તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ઉંદર નિવૃત્ત થયો:કમ્બોડિયામાં હજારો લોકોનો જીવ બચાવનાર ઉંદર હવે સેવા નિવૃત્ત; અનેક અવૉર્ડથી સન્માન મેળવી ચૂક્યો છે

નોમ પેન્હ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માગાબાને જ્યાં લેન્ડમાઇના વિસ્ફોટકની આશંકા હોય ત્યાં તે અટકી જતો, ત્યાર બાદ જમીનને કોતરવા લાગતો
  • 71 લેન્ડમાઇન્સ અને 38 જેટલા વિસ્ફટકોને શોધી લેનારો માગાબા હવે થાકી ગયો છે

સ્નિફર ડોગ શબ્દ તો તમે ઘણી વખત સાંભળ્યો હશે. આ પ્રકારના ડોગ તમે જોયા પણ હશે. પોલીસ, સેના અથવા રેસ્ક્યૂ ટીમ સાથે તેમના ઓપરેશન્સ સમયે એ જોવા મળે છે. તેમને સૂંઘવાની શક્તિ અથવા ક્ષમતાને લીધે દર વર્ષે હજારો-લાખો લોકોના જીવ બચે છે, પણ શું તમે કોઈ એવા 'રેટ સ્ક્વોડ' અથવા ઉંદર વિશે સાંભળ્યું છે કે જે સ્નિફર ડોગ્સની માફક સેંકડો લોકોના જીવ બચાવે છે. આ ઉંદર એક કે બે વર્ષથી નહીં પણ પાંચ વર્ષથી આ કામગીરી કરી રહ્યો છે. તો આજે અમે આવા એક ઉંદરની વાત કહેવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલા આ વાત જાણો
કમ્બોડિયામાં ગૃહયુદ્ધ સમયે જંગલોમાં હજારોની સંખ્યામાં બારુદી સુરંગ બિછાવવામાં આવી હતી. મોટા ભાગે અહીંથી પસાર થતા લોકોના પગ એની ઉપર પડી જતા. દબાણ આવતાંની સાથે જ લેન્ડ માઈન્સ ફાટી જતો અથવા એને લીધે વિસ્ફોટ થતો. વિશ્વભરમાં એને લઈ વ્યાપક પ્રમાણમાં ચિંતા થતી. ખાસ વાત એ છે કે આ બારુદી સુરંગ એવા ક્ષેત્રમાં હતા, જ્યાં વિશ્વપ્રસિદ્ધ અંકોરવાટ મંદિર છે. વિશ્વભરમાંથી અહીં પર્યટકો પણ આવતા હતા. કમ્બોડિયા કુદરતી રીતે ખૂબ જ સુંદર દેશ છે, જેથી અહીં પર્યટકો વધારે સંખ્યામાં આવે છે.

ખૂબ જ ઉમદા માગાબા
માગાબા કમ્બોડિયામાં રહેલો એક 'સ્નિફર રેટ' છે. બારુદી સુરંગોથી કમ્બોડિયાની સરકાર ખૂબ જ તકલીફમાં હતી. આ સમયે બેલ્જિયમના એક ચેરિટી ઓર્ગેનાઈઝેશન (APOPO)ને એક શ્રેષ્ઠ આઈડિયા આવ્યો હતો. તેણે તાંઝાનિયાથી એક ખાસ નસ્લના કેટલાક ઉંદર ખરીદ્યા. એમની સૂંઘવાની શક્તિ અસાધારણ હતી. APOPOના વોલન્ટિયર્સે એને તાલીમ આપવાની શરૂ કરી. આ પૈકી એક ઉંદર માગાબાને કમ્બોડિયા મોકલવામાં આવ્યો. એની સાથે વોલન્ટિયર પણ ગયો હતો.

માગાબા શ્રેષ્ઠ કામગીરી માટે યાદગાર
APOPOના પ્રોગ્રામ મેનેજર માઈકલ હિમેન કહે છે, 71 લેન્ડમાઇન્સ અને 38 જેટલા વિસ્ફટકોને શોધી લેનારો માગાબા હવે થાકી ગયો છે. એની ઉંમર સાત વર્ષની છે. પાંચ વર્ષમાં તેણે 2 લાખ 25 હજાર સ્ક્વેર મીટરમાં કામ કરી હજારો લોકોનો જીવ બચાવ્યો છે. એ 42 ફૂટબોલ મેદાનની સમકક્ષ છે. અમે એને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. હવે એ પોતાની પસંદગીનું કામ જેમ કે કેળાં તથા અન્ય ખાદ્ય પદાર્થ ખાવા માટે સ્વતંત્ર છે. અલબત્ત, એ હજુ પણ ઘણો ફિટ છે, પણ એનામાં ઉંમરની અસર દેખાવા લાગી છે.

અનેક સન્માન મળી ચૂક્યા છે
માગાબાને વર્ષ 2016માં જ્યારે કમ્બોડિયા લાવવામાં આવ્યો ત્યારે એ ફક્ત 2 વર્ષનો હતો. અહીં આવતાં પહેલાં એનો ઉપયોગ તાંઝાનિયાની કેમિકલ ફેક્ટરીમાં પણ કરવામાં આવતો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એને રોડેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એને અનેક સન્માન મળી ચૂક્યા છે.

ખૂબ જ સાવચેત રહેતો હતો ઉંદર
માગાબાના ટ્રેનર કહે છે કે એ નક્કી કરેલા વિસ્તારમાં ફરતો. એની સાથે વોલન્ટિયર રહેતો. માગાબાને જ્યાં લેન્ડમાઈના વિસ્ફોટકની આશંકા હોય ત્યાં એ અટકી જતો, ત્યાર બાદ જમીનને કોતરવા લાગતો. ત્યાર બાદ ત્યાંથી એ દૂર હટી જતો અને સ્ટાફ લેન્ડમાઈન ક્લિયર કરી દેતા. હિમેન કહે છે કે અમને આ ઉંદરની ખૂબ જ યાદ આવશે. એ અસાધારણ ઉંદર છે.