અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું મુન મિશન 'આર્ટેમિસ-1' લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સવારે 12.17 વાગ્યે ઉડાન ભરી છે. આ પહેલા 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે પણ લોન્ચિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ટેક્નિકલ ખામીઓ અને ખરાબ હવામાનને કારણે તેને ટાળવું પડ્યું હતુ.
જણાવીએ કે સવારથી રોકેટમાં હાઈડ્રોજન લીક થઈ રહ્યું હતું, જેને વૈજ્ઞાનિકોએ સમયસર સુધારી લીધું હતું. આ પહેલા રવિવારની પ્રેસ બ્રીફિંગમાં આર્ટેમિસ મિશન મેનેજર માઇક સેરાફીને જણાવ્યું હતું કે ફ્લોરિડામાં હાલમાં આવેલા વાવાઝોડા નિકોલને કારણે અવકાશયાનને નુકસાન થયું હતુ. અવકાશયાનના એક ભાગને નુકસાન થતાં ઢીલો પડીને છૂટો પડી ગયો હતો.આ કારણે લિફ્ટ ઓફ દરમિયાન સમસ્યા આવી શકે છે. એટલા માટે અમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી હતી.
નાસાના આર્ટેમિસ મિશનને 5 પોઈન્ટ્સમાં સમજો...
1. આર્ટેમિસ મિશન માનવને ચંદ્ર પર મોકલશે
અમેરિકા 53 વર્ષ બાદ ફરી એકવાર આર્ટેમિસ મિશન દ્વારા ચંદ્ર પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. એને ત્રણ ભાગમાં વિભાજિત કરાયું છે. આર્ટેમિસ-1, 2 અને 3. આર્ટેમિસ-1નું રોકેટ ચંદ્રની ભ્રમણકક્ષામાં જશે, કેટલાક નાના ઉપગ્રહો છોડશે અને પછી પોતે જ ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ જશે.
2024ની આસપાસ આર્ટેમિસ-2 લોન્ચ કરવાની યોજના છે. કેટલાક અવકાશયાત્રીઓ પણ આમાં જશે, પરંતુ તેઓ ચંદ્ર પર પગ નહીં મૂકે. તેઓ ચંદ્રની ભ્રમણકક્ષામાં ફર્યા પછી જ પરત આવશે. આ મિશનનો સમયગાળો વધુ લાંબો હશે.
આ પછી અંતિમ મિશન આર્ટેમિસ-3 રવાના કરવામાં આવશે. આમાં જતા અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઊતરશે. આ મિશન 2025 અથવા 2026માં લોન્ચ થઈ શકે છે. પ્રથમ વખત મહિલાઓ પણ હ્યુમન મૂન મિશનનો ભાગ લેશે. આમાં પર્સન ઓફ કલર (શ્વેતથી અલગ જાતિનો માણસ) પણ ક્રૂ-મેમ્બર હશે. અવકાશયાત્રીઓ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં રહેલાં પાણી અને બરફ પર સંશોધન કરશે.
2. નાસા માટે આર્ટેમિસ-1 મિશન પરીક્ષણ ફ્લાઇટ
આર્ટેમિસ-1 ફ્લેગશિપ મિશન માટે એક પરીક્ષણ ફ્લાઇટ છે, જે કોઈપણ અવકાશયાત્રીઓને મોકલશે નહીં. આ ઉડાન સાથે વૈજ્ઞાનિકોનો ઉદ્દેશ ચંદ્ર પર અવકાશયાત્રીઓ માટે યોગ્ય સ્થિતિ સુનિશ્ચિત કરવાનો છે. મિશન હેઠળ નાસાની 'સ્પેસ લોંચ સિસ્ટમ (SLS) મેગારોકેટ' અને 'ઓરિયન ક્રૂ કેપ્સ્યૂલ' ચંદ્ર પર પહોંચશે.
અવકાશયાત્રીઓ સામાન્ય રીતે ક્રૂ-કેપ્સ્યૂલમાં રહે છે, પરંતુ આ વખતે એ ખાલી હશે. આ મિશન 42 દિવસ, 3 કલાક અને 20 મિનિટનું છે, ત્યાર બાદ એ પૃથ્વી પર પરત ફરશે. અવકાશયાન કુલ 20 લાખ 92 હજાર 147 કિલોમીટરનું અંતર કાપશે.
3. આર્ટેમિસ 50 વર્ષ જૂના અપોલો મિશનથી અલગ છે
અપોલો મિશનની છેલ્લી અને 17મી ફેલાઈટે 1972માં ઉડાન ભરી હતી. સોવિયત યુનિયનને હરાવવા માટે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જેએફ કેનેડી દ્વારા આ મિશનની કલ્પના કરવામાં આવી હતી. તેમનું ધ્યેય અમેરિકાને વિજ્ઞાન અને ટેક્નોલોજીક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાને સ્થાપિત કરવાનું હતું. જોકે લગભગ 50 વર્ષ પછી માહોલ અલગ છે.
હવે અમેરિકા આર્ટેમિસ મિશન દ્વારા રશિયા કે ચીનને હરાવવા માગતું નથી. નાસાનો હેતુ પૃથ્વીની બહાર સ્થિત વસ્તુઓનું સંપૂર્ણ અન્વેષણ કરવાનો છે. ચંદ્ર પર જઈને વૈજ્ઞાનિકો ત્યાંનાં બરફ અને માટીમાંથી ઈંધણ, ખોરાક અને ઈમારતો બનાવવાનો પ્રયાસ કરવા ઈચ્છે છે.
4. આર્ટેમિસ મિશનનો ખર્ચ રૂ. 7,434 અબજ છે
NASA ઑફિસ ઑફ ધ ઇન્સ્પેક્ટર જનરલના ઑડિટ મુજબ, 2012 થી 2025 સુધી, પ્રોજેક્ટનો ખર્ચ 93 બિલિયન ડોલર એટલે કે (રૂ. 7,434 અબજ)નો ખર્ચ થશે. જ્યારે, દરેક ફ્લાઇટનો ખર્ચ 4.1 અબજ ડોલર એટલે કે 327 અબજ રૂપિયા થશે. આ પ્રોજેક્ટ પર અત્યારસુધીમાં 37 બિલિયન ડોલર એટલે કે 2,949 અબજ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.
5. નાસાનું માનવ મિશન ચંદ્ર દાયકાઓ સુધી ટળી રહ્યું હતું
SLS રોકેટની યોજના 2010માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવી હતી. તેઓ અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવા માગતા હતા, પરંતુ મિશનમાં વિલંબ થતાં સરકારે એને બંધ કરવાનો નિર્ણય કર્યો.
જોકે યુએસ સંસદે મિશનને જીવંત રાખ્યું. નાસાને SLS રોકેટ અને ઓરિઅન ક્રૂ-કેપ્સ્યૂલનું આયોજન ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ અંતર્ગત 2016માં આ રોકેટ લોન્ચ થવાનું હતું. વધુ વિલંબ પછી ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે સત્તાવાર રીતે 2017માં આર્ટેમિસ મિશનનું નામ આપ્યું.
2019માં નાસાએ કહ્યું હતું કે રોકેટને તૈયાર કરવામાં હજુ એક વર્ષ લાગશે. આ વર્ષે એક સરકારી રિપોર્ટમાં નાસાનું મિશનમાં થઈ રહેલા વિલંબથી સરકારને અબજો ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે. આમ છતાં આર્ટેમિસ મિશનને સફળ બનાવવાના પ્રયાસો ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.