ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સેનાએ શાહબાજ સરકારથી હાથ ખેંચ્યા, ચૂંટણીમાં ઝંપલાવવા કહ્યું

ઈસ્લામાબાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનાએ શરીફ સાથે ‘ખેલા’ કરી દીધો
  • નવાઝે કહ્યું- લાડકવાયાની 4 વર્ષની ગંદકી અમારી પર નાખવામાં આવી

પાકિસ્તાનની શાહબાજ શરીફના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ઘેરા સંકટમાં છે અને ઝડપથી ચૂંટણીની સ્થિતિ ઊભી થઈ રહી છે. રાજકીય વિશેષજ્ઞોનો તર્ક એવો છે કે સુપ્રીમકોર્ટના અનપેક્ષિત ચુકાદા બાદ પંજાબ પ્રાંત હાથમાંથી સરકી જવાથી આ સરકારના હવે ગણતરીના દિવસો છે. સાથોસાથ સેનાના ‘તટસ્થ’ વલણના કારણે સરકાર ખુદ પોતાના ભવિષ્યને લઈ આશંકિત જોવા મળી રહી છે.

આ ઉપરાંત, સત્તાધારી પીએમએલ-એનમાં આંતરિક સંઘર્ષ એટલો ઘેરો થઈ ગયો છે કે હવે તેને છુપાવી રાખવો શક્ય નથી. વિશેષમાં, પીએમએલ-એનના સર્વોચ્ચ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફે સેનાની ભૂમિકા અંગે મૌન તોડ્યું છે. તેઓએ સેનાના કહેવાથી પાકિસ્તાનની સ્થિરતા માટે ભરેલાં આકરાં પગલાં (પેટ્રોલના ભાવમાં વૃદ્ધિ અને સખ્ત આર્થિક નિર્ણયો)ની ટીકા કરી છે. પંજાબમાં હાર બાદ સહયોગી દળોની મીટિંગમાં વીડિયો લિન્કના માધ્યમથી જોડાયેલા નવાઝ શરીફે કહ્યું, હું પહેલા દિવસથી જ સરકાર રચવાના પક્ષમાં નહોતો. લાડકવાયા (ઈમરાન ખાન)ની 4 વર્ષની ગંદકી અમારી પર નાખી દેવામાં આવી.

તેમણે ‘સમાધાન’ની નીતિને છોડવાની સૂચના કરતાં કહ્યું, જો આપણે રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરવું છે તો એક સ્પષ્ટ વલણ રાખવું પડશે. આ બેઠકમાં તેમના ભાઈ શાહબાજ શરીફ, મૌલાના ફજલ-ઉર રહમાન અને સહયોગી દળોના અન્ય નેતા હાજર હતા. પીએમએલ-એનના ટોચના નેતાઓનું માનવું છે કે સેના-ન્યાયતંત્ર તરફથી સમર્થન નથી મળી રહ્યું. આવી સ્થિતિમાં સમસ્યાઓ વધી શકે છે. પાર્ટીનું માનવું છે કે સેનાએ તટસ્થતાના નામે તેમની સાથે ડબલ ગેમ રમી. પોલિટિકલ એનાલિસ્ટ તલહટ હુસૈન કહે છે કે જો અમે હાલના સમીકરણ જોઈએ તો સ્પષ્ટ રીતે પીએમએલ-એન હારેલી પાર્ટી છે.

અનેક વિશ્લેષકોનું માનવું છે કે ખરાબ આર્થિક સ્થિતિમાં પીએમએલ-એન જનવિરોધી આકરા પગલાં લેવા માટે સત્તામાં લાવવામાં આવી અને ઈમરાન ખાનને સેના વિરોધી છબિની સાથે રિલોન્ચ કરવામાં આવ્યા. પીએમએલ-એનના નેતા મોહસિન શનવાજ રાંઝાએ ભાસ્કરને જણાવ્યું કે જો ડરી ડરીને વાત કરીશું તો કોઈ પણ અમારી સાથે વાત નહીં કરે.

મરિયમ પિતાના માર્ગે, સેના-કોર્ટ સામે સવાલ ઊભા કરી રહી છે
પંજાબમાં મુખ્યમંત્રી મામલામાં સુપ્રીમકોર્ટે સત્તાધારી સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો અને પછી ચૂંટણીમાં પીટીઆઇએ ગઠબંધન દળોને ધૂળ ચટાવી દીધી. ત્યારબાદ પીએમએલ-એને ઈમરાન ખાન અને તેમની પાર્ટીનું સમર્થન કરવા માટે સર્વોચ્ચ ન્યાયાધીશોની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. પીએમએલ-એનની ઉપાધ્યક્ષ મરિયમ નવાજે તેને ન્યાયિક તખ્તાપલટો ગણાવ્યો અને કહ્યું કે આવા ચુકાદાઓથી અરાજકતાને પ્રોત્સાહન મળશે. પોલિટિકલ એનાલિસ્ટનું કહેવું છે કે શાહબાજ સરકારની પાસે એક જ વિકલ્પ છે કે ઓક્ટોબરમાં સંસદ ભંગ કરીને ચૂંટણી માટે જવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...