US ડોલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય અત્યાર સુધીના સૌથી નીચા લેવલ પર પહોંચી ગયું છે. ઘટવાનું આ વલણ હજુ પણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. ઈન્ટરબેન્ક માર્કેટમાં પાકિસ્તાની રૂપિયો US ડોલરની તુલનામાં ગગડીને રૂપિયા 188.35 થઈ ગયું છે.
પ્રારંભિક કામકાજ દરમિયાન ડોલરની સામે પાકિસ્તાની રૂપિયો 82 પૈસા નબળો પડ્યો હતો. તેને પગલે ઈન્ટરબેન્ક માર્કેટમાં તેનું મૂલ્ય ગગડીને 188.35 થઈ ગયું હતું. આ અગાઉ પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય 187.53 થઈ ગયું હતું. કરન્સી ડીલર્સના જણાવ્યા પ્રમાણે એક્સચેન્જ રેટ પર ભારે દબાણ છે કારણ કે ડોલરનું મૂલ્ય સ્થાનિક ચલણની તુલનામાં સતત મજબૂત થઈ રહ્યું છે. કરન્સી ડિલર્સના જણાવ્યા પ્રમાણે ઓપન માર્કેટમાં 1 ડોલરની કિંમત 189 રૂપિયાથી વધારે થઈ ગઈ છે.
આ માટે શું કારણ જવાબદાર છે?
પાકિસ્તાની મીડિયા અહેવાલ પ્રમાણે કરન્સી ડિલર્સના મતે IMFના પ્રોગ્રામમાં વિલંબ, અન્ય દેશો તરફથી આર્થિક સહાયતા નહીં મળતા, ફોરેન કરન્સીમાં સતત થઈ રહેલો ઘટાડો તેમ જ વ્યાપરમાં થઈ રહેલા ઘટાડાને લીધે ઘરેલુ ચલણ પર દબાણ જોવા મળી રહ્યું છે. હકીકતમાં ઈમરાન ખાન સરકારને લીધે IMFએ 6 અબજ ડોલરનું રાહત પેકેજ અટકાવી દીધુ હતું. ધિરાણ આપવા માટે આ સાથે 5 શરતો પણ રજૂ કરી હતી. IMFએ પાકિસ્તાનને ઈંધણ તથા વીજળી પર જે સબસિડી આપવામાં આવે છે તે પાછી લેવા કહ્યું હતું. હવે નવી સરકાર સબસિડી હટાવવાની તરફેણ કરી રહી છે.
પાકિસ્થાનની આર્થિક મોરચે સ્થિતિ કથળી રહી છે
પાકિસ્તાન સતત આર્થિક મોરચે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD)જાન્યુઆરી 2022ના મહિનામાં 2.56 અબજ ડોલર પહોંચી ગઈ હતી. CAD કોઈ પણ દેશનો વિદેશી ખર્ચ તથા આવક વચ્ચેનું અંતર હોય છે. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (SBP)નું ફોરેક્સ રિઝર્વ 328 મિલિયન ડોલર ઘટી 10.558 અબજ ડોલર થઈ ગયું છે.
આર્થિક અને રાજકીય બન્ને મોરચે કટોકટી
આર્થિક અને રાજકીય મોરચે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાન સામે હવે ભૂખમરાનું સંકટ સર્જાયું છે. હકીકતમાં દેશમાં ઘઉંના ઉત્પાદનમાં જંગી ઘટાડો થવાની દહેશત છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ પ્રમાણે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન તેના લક્ષ્યાંક કરતા 30 લાખ ટન ઓછું થવાનો અંદાજ છે. ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવા પાછળ પાણી તથા ખાતરનો અભાવ જવાબદાર છે. આ ઉપરાંત ઓઈલની વધતી કિંમત અને દેશમાં હીટવેવ, પ્રોડક્શનમાં ઘટાડો થવા માટે જવાબદાર માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.