વાઇરસ બેકાબૂ:જાપાનમાં કોરોનાની સાતમી લહેર

ટોક્યો17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાપાનમાં કોરોના વાઇરસનો પ્રકોપ બેકાબૂ થઇ ગયો છે. તે વિશ્વનો એવો પહેલો દેશ બની ગયો છે કે જ્યાં કોરોના સંક્રમણની રેકોર્ડ સાતમી લહેર આવી ચૂકી છે. અત્યાર સુધીમાં અમેરિકાએ જ પોતાને ત્યાં પાંચમી લહેરની જાહેરાત કરી છે. લગભગ સાડાબાર કરોડની વસતીવાળા જાપાનમાં અત્યાર સુધીમાં 81%ને વેક્સિનના ડબલ ડોઝ અપાઇ ચૂક્યા છે જ્યારે 31%ને ચોથો ડોઝ અપાઇ ચૂક્યો છે.

જાપાનમાં ચાર અઠવાડિયાં પહેલાં રોજ અંદાજે 10 હજાર કેસ આવતા હતા પણ હવે રોજ સરેરાશ 1.75 લાખ કેસ આવી રહ્યા છે. હાલ જાપાન માટે રાહતની વાત એ છે કે ત્યાં કોરોના સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર માત્ર 10% છે. તેથી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની લાંબી લાઇનો નથી લાગતી.

વેક્સિનના પણ પૂરતા ડોઝ ઉપલબ્ધ છે. વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ લોકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે હાલના તબક્કે કટોકટી કે અન્ય આકરા પ્રતિબંધો લાદવાની આશંકાને ફગાવી. જાહેર સ્થળો સહિત સ્કૂલ-કોલેજોમાં માસ્ક ફરી ફરજિયાત કરી દેવાયા છે. ટોક્યો યુનિવર્સિટીના પ્રો. અકિડાનું કહેવું છે કે હાલ સરકાર લાૅકડાઉન જેવા પગલાં નહીં ભરે.

70% યુવાઓએ વેક્સિનનો ત્રીજો ડોઝ નથી લીધો
જાપાનના કેન્દ્રીય ચેપીરોગ વિભાગના કાજુહીરો તાકિડોનું કહેવું છે કે જાપાનમાં 12થી 35 વર્ષના યુવાઓમાં વેક્સિનનો ત્રીજો ડોઝ લેવાની અનિચ્છા સામે આવી છે. 2022ની શરૂઆતમાં સરકારે ત્રીજા અને ચોથા ડોઝની જાહેરાત કરી દીધી હતી. તે છતાં 12થી 35 વર્ષના 70% યુવાઓએ હજુ સુધી ત્રીજો ડોઝ નથી લીધો. તાકિડોએ કહ્યું કે ત્રીજો અને ચોથો ડોઝ ફરજિયાત કરવા જોઇએ.

47માંથી 17 પ્રાંતમાં વધુ અસર, ઘણાં આયોજનો રદ
જાપાનના 47માંથી 17 પ્રાંતમાં સંક્રમણના કુલ કેસ પૈકી 50% કેસ છે. આ રાજ્યોમાં આવનારા કેટલાક દિવસોમાં સ્થિતિ ન સુધરે તો કેટલાક પ્રતિબંધો લદાય તેવી આશંકા છે. નગોયા પ્રાંતની ફૂટબોલ ટીમના 9 ખેલાડી સંક્રમિત થતા આયોજન જ રદ કરવા પડ્યાં. સાથે જ જાપાનના મશહૂર સુમો રેસલર હિશાસી મીતાકુમઇ પણ સંક્રમિત થયા છે. તેમણે પણ તેમના તમામ આયોજનો રદ કરી દીધાં છે.

રસીની અસરના સમય અંગે સમિતિ રચાઇ
સંક્રમણના કેસ વધ્યા બાદ સરકારે રસીની અસર કેટલો સમય રહે તે જાણવા નવેસરથી સમિતિ રચી છે. ડો. તાહિડા જોરીના જણાવ્યા મુજબ અત્યાર સુધી એવું મનાતું હતું કે રસીની અસર 6થી 9 મહિના સુધી રહે છે. તેટલો સમય શરીરમાં સંક્રમણ સામે ઇમ્યુનિટી રહે છે પણ જાપાનની 31% વસતીને ચોથો ડોઝ અપાયા પછી પણ સંક્રમણ વધી રહ્યું હોવાથી વેક્સિનના કોમ્બિનેશનની પણ તપાસ કરાઇ રહી છે.
કારણ: ઓમિક્રોનનો બીએ.5 સબ વેરિયન્ટ મ્યુટેટ થયો, ટેસ્ટ પણ વધ્યા
નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોનનો બીએ.5 સબ વેરિયન્ટ જાપાનમાં મ્યુટેટ થયો (બદલાયો) છે. તેથી વાઇરસની સંરચના બદલાઇ છે. તેના કારણે વેક્સિનની પણ ઓછી અસર થઇ રહી છે. જાપાન સરકારે છેલ્લા એક મહિનામાં કોરોના ટેસ્ટ વધાર્યા છે. દર 100 લોકોમાંથી 85ના ટેસ્ટ કરાય છે. તેના કારણે પણ સંક્રમિતોની સંખ્યા અચાનક વધી છે.

અન્ય સમાચારો પણ છે...