ફ્રાન્સમાં ગુરુવારે મેક્રો સરકારનું પેન્શન સુધારો બિલ પાસ થઈ ગયું છે. તેના હેઠળ નિવૃત્તિની ઉંમર 62થી વધારી 64 કરી દેવામાં આવી છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં વડાંપ્રધાન એલિઝાબેથ બોર્ને મતદાન કરાવ્યા વગર બંધારણીય તાકાતનો ઉપયોગ કરી બિલ પાસ કરાવી દીધું છે. તેના પછી સમગ્ર દેશમાં બિલ સામે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
ફ્રાન્સમાં વડાંપ્રધાને આર્ટિકલ 49.3નો ઉપયોગ કર્યો, જેના હેઠળ બહુમત ના હોવા પર સરકાર પાસે મતદાન વગર બિલ પાસ કરાવવાનો અધિકાર હોય છે. તેના પછી વિપક્ષના નેતા મરીન લે પેને ઈમેન્યુઅલ મેક્રોની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે, સરકારે વિશેષ સત્તાનો ઉપયોગ કરી બિલ પાસ કરાવ્યું છે. આ તેના પુરાવા છે કે તેઓ કેટલા નબળા છે. વડાંપ્રધાન બોર્નને રાજીનામું આપી દેવું જોઈએ.
23 માર્ચના રોજથી હડતાળ પર અનેક ફ્રેન્ચ યુનિયન
બિલ પાસ થયા પછી અંદાજે 7 હજાર લોકો પેરિસમાં પ્લેસ ડે લા કૉનકૉર્ડ પબ્લિક સ્ક્વેર પર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. આ દરમિયાન પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો અને અંદાજે 120 પ્રદર્શનકારીની ધરપકડ કરી છે. પોલીસે સંસદ સામે વિરોધ કરી રહેલાં લોકોને હટાવવાનું શરૂ કર્યું છે. ઉપરાંત ફ્રાન્સનાં અનેક શહેરોમાં પણ સતત પ્રદર્શન ચાલું છે. 23 માર્ચના રોજ અનેક ફ્રેન્ચ યુનિયને હડતાળની જાહેરાત કરી છે.
‘175 કલાકની ડિબેટને વેડફવા નહીં દઈએ’
ગુરુવારના રોજ ફ્રાન્સમાં સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઉપલા ગૃહમાં 119-114 મતના અંતરથી પેન્શન સુધારો બિલ પાસ થયું છે. તેના પછી નેશનલ એસેમ્બલીની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના સાંસદોએ બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેને જોતા મતદાન શરૂ થવાના અમુક મિનિટો પહેલાં જ વડાંપ્રધાને આર્ટિકલ 49.3નો ઉપયોગ કરવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બિલ દેશ માટે ખૂબજ જરૂરી છે. અમે નથી ઈચ્છતા કે, 175 કલાકની ડિબેટની મહેનત વેડફાઈ જાય. તેના પછી અનેક સાંસદોએ વડાંપ્રધાનનાં રાજીનામાની માગ કરી છે.
શું છે પેન્શન સુધારો બિલ?
વડાંપ્રધાન એલિઝાબેથ બોર્ને જણાવ્યું હતું કે, નવી પેન્શન યોજનાના પ્રસ્તાવ હેઠળ 2027થી લોકોને સંપૂર્ણ પેન્શન લેવા માટે કુલ 43 વર્ષ કામ કરવું પડશે. અત્યાર સુધી લઘુત્તમકાળ 42 વર્ષનો હતો. તેના વિરોધમાં પેરિસ સહિત 200 શહેરોમાં પ્રદર્શન થયા હતા.
સરકાર તેને ફ્રાન્સની શેર-આઉટ પેન્શન સિસ્ટમની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ ઉપાય તરીકે ગણાવી રહી છે. સરકારનું કહેવુ છે કે, કામ કરનારાઓ અને સેવાનિવૃત્ત લોકો વચ્ચેનું પ્રમાણ ઝડપથી ઓછો થઈ રહ્યો છે. તેને જોતા નિવૃત્તિની ઉંમર વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના યુરોપિયન દેશોએ નિવૃત્તિની ઉંમર વધારી છે. ઈટાલી અને જર્મનીમાં નિવૃત્તિની ઉંમર 67 વર્ષ છે. સ્પેનમાં તે 65 વર્ષ છે બ્રિટનમાં નિવૃત્તિની ઉંમર 66 વર્ષ છે.
5 તસવીરોમાં જુઓ પેન્શન બિલના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન
વિરોધમાં 68% લોકો
ફ્રાન્સની શેર-આઉટ પેન્શન સિસ્ટમની સુરક્ષા માટેના મુખ્ય પગલાં તરીકે આ યોજનાને જાહેર જનતા દ્વારા નકારી કાઢવામાં આવી છે. IFOP પોલ મુજબ, 68% લોકો આ યોજનાનો વિરોધ કરી રહ્યાં છે. લોકો માને છે કે, વધુ વર્ષો સુધી કામ કરવાના કારણે તેમની ઉંમર ઘટશે અને તેઓ જલ્દી મૃત્યુ પામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.