાથે જોડવામાં આવતો નથી. પરંતુ ફક્ત તેના વૈજ્ઞાનિક નામ દ્વારા જ ઓળખાય છે અને બધાએ આમ જ કરવું જોઈએ. આ પહેલા WHOએ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ભારતમાં ફેલાઇ રહેલ B-1617 સ્ટ્રેનને વૈશ્વિક સ્તર પર ચિંતાજનક (વેરિયન્ટ ઓફ કંસર્ન) જાહેર કરાયો છે. તેનું કહેવું છે કે આ વેરિયન્ટ વધુ ચેપી લાગે છે અને વધુ સરળતાથી ફેલાઇ શકે છે.
કોરોના બાબતે WHOના પ્રમુખ મારિયા વેન કેરખોવ અનુસાર એક નાના સેમ્પલની સાઇઝ પર કરવામાં આવેલ લેબ સ્ટડીમાં સામે આવ્યું છે કે આ વેરિયન્ટ પર એંટીબોડીઝની ઓછી અસર થઈ રહી છે. પરંતુ તેનો તે અર્થ નથી કે આ વેરિયન્ટમાં વેક્સિન કરતાં વધુ પ્રતિકારક ક્ષમતા છે.
મહારાષ્ટ્ર, દિલ્હીમાં સંક્રમણ વધવાનું કારણ આ જ સ્ટ્રેન
B.1.617 વેરિયન્ટ, જેને ડબલ મ્યૂટેન્ટ પણ કહેવામા આવે છે, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. આ જ કારણે અહી આવેલી મહામારીની બીજી લહેરે વધુ અસર પહોંચાડી છે. દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્રના અનેક મોટા શહેરોમાં જીનોમ સિક્વેસિંગ કરવામાં આવેલ અડધાથી વધુ સેમ્પલમાં B.1.617 વેરિયન્ટ મળ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.