ચીનના શંઘાઈ શહેરમાં કોરોનાના નવા કેસ સામે આવતાં હાહાકાર મચી ગયો છે. સરકારે સંક્રમણને રોકવા માટે લગભગ એક મહિના માટે લોકડાઉનનો વિકલ્પ અપનાવ્યો છે, પરંતુ હવે લોકો આ શહેરમાંથી હિજરત કરવા મજબૂર બની ગયા છે. સ્થાનિક પેકર્સ અને મૂવર્સની સાથે કેટલીક કાયદાકીય સંસ્થાઓએ હિજરતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન શંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,545 કેસ નોંધાયા હતા. ચીનમાં ગઈકાલે 5659 કેસ નોંધાયા છે અને 52 લોકોના મોત નોંધાયા છે.
કડક પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરી રહ્યા છે
ચીનમાં પ્રતિબંધો એટલા કડક છે કે શાંઘાઈમાં લોકો ભૂખે મરી રહ્યા છે. કેટલાંક અઠવાડિયાંથી ઘરોમાં કેદ લોકો પાસે હવે ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ ગઈ છે. લોકો તેમની બારીઓમાંથી સૂત્રોચ્ચાર કરીને સરકારની કડક નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ખાવા માટે જેલ જવા પણ તૈયાર છે. ચીનની આર્થિક રાજધાની શંઘાઈમાં 1 માર્ચથી અત્યારસુધીમાં ઓછામાં ઓછા 5 લાખ કેસ નોંધાયા છે.
ચીનમાં શુક્રવારે ઓમિક્રોનના 20 હજારથી વધુ કેસ મળ્યા, 1 મહિનામાં 337નાં મોત
કોરોનાએ ફરી એકવાર ચીનની મુશ્કેલીઓ વધારી દીધી છે. શુક્રવારે અહીં કોરોનાના 20 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. ચીનના સૌથી મોટા શહેર શંઘાઈમાં 3 અઠવાડિયાં કરતાં વધુ સમયથી લોકડાઉન છે, આ પછી પણ સ્થિતિ ખરાબ છે.
બીજિંગમાં શનિવારથી જાહેર સ્થળોએ પ્રવેશવા માટે તમામ નાગરિકો માટે 48 કલાકનો કોવિડ 19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી.
જોખમ મુજબ શહેરને 2 ભાગમાં વિભાજિત કરાયું
રિપોર્ટ અનુસાર, બીજિંગમાં શુક્રવારે કોવિડ 19 માટે ઉચ્ચ જોખમ અને મધ્યમ જોખમ વિસ્તારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. આ હેઠળ બીજિંગમાં ઉચ્ચ જોખમવાળા વિસ્તારોની કુલ સંખ્યા 6 છે અને મધ્યમ જોખમવાળા વિસ્તારોની સંખ્યા 19 છે.
વાઇરસ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને શુક્રવારે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે હાલમાં અમે ઓમિક્રોનની સુનામીનો સામનો કરી રહ્યા છીએ. આ વેરિયન્ટ એટલી વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેની અમે કલ્પના પણ કરી શકતા નથી. જ્યારે દુનિયા આ વાઇરસથી ઘણી હદ સુધી બહાર આવી ગઈ છે, ત્યારે ચીન ફરીથી એની ઝપેટમાં આવી ગયું છે.
કોરોનાએ એક મહિનામાં 337 લોકોના જીવ લીધા
ચીનના નેશનલ હેલ્થ મિશન દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં કુલ 20,000 કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જ્યારે શાંઘાઈમાં ગુરુવારે 15000થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 1 મહિનામાં કોરોનાને કારણે 337 લોકોનાં મોત પણ થયાં છે.
લગ્ન અને અંતિમસંસ્કાર પર પ્રતિબંધ
શંઘાઈમાં લાંબા લોકડાઉન પછી પણ સ્થિતિ કાબૂમાં હોય એવું લાગતું નથી. બીજી બાજુ, હવે બીજિંગમાં પણ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ જોતાં ત્યાંના વહીવટીતંત્ર દ્વારા ગાઈડલાઈન્સ વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત બીજિંગમાં તમામ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે અને લગ્ન અને અંતિમસંસ્કાર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઈન્ટરનેશનલ મૂવર્સ શંઘાઈ (M&T)ના સ્થાપક માઈકલ ફોંગે જણાવ્યું હતું કે અમને દર મહિને લગભગ 30-40 ઓર્ડર મળતા હતા, પરંતુ આ મહિને આવા ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના નાગરિકો શંઘાઈ છોડવા માટે શું ઉપાય કરી શકે છે એની સલાહ સોશિયલ મીડિયા પર લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશમાં સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં નથી. ચીનની શૂન્ય કોવિડ નીતિને કારણે લોકડાઉન કે સખતાઈથી લોકો વધુ પરેશાન છે.
ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા તે દેશો પર નજર કરીએ
દેશ | કેસ | મોત |
જર્મની | 96,523 | 186 |
અમેરિકા | 62,993 | 263 |
ઈટાલી | 58,861 | 133 |
ફ્રાન્સ | 52,919 | 158 |
દક્ષિણ કોરિયા | 50,551 | 136 |
જાપાન | 42,313 | 39 |
ઓસ્ટ્રેલિયા | 41,696 | 26 |
સ્પેન | 20,899 | 77 |
બ્રાઝીલ | 14,122 | 195 |
થાઈલેન્ડ | 14,053 | 129 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.