ભાસ્કર એક્સક્લુઝિવ:અમેરિકી પ્રતિબંધોથી ભારતને છૂટ આપતા કાટ્સા કાયદા પર હવે શંકા

વોશિંગ્ટન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાટ્સા બિલ અમેરિકન સેનેટમાં ફગાવાય તેવી શક્યતા

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (નીચલા ગૃહ)એ ગત દિવસોમાં એક સુધારા બિલ પસાર કર્યું, જે ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રૂ સેકશન્સ એક્ટ’ અથવા ‘કાટ્સા કાયદા’ની જોગવાઇઓથી ભારતને છૂટ આપે છે. તેને ખન્ના બિલ પણ કહેવાય છે, જેને ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ રજૂ કર્યું હતું. તેના પક્ષમાં 330 અને વિરોધમાં 99 મત પડ્યા.

હવે તેને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિ ડેસ્ક સુધી પહોંચવા માટે ઉપલા ગૃહમાં પસાર કરવું પડશે. જોકે કેટલાક વરિષ્ઠ અને શક્તિશાળી સેનેટર ભારતને છૂટ આપવા માટે જરા પણ તૈયાર નથી. તેઓને ભારત પસંદ નથી એવું નથી પરંતુ આ બિલથી બીજી તરફ રશિયાને અબજો ડોલરનો ફાયદો થઇ રહ્યો છે. તેને કારણે સેનેટ ભારતને પ્રતિબંધોથી છૂટ આપવા માટે કાટ્સ કાયદામાં કોઇ ફેરફાર નહીં કરે. કાટ્સા કાયદા હેઠળ અમેરિકા તે દેશો પર પ્રતિબંધ લગાવી શકે છે જેણે રશિયા પાસેથી હથિયારોની ખરીદી કરી છે. ભારતે રશિયા પાસેથી આધુનિક ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદી હતી, જેને કારણે ભારત પર પણ આ કાનૂન હેઠળ પ્રતિબંધનું સંકટ તોળાઇ રહ્યું હતું.

એક સાંસદે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે સેનેટરો અત્યારે એવા કોઇ પણ પગલાં લેવા માટે તૈયાર નથી જેનાથી સીધો જ રશિયાને નાણાકીય ફાયદો થાય. અગ્રણી સેનેટર આ સુધારાને ફગાવી શકે છે. તેઓના મતે, ડેમોક્રેટિક અને રિપબ્લિકન રશિયાને ફાયદો થાય તેવી કોઇ પણ વસ્તુના પક્ષમાં મતદાન કરે તે હિતાવહ નથી. અગાઉ રશિયા પાસેથી એસ 400 મિસાઇલ ડિફેન્સ ખરીદવા બદલ અમેરિકા ચીન અને તૂર્કી પર આ કાયદા હેઠળ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.

અમેરિકાનાં અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે. તેમાંથી એક ન્યૂજર્સી પણ છે, અહીં એશિયન મૂળના સૌથી વધુ મતદારો છે. 2017ની વસતીગણતરી અનુસાર ન્યૂજર્સીની 4.1 ટકા વસતી ભારતીય છે. અહીંના સાંસદ ફોરેન રેલિશન્સ કમિટિની ચેરમેન અને કાટ્સા કાનૂનને લખનાર રોબર્ટ મેનેન્ડેઝ છે. રોબર્ટ ભારત અને અમેરિકાના સંબંધોના પક્ષમાં છે પરંતુ રશિયાના કટ્ટર વિરોધી છે.

રોબર્ટે 2021માં રક્ષા સચિવ લોયડ ઓસ્ટિનને એક લેટરમાં લખ્યું હતું કે જો ભારત રશિયાની સાથે એસ-400 રક્ષા સમજૂતી યથાવત્ રાખે છે તે કાટસા અંતર્ગત કાર્યવાહી થશે. તેનાથી ભારત અમેરિકાની સાથે મિલિટરી ટેક્નોલોજી વિકસિત નહીં કરી શકે. મને આશા છે કે તમે તમારા ભારતીય સમકક્ષો સાથે વાતચીત દરમિયાન આ દરેક પડકારોને સ્પષ્ટ કરશો. હું જ્યારે પણ ભારત સાથે બેઠક કરીશ તો તેઓને કહીશ કે અમેરિકા સાથે ભાગીદારી લોકશાહીનાં મૂલ્યો પર ટકેલી હોવી જોઇએ.

ખન્નાને આગળ કરી બાઈડેનનો રાજકીય દાવ
અમેરિકાનું ડિફેન્સ બજેટ સંભાળનાર જેક રીડ રો ખન્ના બિલને પસાર કરતા રોકી રહ્યા છે. ચર્ચા છે કે રાષ્ટ્રપતિ જો બાઇડેને રો ખન્નાનો કઠપૂતળીની માફક ઉપયોગ કર્યો છે. આવું કરીને બાઇડેન પોતે જ ભારતવંશીઓની નારાજગીનો શિકાર બનવા માંગતા નથી. આ બાઇડેનનો રાજકીય દાવ છે.

કાટ્સા હેઠળ ચીન અને તૂર્કી પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે
કાટ્સાને કારણે ચીનને પણ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. વાસ્તવમાં, ચીને રશિયા સાથે એસ-35 અને એસ-400ની ડીલ કરી હતી. તૂર્કીએ રશિયા સાથે એસ-400 માટે ડિફેન્સ ડીલ કરી હતી. તેના પર એક્શન લેતા અમેરિકાએ તૂર્કીની સરકારી એજન્સીના પ્રમુખની એસેટ્સ ટાંચમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...